Gujarati News

Gujarati News

News of Wednesday, 29th January 2020

અમદાવાદ સંધી મુસ્લિમ સમાજ અને યુવા સંધી મુસ્લિમ સમાજ દ્વારા 'આખરી સફર' વાહનનું લોકાર્પણ : ગ્યાહવી શરીફની ઉજવણી

સંધી સમાજની યુવતિ નિલોફરબાનુએ CA થતા પહેલો પગાર પણ લોકસેવા માટે આપી દીધો : અમદાવાદના સમગ્ર મુસ્લિમ સમાજમાં મફત સુવિધા અપાશે

રાજકોટ તા. ૨૯ : ગુજરાતી મુસ્લિમ સંધી યુવા સમાજના પ્રમુખ સલીમભાઈ પલેજા ના અધ્યક્ષ સ્થાને તા.૨૬/૧/૨૦૨૦ નાં રોજ સરખેજ રોડ, અંબર ટાવર ની સામે, સાવન પાર્ટી પ્લોટમાં અમદાવાદ ખાતે સંધી મુસ્લીમ સમાજ અને અમદાવાદ યુવા સંધી મુસ્લીમ સમાજનું સંમેલન મળ્યું હતું.

જશ્ર્ને ગ્યારવી શરીફ નિમિતે હાજર રહેલ પીરે તરીકત હાજી બાવામીંયા બાપુ બુખારી (માણાવદર વાળા ) હાજી યાસીન બાપુ (સરખેજ વાળા) અને સાદાતે કિરામની દુઆઓથી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી.

કાર્યક્રમના મુખ્ય અતિથિ ખમીશાભાઈ સંધી (ખેડા) એ આખરી સફરની ગાડી માટે મુખ્ય દાતા તરીકે રૂ. ૨,૧૧,૦૦૦ અમદાવાદ યુવા સંધી સમાજને આપ્યા હતા. જેથી તેઓનું અમદાવાદ સંધી સમાજ તથા અમદાવાદ યુવા સંધી સમાજ દ્રારા સન્માન કરવામાં આવ્યું હતું.

સંધી મુસ્લિમ સમાજના અગ્રણી  કમરૂદ્દીન ભાઈ (સરપંચ) ઉપસ્થિત રહ્યાં હતા.

મુખ્ય વકતા તરીકે રાષ્ટ્રીય મુસ્લીમ મહાસભાના અધ્યક્ષ અને ગુજરાત સંધી સમાજના રાષ્ટ્રીય પ્રવકતા શકીલભાઈ સંધી એ સમાજની પ્રગતિમાં અવરોધ રૂપી સમસ્યાઓનું સમાધાન કઈ રીતે કરી શકાય અને સમાજને મુખ્ય ધારામાં કઈ રીતે લાવી શકાય તે માટે વકતવ્ય આપ્યું હતું.

સમાજની પ્રગતી માટે શિક્ષણ જરૂરી છે તેનું ઉત્તમ ઉદાહરણ સંધી સમાજ ની દીકરી નિલોફરબાનુ સીએ  થયા બાદ તેનો પહેલો પગાર રૂ. ૪૦,૦૦૦ આખરી સફરની ગાડી માટે અર્પણ કરેલ હતું. તેમનું સન્માન સમાજના અગ્રણી રોશનબેન દ્વારા કરવામાં આવ્યું હતું.

ગુજરાતી મુસ્લિમ સંધિ યુવા સમાજનાઙ્ગ પ્રમુખ સલીમભાઈ પલેજા એ અમદાવાદના સમસ્ત મુસ્લીમ સમાજ માટે તા.૨૬/૧/૨૦૨૦થી આખરી સફરની ગાડી અર્પણ કરતાં જણાવેલ કે હું બીજા થી સારું કઈ રીતે કરું એ વિચાર માં પરિવર્તન આવે, અને આપના પ્રતિભાવ બદલાય અને બીજી જ ઘડીએ એ વિચાર આવે કે ..... હું બીજાનું સારું કઈ રીતે કરું.... એને વૈચારિક પરિવર્તન કહેવાય. બાકી જીવવા ખાતર તો બધાજ આપણે જીવીએ છીએ પણ એવું જીવીએ કે આપણો અલ્લાહ આપણા થી રાજી થાય... અમદાવાદનાં કોઈપણ ખૂણે આખરી સફરની ગાડીની સેવા ફ્રી આપવામાં આવશે. મૈયતના દફન સમયનાં બે કલાક પહેલાં જાણ કરવાથી જણાવેલ સરનામાં ઉપર આખરી સફરની ગાડી પહોંચી જશે તેમ જણાવી પ્રમુખ સલીમભાઈ પલેજા એ આખરી સફરની ગાડી માટે કરવામાં આવેલ બંધારણના ઠરાવનું વાંચન કરેલ હતું અને બંધારણના ઠરાવ માટે માર્ગદર્શન આપનાર ફિરોજ સોઢા (એડવોકેટ હાઈકોર્ટ, અમદાવાદ), હુસેન દલ (માજી નાયબ મામલતદાર, માણાવદર), સલીમ નારેજા (નોટરી, અમદાવાદ), હમીદ ઠેબા (સમાજ કલ્યાણ અધિકારી, ગાંધીનગર), હુસેનભાઈ ઠેબા (નિવૃત સી. કલાર્ક ધી ન્યુ હાઈ સ્કૂલ અમદાવાદ) વિગેરેનો આભાર માનેલ હતો.

સંમેલનમાં અમદાવાદ શહેર અને આજુ બાજુના વિસ્તારના સંધી મુસ્લીમ સમાજના વડીલો, ભાઈઓ, યુવાનો, માતાઓ, બહેનો હાજર રહ્યા હતા. અમદાવાદ સંધી મુસ્લીમ સમાજ અને ગુજરાતી મુસ્લિમ સંધી યુવા સમાજના યુવા પ્રમુખ સલીમભાઈ પલેજા અને તેમની સમગ્ર ટીમની કામગીરીને બિરદાવીને અભિનંદન આપ્યા હતા તેમજ ગુજરાતી મુસ્લિમ સંધી સમાજના યુવા પ્રમુખઙ્ગ સલીમભાઈ પલેજા એ સૌનો આભાર માનેલ હતો.

(3:58 pm IST)