Gujarati News

Gujarati News

News of Monday, 29th January 2018

ખંભાતના વટાદરામાં એકજ પરિવારના ત્રણ બાળકો તળાવમાં ડૂબી જતા પરિવારમાં શોકની લાગણી

આણંદ:જિલ્લાના ખંભાત તાબે વટાદરા ગામે એક કરુણ ઘટનાથી ગામનું વાતાવરણ શોકમય બન્યું હતું.આ ગામમાં રહેતા દેવપુજક પરીવારના બે ભાણીયા અને એક દિકરા ગામના તળાવ પાસે રમવા માટે ગયા હતા.જ્યાંથી મોડી સાંજ સુધી આ બાળકો પરત ન આવતા તેમના પરીવારજનો ગામના તળાવ પાસે શોધખોળ કરવા નિકળ્યા હતા.

 ત્રણેય બાળકોના મૃતદેહ પાણીમા ંતરતા દેખાતા ગામના સરપંચ દ્વારા ખંભાત રૃરલ પોલીસ મથકે જાણ કરી હતી. જેથી કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો. જ્યાં મરણજનાર ત્રણેય બાળકોના મૃતદેહને પાણીમાંથી બહાર કાઢી પોસ્ટમોર્ટમ માટે ખસેડાયા હતા. આ ઘટનામાં મોડી રાત્રીના સુમારે ખંભાત રૃરલ  પોલીસે આકસ્મિક મૃત્યુની નોંધ લઈ તપાસના ચક્રો ગતિમાન કર્યા હોવાની માહિતી પ્રાપ્ય થઈ હતી.

આ ઘટનામાં પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ ખંભાત તાબે વટાદરા ગામમાં રહેતા રમણભાઈ  દેવીપુજક અને તેમનો પરીવાર દાતણ વેચી તેમના પરીવારનું ગુજરાન  ચલાવે છે. આ પરીવાર ગઈ કાલે સાંજના સુમારે દાતણ વેચવા ગયો હતો.આ સમય દરમ્યાન તેમના ઘરે રહેતો ભાણીયો પ્રતાપ (ઉ.વ.૪),દિકરી કાજલ (ઉ.વ.૮) તથા અર્જુન (ઉ.વ.૬) ગામમાં આવેલ ભંડેરા તળાવ પાસે રમવા માટે ગયા હતા.

આ ત્રણેય બાળકો મોડી સાંજ સુધી પરત આવ્યા ન હતા. રમણભાઈ દાતણ વેચી પરત ઘરે આવતા બાળકો ઘરે ન જોતા તેઓની શોધખોળ હાથધરવા નિકળ્યા હતા. ગામના સરપંચ અને બીજા લોકો તળાવ પાસે આવતા પાણીમાં આ ત્રણેય બાળકોના મૃતદેહ તરતા મળી આવ્યા હતા.

જેથી ખંભાત રૃરલ પોલીસ મથકે બનાવની જાણ કરાઈ હતી.આ જાણ થતા જ પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો.આ તળાવમાંથી ત્રણેય બાળકોના મૃતદેહ બહાર કઢાતા આખા ગામમાં શોકની લાગણી વ્યાપી હતી. એક જ પરીવારના આ ત્રણ બાળકોના  મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડી પોલીસે આકસ્મિક મૃત્યુની નોંધ લઈ તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા.

(5:50 pm IST)