Gujarati News

Gujarati News

News of Saturday, 29th February 2020

પ્રિન્ટ એડવર્ટાઈઝ ઉદ્યોગ ૨૦ હજાર કરોડથી વધુનો

અહેવાલ મહત્વના તારણ જારી

અમદાવાદ,તા. ૨૯ : પીચ મેડિસન એડવર્ટાઈઝીંગ રિપોર્ટ ૨૦૨૦ પ્રમાણે ભારતીય પ્રિન્ટ એડવર્ટાઈઝીંગ ઉદ્યોગે અનેક પ્રતિકૂળ પરિસ્થિતિઓ વચ્ચે પણ ત્રણ ટકાનો વૃધ્ધિદર નોંધાવ્યો છે અને રૂ. ૨૦,૦૦૦ કરોડનાં આંકને પાર કર્યો છે. ભારતમાં વિજ્ઞાપન બજાર રૂ. ૬૭,૬૦૩ કરોડનું છે. જેમાં પ્રિન્ટનો હિસ્સો ૩૦ ટકાનો છે. જેની આતુરતાપૂર્વક રાહ જોવાતી હતી તે પીચ મેડિસન એડવર્ટાઈઝીંગ રિપોર્ટ ૨૦૨૦ તાજેતરમાં જ પ્રકાશિત કરવામાં આવ્યો હતો. આમ, આ રિપોર્ટના આધારે જોઇએ તો, ભારતીય પ્રિન્ટ એડવર્ટાઇઝીંગ ઉદ્યોગ માટે સારા અને હકારાત્મક સંકેતો સામે આવ્યા છે અને આગામી સમયમાં પણ ઉદ્યોગ વધુ સારો વૃધ્ધિદર નોંધાવી હરણફાળ ભરે તેવી પૂરી શકયતા છે. મુંબઈમાં યોજાયેલા કાર્યક્રમમાં કંપની જગતનાં ટોચનાં અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.

            પીચ મેડિસન એડવર્ટાઈઝીંગ રિપોર્ટ ૨૦૨૦ પ્રમાણે એફએમસીજી, એગ્રો, એજ્યુકેશન, રિયલ એસ્ટેટ અને રિટેલ કેટેગરીઓએ ૨૦૧૯માં ૫૦ ટકા જેટલો વિજ્ઞાપન ખર્ચ કર્યો હતો. પ્રિન્ટ મિડીયા માટે ઈકોમર્સ સૌથી વધુ ઝડપે વધતી કેટેગરી છે. જેણે ૨૦૧૮ની સરખામણીમાં ૧૪ ટકાનો વૃધ્ધિદર નોંધાવ્યો હતો. લોકસભાની ચૂંટણીઓમાં રાજકીય પક્ષોએ રૂ. ૨૦૦ કરોડની વિજ્ઞાપનો પ્રિન્ટ મિડીયામાં કરી હતી. એજ્યુકેશન, ઈકોમર્સ, રિયલ એસ્ટેટ અને રિટેલ એમ મુખ્ય ચાર કેટેગરીઓમાં ૬૫ ટકાની વૃધ્ધિ જોવા મળી હતી. અમે તેનો આંક રૂ. ૫૮૮ કરોડ પર પહોંચ્યો હતો. અંગ્રેજી ભાષાએ પ્રિન્ટ એડવર્ટાઈઝીંગમાં ૨૫ ટકાનું પ્રદાન કર્યું હતું. મેડિસન વર્લ્ડનાં ચેરમેન શ્રી સામ બલસારાએ જણાવ્યું હતું કે, આવતા પાંચ વર્ષમાં વિજ્ઞાપન ખર્ચ ઘણો વધશે કારણ કે આપણું અર્થતંત્ર ઝડપથી વિકસી રહ્યું છે. આમ, ભારતીય પ્રિન્ટ એડવર્ટાઇઝીંગ ઉદ્યોગ માટે સારા અને હકારાત્મક સંકેતો સામે આવ્યા છે અને આગામી સમયમાં પણ ઉદ્યોગ વધુ સારો વૃધ્ધિદર નોંધાવી હરણફાળ ભરે તેવી પૂરી શકયતા છે. આ ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકોને પણ તેનો સીધો લાભ પ્રાપ્ય બનશે.

(9:19 pm IST)