Gujarati News

Gujarati News

News of Monday, 29th January 2018

સોનાના દાગીના ચમકાવવાના બહાને નડિયામાં રહેતા ત્રણ શખ્સોને 2.78 લાખના દાગીના સાથે ક્રાઇમ બ્રાન્ચે દબોચ્યા

શહેરમાં દાગીના ચમકાવવાના બહાને સુરતના વરાછા વિસ્તારમાં સોનાની બંગડીઓ સેરવી લેનાર મૂળ બિહારના પણ વર્ષોથી નડિયાદમાં રહેતા ત્રણ યુવાનોને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી લીધા હતા. સેલ્સમેન તરીકેની ઓળખ આપીને દાગીના સેરવ્યા બાદ આ ટોળકી નડિયાદ પહોંચી જતી. તેઓ પાસેથી દાગીના, મોબાઇલ સહિતનો રૂ.ર.૭૮ લાખનો મુદ્દામાલ કબજે કરાયો છે.

મળતી વિગતોમાં મોટરસાયકલ નં.જીજે૦૭ સીબી ૬૬૮૦ પરથી ત્રણ યુવાનો શંકાસ્પદ હાલતમાં પસાર થતા જોઇને અમરોલી માન સરોવર સર્કલ પાસે ક્રાઇમ બ્રાન્ચની ટીમે તેમને અટકાવ્યા હતા. જેઓની તપાસ દરમ્યાન સોનાની ૮ બંગડી, કડી, મોબાઇલ સહિતનો મુદ્દામાલ મળી આવ્યો હતો. પોલીસે લાલ આંખ કરતા પાંચેક દિવસ અગાઉ વરાછામાં એક મહિલાને દાગીના ચમકાવી આપવાના બહાને સોનાની બંગડીઓ સેરવી લીધાની કબૂલાત કરી હતી.

ત્રણેયની પૂછપરછમાં મુકેશ કૈલાસપ્રસાદ કેસરી(ઉ.વ.ર૮), વિકાસ વકીલપ્રસાદ ગુપ્તા (ઉ.વ.૩૦, બંને રહે. ઝકરીયા મસ્ઝિદની પાસે, મજુર ગામ, નડિયાદ અને મૂળ રહે. બિહાર) અને સની નરેશપ્રસાદ કંસારા (રહે.નારાયણનગર સોસા., જવાહરનગર, નડિયાદ, મૂળ રહે. બિહાર) હોવાનું જાણવા મળ્યું હતું. વર્ષોથી નડિયાદમાં રહેતી આ ટોળકી ઘરે સેલ્સમેન હોવાનું જુઠાણું ચલાવતી હતી અને અન્ય વિસ્તારોમાં જઇને દાગીના સેરવવાની ગુનાખોરી કરતા હતા. બિહારથી નડિયાદ પરત ફરતી વેળાએ પખવાડિયા અગાઉ ઉત્તરપ્રદેશ જઇને નંદનનગરીમાં બે મહિલાઓને નિશાન બનાવ્યાનું ટોળકીએ કબૂલ્યું હતું.

(5:48 pm IST)