Gujarati News

Gujarati News

News of Monday, 29th January 2018

ઠક્કરનગરમાં વેપારીની છરીના ઘા મારીને ક્રૂર હત્યાથી ચકચાર

પૂર્વ વિસ્તારમાં હત્યાના બનાવોનો સિલસિલો જારી : લારી ઉપર ભાઇ ખડા, સરકાર સે બડા ડાયલોગ બોલતા લુખા તત્વો સાથે યુવકની થયેલી બબાલનો કરૂણ અંજામ

અમદાવાદ,તા. ૨૯ : શહેરના પૂર્વ વિસ્તારમાં હત્યાના બનાવોનો સિલસિલો અટકવાનું નામ નથી લેતો. ગઇકાલે ઠક્કરનગરમાં મોડી રાત્રે સ્થાનિક લુખા તત્વોએ એક યુવાન વેપારીને જાહેરમાં છરીના ઘા ઝીંકી પતાવી દીધો હતો. જેને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી જવા પામી  હતી. આ બનાવ અંગે શહેરના કૃષ્ણનગર પોલીસમથકમાં પ્રતીક ઉર્ફે મચ્છર વિજયભાઇ ત્રિવેદી અને વિક્રમ ઉર્ફે વિકો અમરતભાઇ રબારી વિરૂધ્ધ ફરિયાદ નોંધાવા પામી છે. પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે. આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર, શહેરના બાપુનગર વિસ્તારમાં રાજલક્ષ્મી સોસાયટી ખાતે રહેતા મેહુલ રવિન્દ્રભાઇ બારોટ અને તેનો મિત્ર રવિ ગજેરા કે જે બંગડીઓની દુકાન ધરાવે છે, તેઓ બંને થોડા દિવસ પહેલાં ભૂદેવ મસ્કાનબનની લારી પાસે ઉભા હતા ત્યારે રવિ મસ્તીમજાક કરી રહ્યો હતો અને ભાઇ ખડા, સરકાર સે બડા ફિલ્મી ડાયલોગ બોલતો હતો. આ ડાયલોગ સાંભળીને ત્યાં ઉભેલા આરોપીઓ પ્રતીક ત્રિવેદી અને વિક્રમ રબારીએ તેની સાથે બબાલ શરૂ કરી હતી કે, શું તુ આ વિસ્તારનો મોટો દાદો થઇ ગયો છે? બંને પક્ષ થયેલી તકરાર વધુ વણસે તે પહેલાં સ્થાનિક લોકોએ દરમ્યાનગીરી કરી તેઓને છોડાવ્યા હતા અને મામલો શાંત પાડયો હતો. દરમ્યાન ગઇકાલે રાતના સમયે રવિ ગજેરા ફરી આ મસ્કાબનની લારી પર આવ્યો હતો ત્યારે આરોપીઓ પ્રતીક અને વિક્રમ ફરી ત્યાં આવી પહોંચ્યા હતા અને અગાઉની તકરારની અદાવત રાખી રવિની સાથે ઝઘડો કર્યો હતો. એ દરમ્યાન આરોપી વિક્રમે રવિને પકડી રાખ્યો હતો અને પ્રતીકે તેની પાસેની છરી વડે રવિને ઉપરાઉપરી છરીના ઘા ઝીંકી દીધા હતા અને ફરાર થઇ ગયા હતા. લોહીલુહાણ હાલતમાં રવિ ગજેરા ત્યાં જ ફસડાઇ પડયો હતો. ઇજાગ્રસ્ત રવિને બચાવવા તેના મિત્ર મેહુલ બારોટે ૧૦૮ને બોલાવી હોસ્પિટલ ખાતે ખસેડયો હતો પરંતુ તે પહેલાં રસ્તામાં જ રવિએ તેનો દમ તોડી દીધો હતો. આ બનાવને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ હતી. મૃતક રવિના મિત્ર મેહુલ બારોટે આરોપી વિક્રમ રબારી અને પ્રતીક ત્રિવેદી વિરૂધ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી, જેના આધારે પોલીસે આરોપીઓને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે.

(7:49 pm IST)