Gujarati News

Gujarati News

News of Wednesday, 29th January 2020

કેરી બેગના અલગથી રૂપિયા લેનારા મોલને ૧૫૦૦ રૂપિયાનો દંડ

ગ્રાહકની દલીલ હતી કે તેમણે આટલી બધી વસ્તુઓની ખરીદી કરી છે તો તેમને કેરી બેગ ફ્રીમાં મળવી જોઈએ, જો કે મોલે તેના માટે ઈનકાર કરી દીધો હતો

અમદાવાદ, તા.૨૯: મોટાભાગના શોપિંગ મોલમાં હવે કેરી બેગનો અલગથી ચાર્જ વસૂલવામાં આવતો હોય છે. ગ્રાહકો પણ કોઈ તકરાર કર્યા વિના તેના રુપિયા ચૂકવી દેતા હોય છે. જોકે, આવા જ એક કિસ્સામાં અમદાવાદના એક મોલને પ્લાસ્ટિકની કેરી બેગનો અલગથી ચાર્જ કરવા બદલ ૧૫૦૦ રુપિયા દંડ ફટકારાયો છે.

ગોતા વિસ્તારમાં આવેલી ગોદરેજ ગાર્ડન સિટીમાં રહેતા રિધમ બંસલે એક મોલમાંથી કરિયાણા સહિતની ૨૯ વસ્તુઓની ખરીદી કરી હતી. જોકે કેશ કાઉન્ટર પર તેમને કહેવામાં આવ્યું હતું કે તેમને જો કેરી બેગ જોઈતી હોય તો અલગથી પૈસા આપવા પડશે. ગ્રાહકની દલીલ હતી કે તેમણે આટલી બધી વસ્તુઓની ખરીદી કરી છે તો તેમને કેરી બેગ ફ્રીમાં મળવી જોઈએ. જોકે, મોલે તેના માટે ઈનકાર કરી દીધો હતો.

આખરે ગ્રાહકને એક થેલીના સાડા ચાર રુપિયા એમ બે થેલી માટે નવ રુપિયા ચૂકવવા પડ્યા હતા. જેની સામે તેમણે ૨૨ મે ૨૦૧૯ના રોજ ગ્રાહક સુરક્ષા કોર્ટમાં ફરિયાદ કરી હતી. કોર્ટમાં ફરિયાદીની દલીલ હતી કે મોલે સર્વિસના ભાગરુપે બેગ ફ્રીમાં આવતી જોઈતી હતી, પરંતુ તેના માટે તેણે ૯ રુપિયા ચાર્જ કર્યા છે તે કાયદાની રીતે યોગ્ય નથી. તેને મોલની સર્વિસમાં ખામી પણ ગણાવી શકાય.

ગ્રાહકે કોર્ટમાં એવું પણ કહ્યું હતું કે જો નાના દુકાનદારો, ફુટપાથ પર વેપાર કરતા લોકો કેરીબેગ મફતમાં આપતા હોય તો આટલા મોટા મોલ કેમ નહીં? તેમણે મોલ પર પૈસા કમાવવા માટે ગેરકાયદે રીતે થેલીનો ચાર્જ કરવાનો પણ આક્ષેપ કર્યો હતો.

મોલના વકીલે કોર્ટને જણાવ્યું હતું કે ગ્રાહકને થેલી ખરીદવા માટે ફરજ પાડવામાં આવી જ નથી. તેમણે પોતાની ઈચ્છાથી કેરીબેગ ખરીદી છે, અને મોલમાં કેરીબેગનો એકસ્ટ્રા ચાર્જ લેવાય છે તે મતલબની જાહેરાત મૂકેલી જ છે. પ્લાસ્ટિકની બેગથી પર્યાવરણને નુકસાન થતું હોવાથી મોલ દ્વારા અલગ ડિઝાઈનની થેલીનું વેચાણ કરાય છે તેવી પણ વકીલે દલીલ કરી હતી.

બંને પક્ષોને સાંભળીને કોર્ટે પોતાના ચુકાદામાં જણાવ્યું હતું કે, જો મોલ કેરીબેગ ફ્રીમાં ન આપતા હોય તો તેને પોતાના ગેટની બહાર જ આ મતલબની નોટિસ આપવી પડે. ગ્રાહક હંમેશા ઘરેથી થેલી લઈને ના પણ આવે. વળી, મોલ દ્વારા થેલી ફ્રીમાં નહીં મળે તેવું દર્શાવતો એકેય પુરાવો રજૂ નથી કર્યો. કોર્ટ દ્વારા મોલને આ અંગે ૧૫૦૦ રુપિયા દંડની સાથે ગ્રાહક પાસેથી વસૂલાયેલા ૯ રુપિયા ૮ ટકા વ્યાજ સાથે પરત આપવા પણ આદેશ કર્યો છે.

(4:02 pm IST)