Gujarati News

Gujarati News

News of Saturday, 29th February 2020

મશહૂર હુએ વો જો કભી કાબિલ ના થે, ઔર મંજિલ ભી ઉન્હે મીલી જો દોડમેં કભી શામિલ ના થે...

વહીવટી ખુરશીઓ ખાલી...ખાલી...રાજ્ય સરકાર ભરતીના આંકડા જાહેર કરે છે, નિવૃતિના નહિ

વિધાનસભામાં સરકારને વેધક બાણોથી વિંધતા કોંગ્રેસી ધારાસભ્ય બ્રિજેશ મેરજા

ગાંધીનગર, તા. ૨૮ :. મોરબી વિધાનસભા વિસ્તારના કોંગ્રેસના ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ વિધાનસભામાં રાજ્યપાલના પ્રવચન પર આભાર પ્રસ્તાવ વખતે રાજ્યની ભાજપ સરકાર પર વિવેકપૂર્ણ આકરા પ્રહારો કર્યા હતા. તેમણે મશહૂર હુએ વો જો કાબેલ નહિ થે... જેવી પંકિતનો ઉપયોગ કરી પોતાના વકતવ્યને પ્રભાવક બનાવ્યુ હતું.

બ્રિજેશ મેરજાએ જણાવેલ કે, સરકારની કરણી અને કથનીમાં ફેર છે. સરદાર પટેલનો જન્મ દિન ગૌરવભેર રાષ્ટ્રીય એકતા દિન તરીકે ઉજવીએ છીએ પરંતુ તેમના જેવા દૂરંદેશીપણામાં સરકાર કયાંક ઉણી ઉતરી છે. ૧૯૯૬ના વાવાઝોડા વખતે હું નવલખી બંદર વિસ્તારમાં પ્રજાની પડખે ઉભો હતો. નવલખીના એ વિસ્થાપિતો માટે આજે પણ સરકાર પીવાનું પાણી, વિજળી, શિક્ષણ અને આવાસ આપી શકી નથી. કેટલાય વર્ષોથી ગુડ ગવર્નન્સની દુહાઈ અપાય છે. અહીં બેઠેલ ધારાસભ્યો એક દિવસ પૂર્વ ધારાસભ્ય થઈ જવાના છે. ૨૬ રાજ્યોમાં તેમા નિર્વાહ ભથ્થુ અપાય છે તો આ ભૂતપૂર્વ ધારાસભ્યોનો શું ગુન્હો છે ? સરકારી ભરતી પ્રક્રિયામાં પારદર્શકતા લુપ્ત થતી જાય છે. દર વર્ષે આપણે કેટલી ભરતી કરી ? તેના આંકડા જાહેર કરીએ છીએ પણ કેટલા નિવૃત થયા ? તે ખાનગીમાં તો અમને કહો. દરેક વિભાગ ચાર્જમાં ચાલે છે. એક અધિકારી પાસે અનેક ચાર્જ હોય તો ન ઘરનો ન ઘાટનો રહી શકે. છેલ્લા ૪ વર્ષથી પ્રાથમિક શિક્ષકોની ભરતી થઈ નથી. મોટી બરારમાં હાઈસ્કૂલ માટે રૂ. ૬૦ લાખ બે વર્ષથી મંજુર થયા છે પરંતુ તેનુ મકાન બનતુ નથી. ખેડૂતોના દેવા કેમ માફ કરતા નથી ? પાક વિમો કેમ સમયસર ચૂકવતા નથી ? સરકારે લોકોના પ્રશ્નો પર પુરતુ ધ્યાન આપવું જોઈએ.

અંબાજીના મંદિર સર્કલને સ્વ. પંકજસિંહનું નામ આપો : દિવંગત ડે. કલેકટરને યાદ કરતા બ્રિજેશ મેરજા

રાજકોટઃ. રાજ્યમાં નિષ્ઠાવાન અધિકારી તરીકે જાણીતા ડે. કલેકટર શ્રી પંકજસિંહ જાડેજા પરિવાર સાથે અકસ્માતનો ભોગ બનેલ. આ ઘટનાનો બ્રિજેશ મેરજાએ વિધાનસભામાં પોતાના વકતવ્ય વખતે ઉલ્લેખ કરી સ્વ. પંકજસિંહની સેવાને બિરદાવી હતી. સ્વ. પંકજસિંહ એક સમયે બનાસકાંઠાના સુપ્રસિદ્ધ તિર્થસ્થાન અંબાજી ટ્રસ્ટના વહીવટદાર હતા. તેથી તેમની યાદમાં અંબાજી સર્કલને તેમના નામ સાથે જોડી સન્માન આપવું જોઈએ તેવુ તેમણે સૂચન કર્યુ હતું.

(1:03 pm IST)