Gujarati News

Gujarati News

News of Wednesday, 29th January 2020

અજય શ્રીધર સહિત ચાર બિલ્ડરને ત્યાં આઇટીના વ્યાપક દરોડા

ત્રણ કરોડ રોકડા અને બે કરોડના દાગીના મળ્યા : અજય શ્રીધરના બંગલાને સીલ મારી દીધા બાદથી આઇટી દ્વારા તપાસનો દોર : કાર્યવાહીથી બિલ્ડર લોબીમાં દહેશત

અમદાવાદ, તા. ૨૯ : ઈન્કમટેક્સ વિભાગે ગઇકાલે શહેરના ટોચના રિયલ એસ્ટેટ જૂથ શ્રીધર ડેવલપરના અજય શ્રીધર અને સૂર્યમ બિલ્ડર ગ્રૂપના તેમના ભાગીદારો શરદ પટેલ, ઘનશ્યામ પટેલ તેમજ હાઉસ ઓફ ફર્નિચર (એચઓએફ)ના રાજેશ પટેલની ઓફિસો તેમજ નિવાસસ્થાનો મળીને ૩૦ સ્થળે સાગમટે દરોડા પાડ્યા બાદ આજે પણ તપાસનો ધમધમાટ આગળ ધપાવાયો હતો. જેને પગલે બિલ્ડર લોબીમાં જબરદસ્ત ફફડાટની લાગણી ફેલાઇ ગઇ હતી. ગઈકાલે સવારે ૭ -૦૦ વાગ્યાથી ચાલુ થયેલા આઇટીના દરોડા મોડી રાત સુધી ચાલુ હતા. ત્યારે આ દરોડામાં અત્યારસુધીમાં રૂ.૩ કરોડ રોકડા અને રૂ. ૨ કરોડના સોના ચાંદીના દાગીના સાથે ૨૦ લોકર મળતાં આઇટીના અધિકારીઓ પણ ચોંકી ઉઠયા હતા. બીજીબાજુ, શ્રીધર ડેવલપર દ્વારા મોટાભાગના તમામ વ્યવહાર રોકડમાં થયો હોવાનો ઘટસ્ફોટ સામે આવતાં અજય શ્રીધર અને તેમના સાથીઓની મુશ્કેલી વધી શકે છે. શ્રીધર ડેવલપર પર આઇટી વિભાગના દરોડા બાદ એવી ચર્ચાએ પણ જોર પકડયુ છે કે, શ્રીધર ડેવલપરના માલિક અજય શ્રીધરે ભાડજ નજીક એસપી રિંગ રોડ પર છેલ્લે અંદાજે રૂ.૨૫૦ કરોડમાં જમીનનો સોદો કર્યો હતો. આ સોદા પછી તેઓ ઈન્કમટેક્સ વિભાગના રડારમાં આવી ગયા હોવાની આશંકા છે. ૩૦ સ્થળે સાગમટે પાડવામાં આવેલા દરોડા દરમિયાન રૂ. ૩ કરોડ રોકડા, રૂ. ૨ કરોડ સોનાના દાગીના, લોકર, જમીનના ખરીદ-વેચાણના દસ્તાવેજો, મોટાભાગના રોકડ વ્યવહાર થયા હોવાનું બહાર આવ્યું છે. ઈન્કમટેક્સના ૧૦૦થી વધુ અધિકારી ૩૦ સ્થળે પોલીસ કાફલા સાથે સાગમટે જ ત્રાટક્યા હતા. રાજેશ પટેલના સિંધુ ભવન રોડ પર આવેલા ફર્નિચર શો-રૂમ ખૂલતાંની સાથે જ ઈન્કમટેક્સની ટુકડી આવી પહોંચી હતી. શરદ પટેલ અને ઘનશ્યામ પટેલે મોટાપાયે રોકડમાં જમીનો ખરીદી અજય શ્રીધર સાથે વ્યવહારો કર્યા હોવાની શંકા છે. દરોડાની કાર્યવાહી હજુ આવતીકાલે સાંજ સુધી ચાલે તેવી શક્યતા છે. ગઈકાલે ઈન્કમટેક્સે શ્રીધરનું નિવાસસ્થાન અને ઓફિસોને સીલ મારી દીધું હતું. ઉલ્લેખનીય છે કે, છેલ્લા ઘણાં વર્ષોથી અજય શ્રીધર, ઘનશ્યામ, રાજેશ પટેલ, શરદ પટેલ જમીનની લે-વેચમાં ભાગીદાર છે. આ બિલ્ડરોએ શીલજ, ભાડજ (સાયન્સ પાર્ક), હેબતપુર, ખોડિયાર, ગ્યાસપુર સહિતના વિસ્તારોમાં મોટાપાયે જમીનો ખરીદી છે. શીલજ ચારરસ્તા પાસે એસપી રિંગ રોડની એક તરફનો જમીનનો મોટો પટ્ટો શ્રીધર ગ્રુપે ખરીદી અહીં ૧૦થી વધુ ફ્લેટની સ્કીમો પણ મૂકી હોવાનું આઈટી વિભાગના સૂત્રોનું કહેવું છે. અગાઉ વર્ષો પહેલાં શ્રીધર ગ્રુપ પર માત્ર આઈટીનો સર્વે થયો હતો. પહેલી વખત અજય શ્રીધરને ત્યાં ઈન્કમટેક્સનું સર્ચ થયું હોવાનું જાણકાર સૂત્રોનું કહેવું છે. એફોર્ડેબલ હાઉસિંગની પણ શ્રીધરે મોટી સંખ્યામાં સ્કીમો લોન્ચ કરી છે ત્યારે હવે આગામી દિવસોમાં આઇટીની તપાસમાં વધુ ચોંકાવનારી માહિતી સામે આવે તેવી પણ પૂરી શકયતા છે.

(9:38 pm IST)