Gujarati News

Gujarati News

News of Monday, 29th January 2018

યુપીમાં 'મામી' તરીકે જાણીતી ડ્રગ્સ ડીલર ગુજરાતમાં નશાકારક ઇન્જેકશનો ઘુસાડે છે

વડોદરામાં નશાકારક ઇન્જેકશન સાથે ઝડપાયેલ પતિ-પત્નિ અને માતા સામે સૌ પ્રથમ વખત એનડીપીએસ એકટ કલમ લગાડાઇઃ ગુજરાતના યુવાનોને નશાની ગર્તામાં ધકેલવાનું કૌભાંડ :ગુજરાતભરના ડ્રગ્સ સપ્લાયરો તથા ડ્રગ્સ ઉત્પાદન કરતી ફેકટરીઓ સુધી પહોંચવા વડોદરાના પોલીસ કમિશ્નરે વિવિધ ટીમો કાર્યરત કરીઃ ડ્રગ્સના ઇન્જેકશનોમાં અધધ નફોઃ આરોપીઓના મોબાઇલના કોલ્સ ડીેટેઇલની ચકાસણીનું કાર્ય ટેકનીકલ સેલને સુપ્રતઃ વડોદરાના પોલીસ કમિશ્નર મનોજ શશીધર સાથે અકિલાની વિશેષ વાતચીત

રાજકોટ, તા.,૨૯: યુવા પેઢીને ડ્રગ્સનાં બંધાણી બનાવ્યા બાદ પેન્ટાઝોસીન લેકટેટ ફોર્ટવીન નામના ઇન્જેકશન વડોદરાના એસઓજી પોલીસે પોલીસ કમિશ્નર મનોજ શશીધરનાં સીધા માર્ગદર્શન હેઠળ ઝડપી પતિ-પત્નિ અને માતાની ૭ર૦ ઇન્જેકશન સાથે ધરપકડ કરી એનડીપીએસ એકટ હેઠળનો પ્રથમ ગુન્હો નોંધી અને પુછપરછ કરતાં ચોંકાવનારી હકિકતો તપાસમાં ખુલ્યાની બાબતને વડોદરાનાં પોલીસ કમિશ્નર મનોજ શશીધરે 'અકિલા' સાથેની વાતચીતમાં સમર્થન આપ્યું હતું.નયના પાઠક (માતા) ડ્રગ્સનો જથ્થો કઇ રેલ્વે સ્ટેશન નજીક આવે ત્યારે પુત્ર (સમર્થ) અને સમર્થના પત્નિ (મોનાલી) નશાકારક ઇન્જેકશન લેવા સામા આવવાની બાતમી આધારે એઇઓજી પીઆઇ ચૌહાણ તથા ટીમે ઝડપી લીધેલ.વડોદરા પોલીસ કમિશ્નર કે જેઓ સમગ્ર મિશન અંગે પોલીસ સ્ટાફને સતત માર્ગદર્શન આપતા હતા તેઓને એસઓજી ટીમે જાણ કરતા ટીમને અભિનંદન આપી, પુછપરછનો દૌર શરૂ કરી ૭ર૦ ઇન્જેકશન મળતા એનડીપીેએસ એકટ કલમ હેઠળ ગુન્હો દાખલ કરાવેલ.બનાવની ગંભીરતા સમજી ગુજરાતના યુવાનોને નશાની ગર્તામાં ધકેલી નાખવાના આ કાવત્રાની તમામ કડીઓ મેળવવા તથા ઉતરપ્રદેશ કે જયાંથી આ નશાકારક ઇન્જેકશનો આવે છે. તેના મુળ સુધી પહોંચવા માટે મનોજ શશીધરે જાતે જ પુછપરછનો દોર હાથમાં લીધો હતો.પોલીસ તપાસમાં પેન્ટાઝોસીન શીડયુલ ડ્રગ્સ ઇન્જેકશન કે જેની બજાર કિંમત પ રૂપીયા પ૮ પૈસા છે તે યુપીમાં ફરૂખાબાદમાં 'મામી' ના નામથી જાણીતી મહીલા ડ્રગ ઉત્પાદક પાસેથી ૭૦ થી ૭પના ભાવે મેળવી રૂપીયા ૧પ૦ની કિંમતમાં યુવાનોને વેચાણ થતુ હોવાનું ખુલ્યું છે.વડોદરાના પોલીસ કમિશ્નરે ઉતરપ્રદેશમાં આ નશાકારક ઇન્જેકશનનું કયાં ઉત્પાદન થાય છે? ગુજરાતમાં મુખ્ય ડીલરો કોણ કોણ ? ગુજરાતમાં કયાં સ્થળે કયાં માલ વેચાય છે ? તેના મુળ સુધી પહોંચવા સાથે ઇન્જેકશનના જથ્થાની એફએસએલ ચકાસણી કરાવતાં પોઝીટીવ  રીપોર્ટ આવ્યાનું સુત્રો જણાવે છે. 

(4:23 pm IST)