Gujarati News

Gujarati News

News of Monday, 29th January 2018

આણંદના બાલુપુરા વિસ્તારમાં મકાનમાં ભોંયરું બનાવી દારૂ વેચનાર શખ્સને પોલીસે 32 હજારના મુદામાલ સાથે ઝડપ્યો

આણંદ:ના જૂના રસ્તા બાલુપુરા વિસ્તારમાં આવેલ એક રહેણાંક મકાનમાં ભોયરું બનાવી વિદેશી દારૂ વેચતા શખ્સને ૮૧ નંગ વિદેશી દારૂ, કિંમત રૂા. ૩૨,૪૦૦ના મુદ્દામાલ સાથે એલ.સી.બી. પોલીસે ઝડપી પાડ્યો છે અને દારૂનો જથ્થો ક્યાંથી અને કોના ઈશારે વેચતો હતો તેની પૂછપરછમાં મળેલ વિગતોના આધારે અન્ય ઇસમો સામે કાર્યવાહી હાથ ધર્યાનું જાણવા મળે છે.

 


આણંદ શહેરના બાલુપુરામાં વિદેશી દારૂનું વેચાણ થતું હોવાની બાતમીના આધારે આજે એલ.સી.બી. પોલીસે ગુપ્ત રાહે તપાસ હાથ ધરી હતી. બાલુપુરા વિસ્તારમાં રહેતા મેલાભાઈ ઉર્ફે પપ્પુ ચિમનભાઈ સોલંકીના ઘરે તપાસ હાથ ધરતા તે ભાગવાનો પ્રયાસ કરતા પોલીસે તેને ઝડપી પાડ્યો હતો અને તેના ઘરમાં તપાસ હાથ ધરી હતી. ઘરના એક રૂમમાં ટીવીના કોર્નર નીચે બનાવેલા ભોંય તળીયામાં પથ્થર નીચેથી ગુપ્ત ભોયરું મળી આવ્યું હતું. જેમાંથી પોલીસને વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની કુલ ૮૧ નંગ બોટલ કિંમત રૂા. ૩૨,૪૦૦નો દારૂ મળી આવ્યો હતો.

અંગે પોલીસે મેલા ઉર્ફે પપ્પુ સોલંકીની વધુ પૂછપરછ કરતા દારૂનો જથ્થો ઈલ્યાસ ઉર્ફે મુન્નો મશેરો ઈબ્રાહીમ વ્હોરા (રહે. આણંદ), યજ્ઞેશ ઉર્ફે ભયલું શુક્લા (રહે. પલોલ) અને સોહિલભાઈ યુનુસભાઈ વ્હોરા (રહે. ભાલેજ રોડ, આણંદ) દ્વારા બે દિવસ પૂર્વે ડિલિવરી કરાયો હોવાનું જાણવા મળ્યું હતું. જે આધારે એલ.સી.બી. પોલીસે પ્રોહિબિશનની ધારા હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી મળી આવેલ વિદેશી દારૂ તથા મોબાઈલ સહિતનો મુદ્દામાલ કબજે લઈ તેની ધરપકડ કરી હતી.

(5:49 pm IST)