Gujarati News

Gujarati News

News of Monday, 29th January 2018

વડોદરાના અટલાદરામાં શ્રમજીવી દંપતીએ અગમ્ય કારણોસર ઝેરી દવા ગટગટાવતા ત્રણ બાળકોએ માતા-પિતાની છત્રછાયા ગુમાવી

વડોદરા:શહેરના અટલાદરા વિસ્તારમાં સન ફાર્મા રોડ પર આવેલા એક પાર્ટી પ્લોટમાં કામ કરતા શ્રમજીવી પતિ પત્નીએ ઝેરી દવા પીને આપઘાત કરી લીધો હતો. પતિ પત્નીએ આવુ પગલુ કેમ ભર્યુ તે અંગે રહસ્ય છે પરંતુ આ પગલાથી તેમના ત્રણ બાળકો અનાથ થઇ ગયા છે.

બનાવની વિગત એવી છે કે મૂળ પાવીજેતપુરનો કાળુ ઉર્ફે કિશન રયજીભાઇ નાયક (ઉ.૪૧) અને તેની પત્ની જશી (ઉ.૩૫) શહેરના સન ફાર્મા રોડ પર આવેલા લક્ષ્મીનારાયણ પાર્ટી પ્લોટમાં માળી તરીકે કામ કરતા હતા અને ત્રણ સંતાનો સાથે લક્ષ્મીનારાયણ પાર્ટી પ્લોટમાં જ રહેવા માટે આપેલી રૃમમાં રહેતા હતા.

જે.પી.રોડ પોલીસ સ્ટેશનના અધિકારીએ કહ્યું હતુ કે આજે સવારે ૯.૩૦ વાગ્યાના અરસામાં કાળુ અને જશીનો સૌથી મોટો ૯ વર્ષનો પુત્ર હરિશ ઉઠયો હતો પરંતુ તેના માતા પિતા ઉઠયા ન હતા. હરિશે બન્નેને જગાડવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ હલન ચલન ન થતાં તે ગભરાયો હતો અને બાજુની રૃમમાં રહેતા અન્ય શ્રમજીવીઓને જાણ કરી હતી. તે લોકો રૃમમાં દોડી આવ્યા હતા અને જોયુ તો કાળુ અને જશી બન્ને બેભાન હતા તેઓએ પોલીસ કન્ટ્રોલરૃમને જાણ કરી હતી.

પોલીસે ઘટના સ્થળે આવીને તપાસ કરતા ફિનાઇલની બોટલમાં કોઇ ઝેરી દવા ભરીને આ પતિ પત્નીએ કાલે રાત્રે ગટગટાવી હોવાનું બહાર આવ્યુ હતું. આ આત્મહત્યા પાછળ કારણ શું છે તે અંગે હજુ કશુ જાણવા મળ્યુ નથી પરંતુ પોલીસે જશીનું પેનલ પોસ્ટમોર્ટમ કરાવ્યુ હતુ અને કાળુનું પોસ્ટમોર્ટમ કરાવીન્ે આજે મોડી સાંજે તેમના સગાઓને લાશ સોંપી હતી.

(5:49 pm IST)