Gujarati News

Gujarati News

News of Monday, 29th January 2018

ગાંધીનગર નજીક આલમપુરામાં બાઈક સ્નેચરો મહિલાના ગળામાંથી સોનાના દોરાની ચીલઝડપ કરી છૂમંતર

ગાંધીનગર: શહેર તેમજ આસપાસના વિસ્તારોમાં ઘરફોડ ચોરીના બનાવો વધી રહયા છે ત્યારે હવે ચેઈન સ્નેચીંગ કરતાં ગઠીયાઓ પણ સક્રીય થયા છે. શહેર નજીક આલમપુર ગામના પાટીયા પાસે બાઈક ઉપર આવેલા ચેઈન સ્નેચરો મહિલાના ગળામાંથી પ૦ હજારની કિંમતનો સોનાનો દોરો તોડીને નાસી છુટયા હતા. આ સંદર્ભે ચિલોડા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો હતો.

ગાંધીનગર શહેર તેમજ આસપાસના વિસ્તારોમાં છેલ્લા ઘણાં સમયથી ઘરફોડ ચોરીના બનાવો વધી રહયા છે ત્યારે હવે ચેઈન સ્નેચરો પણ સક્રિય થયા હોય તેમ લાગી રહયું છે. શહેર નજીક આવેલા લેકાવાડામાં રહેતાં સપનાબેન વિરેન્દ્રસિંહ વાઘેલા ગત તા.રપમીના રોજ લેકાવાડાથી ડભોડા જવા નીકળ્યા હતા.

તે દરમ્યાન ચિલોડા હાઈવે ઉપર આવેલી હોટલ મારૃતિનંદન પાસે પાછળથી આવેલા ચેઈન સ્નેચરોએ તેમના ગળામાંથી પ૦ હજારની કિંમતનો અઢી તોલાનો સોનાનો દોરો તોડી નાસી છુટયા હતા. મહિલાએ બુમાબુમ કરવા છતાં બાઈક ઉપર આવેલા ચેઈન સ્નેચરો હાથ લાગ્યા નહોતા અને આ સંદર્ભે ચિલોડા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવતાં પોલીસે વધુ તપાસ શરૃ કરી છે.

(5:49 pm IST)