Gujarati News

Gujarati News

News of Tuesday, 29th January 2019

એમજે લાયબ્રેરીનું ૧૩.૪૭ કરોડનું મંજુર કરાયેલું બજેટ

સિનિયર સીટીઝન્સ માટે નવુ ફરતુ પુસ્તકાલય : એમજે પુસ્તકાલય સંલગ્ન પુસ્તકાલયોમાં કુલ દસ લાખના ખર્ચે સીસીટીવી મુકાશે : ૫૦ લાખના ખર્ચે આધુનિકીકરણ

અમદાવાદ,તા.૨૯ :     શહેરની એમ.જે.લાયબ્રેરીનું ગ્રંથપાલ ડો.બિપીન મોદી દ્વારા વર્ષ ૨૦૧૯-૨૦ માટે રજૂ કરાયેલા રૂ.૧૧.૮૦ કરોડના બજેટમાં વ્યવસ્થાપમંડળ દ્વારા રૂ.૧.૬૭ કરોડના નવા આયોજનોની જોગવાઇનો ખર્ચ ઉમેરાતાં એમ.જે.લાયબ્રેરીનું વર્ષ ૨૦૧૯-૨૦ માટેનું કુલ રૂ.૧૩.૪૭ કરોડનું બજેટ મંજૂર કરવામાં આવ્યું હતું. મેયર બીજલબહેન પટેલની અધ્યક્ષતામાં મળેલી બજેટની ખાસ સભામાં આ બજેટ મંજૂર કરવામાં આવ્યું હતું. જે ગત વર્ષના બજેટ કરતાં રૂ.૨.૧૦ કરોડનો વધારો સૂચવાયો છે. જેમાં રૂ.૩૦ લાખના ખર્ચે શહેરમાં સિનિયર સીટીઝન્સ માટે ખાસ પ્રકારે નવુ ફરતુ પુસ્તકાલય મોબાઇલ વાન મારફતે ઉપલબ્ધ બનાવવાનું,  રૂ.૨૦ લાખના ખર્ચે ઇ-લાયબ્રેરી, રૂ.દસ લાખના ખર્ચે દુર્લભ પુસ્તકોનું ડિજિટલાઇઝેશન અને માતૃભાષા મારી માં કાર્યક્રમ અંતર્ગત વિવિધ ઉજવણી માટે રૂ.૨૫ લાખની જોગવાઇ કરવામાં આવી છે. તો, સૌપ્રથમવાર મા.જે.પુસ્તકાલય સંલગ્ન શાખા પુસ્તકાલયોમાં રૂ.દસ લાખના ખર્ચે કલોઝ સર્કિટ કેમેરા ગોઠવવાનું આયોજન કરાયું છે. આ સિવાય શહેરના વિવિધ વિસ્તારોમાં કાર્યરત મા.જે.પુસ્તકાલય સંલગ્ન શાખા-પુસ્તકાલયો, વાચનાલયોનું રૂ.૫૦ લાખના ખર્ચે આધુનિકીકરણ કરવામાં આવશે. આ અંગે મેયર બીજલબહેન પટેલ અને સ્ટેન્ડીંગ કમીટના ચેરમેન અમૂલ ભટ્ટે જણાવ્યું હતું કે, મા.જે.પુસ્તકાલયના ઇતિહાસમાં સૌપ્રથમવાર વિવિધ શાખા પુસ્તકાલય અને વાંચનાલયોમાં મલ-સામાન, પુસ્તકોની સલામતી અને રક્ષણ માટે તેમ જ પુસ્તકાલયમાં ફરજ બજાવતાં કર્મચારી સમગ્ર પુસ્તકાલયનું તેમ જ વાચકોની ચહલપહલનું અને વાંચનસામગ્રી પર ચાંપતી નજર રાખી શકે અને કોઇ અનિચ્છનીય ઘટના અટકાવી શકે તે હેતુસર રૂ. દસ લાખના ખર્ચે સીસીટીવી કેમેરા લગાવવાનું આયોજન હાથ ધરાયું છે. આ સાથે જ ૨૦૧૯-૨૦ ના વર્ષ દરમ્યાન એમ.જે.લાયબ્રેરીના બજેટમાં રૂ.૧.૬૭ કરોડના નવા આયોજનોને સમાવિષ્ટ કરાયા છે. જેમાં શહેરના દૂરના પરા વિસ્તારના ખાસ કરીને સિનિયર સીટીઝન્સ નાગરિકો માટે ઘેર બેઠા પુસ્તકાલયની સેવા ઉપલબ્ધ થાય તે માટે રૂ.૩૦ લાખના ખર્ચે ફરતા પુસ્તકાલય માટે નવી મોબાઇલ વાન વસાવવામાં આવશે. હાલ શહેરમાં ૯ શાખા પુસ્તકાલયો અને ત્રણ ફરતા પુસ્તકાલયો મારફતે વાચકોને સેવા પૂરી પાડવામાં આવે છે પરંતુ ફરતા પુસ્કાલયને નગરજનોનો સાંપડેલો વ્યાપક પ્રતિસાદ ધ્યાને લઇને શહેરના સિનિયર સીટીઝનો, મહિલા અને બાળ વાચકો માટે ઘેરબેઠા વાંચન સેવા પૂરી પાડવા આ નવી મોબાઇલ વાન વસાવવામાં આવશે. આ જ પ્રકારે શહેરના વિવિધ વિસ્તારોમાં મા.જે.પુસ્તકાલય સંલગ્ન શાખા-પુસ્તકાલયો, વાચનાલયોનું રૂ.૫૦ લાખના ખર્ચે આધુનિકીકરણ કરવામાં આવશે કે જેથી સ્થાનિક વાંચનપ્રેમી જનતાન માંગ સંતોષાય અને નવા આયામો ઉમેરી શકાય. આ સિવાય મ.જે.પુસ્તકાલયની આઠ દાયકાની સફર અને મ્યુ.સ્કૂલ બોર્ડન શતાબ્દિ વર્ષ નિમિતે માતૃભાષા મારી માં કાર્યક્રમ અંતર્ગત રૂ.૨૫ લાખના ખર્ચે વિવિધ રચનાત્મક અને પ્રોત્સાહક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. જેમાં શહેરની સરકારી, ખાનગી પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓ અને કોલેજો ગુજરાતી ભાષાન પ્રચલિત કૃતિઓને સંગીતબધ્ધ કે નાટયબધ્ધ કે કોઇ વિશેષ રીતે મા.જે.પુસ્તકાલયના ઓડિટોરીયમમાં રજૂ કરે અને માતૃભાષાનું ગૌરવ વધારે તેવી તમામ સંસ્થાઓને રૂ. દસ હજારનું રોકડ પુરસ્કાર એનાયત કરવાનું નક્કી કરાયું છે. સમગ્ર વર્ષ દરમ્યાન રજૂ થયેલી કૃતિઓમાંથી પ્રથમ, દ્વિતીય અને તૃતીય શ્રેષ્ઠકૃતિઓને બ્રહ્મર્ષિ કે.કા.શાસ્ત્રીશીલ્ડ તેમ જ અનુક્રમે રૂ.૫૧ હજાર, રૂ.૩૧ હજાર અને રૂ.૧૧ હજારનું રોકડ પારિતોષિક એનાયત કરાશે.

(8:07 pm IST)