Gujarati News

Gujarati News

News of Saturday, 29th February 2020

આવકવેરા વિભાગે નોટિસ ફટકારતા ભરૂચ જિલ્લાના ખેડૂતોમાં રોષ: મહાસંમેલન યોજાયું : લડી લેવા નિર્ધાર

પાંચમી માર્ચના રોજ ખેડૂતો આવકવેરા વિભાગના અધિકારીઓને મળશે

ભરૂચ જિલ્લાના ખેડૂતોને આવકવેરા વિભાગે નોટીસ આપતા ખેડૂતોમાં રોષ ફેલાયો છે. નોટીસોના વિરોધમાં છેક સુધી લડી લેવાના નિર્ધાર સાથે શનિવારના રોજ ખેડૂત મહા સંમેલન યોજાયું હતું.

આવકવેરા વિભાગ તરફથી ભરૂચ જિલ્લાના એક હજાર કરતાં વધારે ખેડૂતોને ઇન્કમટેકસ ભરવાની નોટીસ આપવામાં આવતાં ખેડૂતોમાં રોષ જોવા મળી રહયો છે.ખેડૂતોએ આવકવેરા વિભાગના અધિકારીઓને નોટીસો પાછી ખેંચી લેવા માટે રજુઆતો કરી છે. અનેકવારની રજુઆતો છતાં નોટીસો પાછી ખેંચવામાં નહિ આવતાં ખેડૂતો છેક સુધી લડી લેવાના મિજાજમાં આવી ગયાં છે.

  ભરૂચના નીલકંઠેશ્વર મહાદેવ મંદિરના હોલમાં ખેડૂતોનું મહાસંમેલન યોજાયું હતું જેમાં ખેડૂતોએ એક સુરમાં આવક વેરા વિભાગની કામગીરીને વખોડી નાંખી હતી. આગામી પાંચમી માર્ચના રોજ ખેડૂતો આવકવેરા વિભાગના અધિકારીઓને મળશે અને તેમાં સમસ્યાનો હલ નહિ આવે તો આંદોલનને જલદ બનાવવાનો નિર્ણય લેવાયો છે. ખેડૂત આગેવાનોના જણાવ્યા મુજબ ખેડૂતોને કોઇ પણ પ્રકારનો ઇન્કમટેકસ ભરવાનો હોતો નથી પણ તેમને નોટીસો આપી તથા દંડ ફટકારી કનડગત કરવામાં આવી રહી છે.

(11:29 pm IST)