Gujarati News

Gujarati News

News of Saturday, 29th February 2020

રાજ્યભરમાં ૬.૯૦ કરોડ મોબાઈલ : હેવાલમાં દાવો

૪.૨૦ કરોડ લોકો ઇન્ટરનેટ યુઝ કરી રહ્યા છે : કુલ વસ્તીની સરખામણીમાં ટેલિફોન કનેકશનની સંખ્યા ૭૩ લાખ વધુ : કનેક્ટીવિટી સારી હોવાથી સંખ્યા વધારે

અમદાવાદ,તા. ૨૯ : ગુજરાતના સામાજીક આર્થીક સમીક્ષાના રિપોર્ટમાં ટ્રાઇના રજૂ થયેલા આંકડામાં એવી મહત્વની વિગતો સામે આવી હતી કે, ગુજરાતની કુલ વસ્તી ૬.૨૭ કરોડની કુલ વસ્તીની સામે ૭ કરોડ ટેલિફોન જોડાણો છે. જેમા ૧૦ લાખ લેન્ડલાઈન ફોન ઉપરાંત ૬ કરોડ ૯૦ લાખ મોબાઈલ ફોન યુઝર્સ છે. જેમાંથી ગુજરાતમાં ઈન્ટરનેટધારકોની સંખ્યા ૪ કરોડ ૨૦ લાખ ૬૧ હજાર છે. આમ ગુજરાતની કુલ વસ્તી કરતા ટેલિફોન જોડાણોની સંખ્યા ૭૩ લાખ વધુ છે. જે ટેકનોલોજીની દ્રષ્ટિએ ઘણી સારી વાત કહી શકાય. ઉલ્લેખનીય છે કે, સમગ્ર વિશ્વમાં વધતી જતી ટેક્નોલોજી અને સોશિયલ મીડિયામાં ગુજરાત પણ હરણફાળ ભરી રહ્યું છે. ગુજરાતના સામાજીક આર્થીક સમીક્ષાના રિપોર્ટમાં ટ્રાઇના રજૂ થયેલા આંકડા મુજબ, ગુજરાતમાં દર ૧૦૦ વ્યક્તિ દીઠ ટેલિડેન્સિટી ૧૦૬.૦૫ ટકા આકવામાં આવી છે. ગુજરાત રાજ્યની ભારત સાથેની સરખામણીના આંકડા મુજબ ભારતના કુલ ટેલિફોન જોડાણમાંથી ૫.૮૬ ટકા ગુજરાતમાં છે.

            જ્યારે મોબાઈલ ફોનમાં પણ સમગ્ર દેશમાં ગુજરાતમાં ૪.૬૭ ટકા યુઝર્સ છે. ઇન્ટરનેટ ધારકોની સંખ્યા સમગ્ર દેશમાં ગુજરાતમાં ૬.૨૦ ટકા દર્શાવવામાં આવી છે. ગુજરાતમાં વધતા જતા મોબાઈલ અને ઈન્ટરનેટના ઉપયોગ અંગે એવુ પણ માનવામાં આવે છે કે, દેશમાં મોબાઈલ ફોનની કિંમત અને ઈન્ટરનેટના દરમાં ધરખમ ઘટાડો થવાના કારણે ગુજરાતીઓ મોબાઈલ ફોન અને ઇન્ટરનેટ સાથે વધારે જોડાઈ રહ્યા છે. ખાસ કરીને શહેરી વિસ્તારોની સાથે ગ્રામીણ વિસ્તારોમાં પણ ઇન્ટરનેટ કનેક્ટીવિટી સારી હોવાને કારણે મોબાઈલ ફોનની સંખ્યા વધી છે.

            સાથે-સાથે કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકાર દ્વારા ઇન્ટરનેટના માધ્યમથી ઓનલાઈન સેવાઓ શરૂ કરવામાં આવતા પ્રજાને ઘરે બેઠા સરળતાથી તમામ લાભ મળી શકે છે. ગુજરાતની મહિલાઓ તેમજ ખેડૂતો પણ હવે સોશિયલ મીડિયાનો વધુ ઉપયોગ કરતા જણાઈ રહ્યા છે. ખેડુતો પોતાના ખેતર માટે ખાતરથી લઈને ખેતી કરવાની અલગ-અલગ પદ્ધતિઓની જાણકારી ઇન્ટરનેટના માધ્યમથી લઈ રહ્યા છે. તેમજ મહિલાઓ પણ ઇન્ટરનેટ દ્વારા ઘરે-બેઠા કામ કરતા કરતા પરિવાર માટે પુરતો સમય આપવાની સાથે એકસ્ટ્રા ઇનકમ પણ મેળવી રહી છે. ત્યારે રાજયભરમાં ધીરે ધીરે મોબાઇલ યુઝર્સની સંખ્યા વધવા ઉપરાંત ઇન્ટરનેટ યુઝર્સનો આંક પણ હવે નોંધપાત્ર રીતે ઉંચો આવી રહ્યો છે.

(9:15 pm IST)