Gujarati News

Gujarati News

News of Friday, 29th March 2019

ભાજપ મનમાં હરખાયું

ગુજરાતની તમામ બેઠકો લડવા NCPની જાહેરાત

અમદાવાદ તા. ૨૯ :  ગુજરાતમાં લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ અને NCP ગઠબંધન કરશે તેવી અટકળો વચ્ચે ધીમે ધીમે ઉમેદવારી નોંધાવવાનો અંતિમ દિવસ નજીક આવી રહ્યો છે ત્યારે NCPએ રાજયની તમામ ૨૬ લોકસભા બેઠકો પરથી ચૂંટણી લડવાની જાહેરાત કરી દીધી છે. ગુરૂવારે NCPની ગુજરાત પ્રદેશ પ્રમુખ જયંત પટેલે આ અંગે જાહેરાત કરતા જણાવ્યું કે, 'ગુજરાતમાં અમારી પાર્ટી તમામ બેઠકો પરથી ઉમેદવાર ઉભા રાખશે અને આગામી ૨-૩ દિવસમાં તેમના નામની યાદી જાહેર કરી દેવાશે.'

મહત્વપૂર્ણ છે કે રાજયમાં લોકસભા ચૂંટણીની સાથે સાથે ૫ વિધાનસભા બેઠકો પર પર ચૂંટણી યોજાઈ રહી છે ત્યારે NCP આ બેઠકો પર પણ પોતાના ઉમેદવાર ઉતારવાની જાહેરાત કરી છે. જેનો ફાયદો ભાજપને મળી શકે છે કેમ કે ભાજપ વિરોધી મતોમાં NCPના ઉમેદવારો ભાગ પડાવશે. ભલે રાષ્ટ્રીય સ્તરે NCP અને કોંગ્રેસ એક લાંબા સમયથી એકબીજાના સાથી રહ્યા હોય પરંતુ ગુજરાતમાં આ સમીકરણ કયારેય બંધ બેસ્યું નથી. ૨૦૦૪ અને ૨૦૧૪ લોકસભા ચૂંટણીમાં પણ કોંગ્રેસ અને NCP વચ્ચે ગઠબંધન રચાયું હતું. જેમાં કોંગ્રેસે NCP માટે ૨૦૦૪માં રાજકોટ અને ૨૦૧૪માં પોરબંદર બેઠક ખાલી છોડી હતી. જોકે આ બંનેમાંથી કોઈ બેઠક પર NCP જીતી શકયું નહોતું. જયારે ૧૯૯૯ અને ૨૦૦૯માં બંને પક્ષ વચ્ચે કોઈ જોડાણ થઈ શકયું નહોતું અને NCPએ ૭ બેઠકો પરથી ચૂંટણી લડી હતી જોકે એકપણ બેઠક પર ઘડિયાળ ચાલી નહોતી.

જયારે ૨૦૧૭માં વિધાનસભા ચૂંટણી દરમિયાન છેવટ સુધી NCP અને કોંગ્રેસમાં ગઠબંધન થશે તેવી અટકળો ચાલી હતી જોકે અંતિમ ઘડીએ વાતચીત પડી ભાંગતા NCPએ ૫૮ જેટલી બેઠકો પરથી પોતાના ઉમેદવાર મેદાનમાં ઉતાર્યા હતા. જે પૈકી એકમાત્ર કુતિયાણા બેઠક પરથી જીત મેળવી શકી હતી. જોકે તેમણએ કોંગ્રેસને ૫ બેઠકોનું નુકસાન જરૂર પહોંચાડ્યું હતું. આ પાંચ બેઠકો પર ભાજપ ખૂબ જ પાતળી સરસાઈ સાથે જીત્યું હતું અને જો NCP કોંગ્રેસનું ગઠબંધન હોત તો ભાજપ ૯૯ની જગ્યાએ ૯૪ બેઠકો પર જ સમેટાઈ ગયું હોત.

જયારે ૨૦૧૨માં કોંગ્રેસે વિધાનસભા ચૂંટણીમાં NCP સાથે ગઠબંધન કરીને તેમને ૧૨ બેઠકો ફાળવી હતી. જે પૈકી માત્ર બે જ બેઠકો કુતિયાણાથી કાંધલ જાડેજા અને ઉમરેઠથી જયંત પટેલ જીતી શકયા હતા. જયારે ૨૦૦૨માં કોંગ્રેસ અને NCP વચ્ચે કોઈ ગઠબંધન થઈ શકયું નહોતું ત્યારે NCPએ ૮૧ બેઠકો પરથી પોતાના ઉમેદવાર મુકયા હતા જેનું નુકસાન કોંગ્રેસને ૧૪ જેટલી બેઠક ખૂબ જ પાતળી સરસાઈથી ભાજપ સામે ગુમાવને ભરવું પડ્યું હતું. ત્યારે આ વખતે પણ ચૂંટણીના મેદાનમાં ઉતરવા માટે ઉમેદવારી નોંધાવવાની છેલ્લી તારીખને માંડ એક સપ્તાહ બાકી છે તો પણ કોંગ્રેસ-NCP ગઠબંધન ન થતા NCP કોંગ્રેસને મોટું નુકસાન પહોંચાડે તેવી પૂરી શકયતા છે.

(11:46 am IST)