Gujarati News

Gujarati News

News of Saturday, 29th February 2020

ઉગ્રવાદીઓ-રીઢા ગુન્હેગારો વડોદરામાં પગ મુકશે કે કંટ્રોલરૂમનું મશીન ગુંજી ઉઠશે

ગુજરાતમાં સૌ પ્રથમ ફેશીયલ રેર્કોગ્નાઇઝ સોફટવેરના અમલીકરણના ટાંકણે જ અફવાખોરોએ 'પોલીસ સીસીટીવી કેમેરા હટાવી રહી છે, તૈયારીમાં રહેજો' એવા ઉશ્કેરણીજનક પોસ્ટો વાયરલ થતા ચોંકી ઉઠેલા પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોતે સાઇબર ક્રાઇમ-ક્રાઇમ બ્રાન્ચ અને એસઓજીની ટીમોને અફવાખોરોને ઝડપી પાડવા મેદાને ઉતારી : સંબંધક અપરાધીનો ચહેરો સ્ક્રીન પર ચમકશે અને એ વિસ્તારનું લોકેશન પણ દેખાશેઃ ભીડવાળા વિસ્તારોને પ્રથમ પસંદગી

રાજકોટ, તા., ૨૯: ગુજરાતમાં સૌ પ્રથમ વખત એઆઇ ફેશીયલ રેર્કોગ્નાઇઝ સોફટવેર દ્વારા આતંકવાદીઓ અને રીઢા ગુનેગારો સહીતના શંકાસ્પદ તત્વો ઉપર નજર રાખવા માટે વડોદરામાં ૧૩૦૦ જેટલા વધારાના સીસીટીવી કેમેરા મુકવાનો પ્રોજેકટ  બે માસમાં પુર્ણ કરવાના મેગા આયોજનનો  આજથી પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોતના માર્ગદર્શનમાં પ્રારંભ થયો છે.

ઇ-ગુજકોપ સાથે સાંકળી લેવામાં આવેલ  આ પ્રોજેકટની વિશેષતા એ છે કે પોલીસના  આ એપ્લીકેશનમાં કેદ થયેલ આતંકવાદીઓ કે અંધારી આલમના માથાઓ અને રીઢા ગુનેગારો આ શહેરના ગમે તે વિસ્તારમાં પ્રવેશ કરશે તો કંટ્રોલ રૂમમાં ગોઠવાયેલ ખાસ મશીન બીપ બીપના અવાજથી ગુંજી ઉઠશે અને સંબંધક શખ્સનો ચહેરો સ્ક્રીન  ઉપર ઉપસી આવશે અને સંબંધક શખ્સનું લોકેશન પણ મેળવી શકાશે.

દરમિયાન વડોદરા શહેરમાં પોલીસ દ્વારા અદ્યતન કેમેરા લગાડવાના યશસ્વી પ્રોજેકટ અંતર્ગત ચોક્કસ કંપનીના કેમેરાઓ  તેમને બદલવાની ચાલતી કવાયતનો પણ કેટલાક અફવાખોરોએ ગેરલાભ લઇ એવી  વ્યાપક અફવા સોશ્યલ મીડીયા મારફત ફેલાવી છે કે 'વડોદરા શહેરમાં સીટી પોલીસ દ્વારા સીસીટીવી કેમેરા હટાવી દેવામાં આવ્યા છે તૈયારી રાખજો' આવા  અશાંતિ જગાવતા મેસેજો સામે પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોતે તુર્ત જ ક્રાઇમ બ્રાન્ચ-એસઓજી અને સાઇબર ક્રાઇમના એસીપી ભરત રાઠોડ સહીતની ટીમોને કામે લગાડી અફવાખોરોને  કોઇ પણ ભોગે ઝડપી લઇ તેઓની સામે ગુન્હાઓ દાખલ કરવાના તાકીદના આદેશો આપ્યાનું પણ સુત્રો જણાવે છે.

પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોતે જાતે રસ લઇ જે મેગા પ્રોજેકટનો વડોદરામાં અમલ કરાવ્યો છે તેને કારણે નાસી છુટેલા ગુન્હેગારો પણ પ્રવેશ કરશે તો પણ આ સોફટવેર ચાડી ખાશે. રેલ્વે-બસ સ્ટોપ અને ભીડવાળા વિસ્તારોમાં આ કેમેરાઓ વધારે લગાડવામાં આવશે. લોકોમાં સલામતીની ભાવના જગાવવા માટે ૧૦ કરોડના ખર્ચે આ મેગા પ્રોજેકટ અમલમાં મુકવામાં આવ્યો છે.

વડોદરા ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી જયદીપસિંહ જાડેજાએ લોકોને આવી કોઇ અફવા ગેરમાર્ગે ન દોરાવા તથા આવી કોઇ પોસ્ટ વાયરલ ન કરવી કે તણાવ કે ભયનું વાતાવરણ નિર્માણ ન કરવા અપીલ કરી છે.

(11:42 am IST)