Gujarati News

Gujarati News

News of Friday, 29th March 2019

વકીલો ઉનાળામાં કાળો કોટ નહિ પહેરે તો ચાલશેઃ લોગાવાળી ટાઇ ફરજીયાત

ગાંધીનગર તા.ર૯: બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના ચેરમેન શ્રી દિપેન કે. દવે, વાઇસ ચેરમેન શ્રી પ્રવીણ ડી. પટેલ એકઝીકયુટીવ કમિટીના ચેરમેનશ્રી કરણસિંહ બી. વાઘેલા તથા શિસ્ત કમિટીના ચેરમેન અનિલ સી. કેલ્લાનાએ યાદીમાં જણાવે છે કે બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના રૂલ્સ દ્વારા સમગ્ર ભારત દેશના વકીલાતના વ્યવસાય સાથે સંકળાયેલ ધારાશાસ્ત્રીઓને કોટ અને ચોક્કસ પ્રકારનો ડ્રેસ પહેરવાનો ફરજીયાત બનાવવામાં આવેલ છે. તેમાં કોટ પહેરવાથી ઉનાળામાં મુકિત આપવામાં આવી છે.

ભારત દેશમાં જુદા જુદા રાજ્યોની ભોગોલિક પરિસ્થિતિ અનુસાર દેશમાં ઋતુઓનું પ્રમાણ અનિયમિત તેમજ અમુક ભાગોમાં ગરમીનું પ્રમાણ વધુ જોવા મળતું હતું. પરિણામે ઉનાળાના સમયમાં તાલુકા અને જિલ્લા અદાલતોમાં કામ કરતા ધારાશાસ્ત્રીઓને ગરમીના ઉચા પારાને કારણે ઉનાળાના સમયમાં એટલે કે એપ્રિલથી જુલાઇ સુધીના સમયગાળામાં કાળો કોટ પહેરવાને કારણે ગરમીનો અસહ્ય ત્રાસ સહન કરવો પડતો હતો. જેથી ડ્રેસ કોડ સંદર્ભમાં ઉનાળાના સમય દરમિયાન ધારાશાસ્ત્રીઓને ચોક્કસ સમય ' દરમિયાન કાળો કોટ પહેરવામાંથી મુકિત આપવા માટે બાર કાઉન્સિલ ઓફ ગુજરાત દ્વારા ગુજરાત હાઇકોર્ટને થયેલ રજૂઆત અનુસંધાને ભારતીય બંધારણના અનુચ્છેદ ર૩૫ તથા ક્રિમીનલ મેન્યુઅલ ૧૯૭ અનુસાર ખાસ ગુજરાત હાઇકોર્ટના તા. ૧૮-૩ ના નોટીફિકેશન દ્વારા ઉનાળાના સમય દરમિયાન એટલે કે તા. ૧લી એપ્રિલથી તા. ૩૧મી જુલાઇ સુધી નીચલી અદાલતો, સેશન્સ તથા જિલ્લા અદાલતોમાં કાળો કોટ પહેરવામાંથી મુકિત આપવામાં આવેલ અને આ સમય દરમિયાન ધારાશાસ્ત્રીઓએ સફેદ શર્ટ, સફેદ કોલર્સ સાથે બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના લોગો સાથેની કાળી ટાઇ પહેરવી તેવો નવો સુધારો કરવામાં આવેલ અને ગુજરાતની તમામ નીચલી અદાલતો, સેશન્સ તથા જિલ્લા અદાલતોમાં તા. ૧લી એપ્રિલથી તા. ૩૧મી જુલાઇ સુધી ગુજરાતના તમામ ધારાશાસ્ત્રીઓને આ નિયમ મુજબ મુકિત મળેલ છે. તેમજ બાર કાઉન્સિલ ઓફ ગુજરાત દ્વારા આ સમયગાળા દરમિયાન ધારાશાસ્ત્રીઓ માટે ખાસ પ્રકારના બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના લોગોવાળી ટાઇ બનાવડાવવામાં આવે છે અને ધારાશાસ્ત્રીઓને જરૂરીયાત મુજબની ટાઇ બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની ઓફિસેથી મળવાપાત્ર રહેશે તેમ રાજકોટ સ્થિત બાર કાઉન્સિલના સભ્ય દિલીપ પટેલે પણ રજુઆતમાં સૂર પૂરાવ્યો હતો.

(11:46 am IST)