Gujarati News

Gujarati News

News of Monday, 29th January 2018

સૌથી પ્રદૂષિત નદીઓ ધરાવતા રાજ્યોની યાદીમાં ગુજરાત ટોપ-૫માં

ગુજરાતમાં ૨૦ પ્રદૂષિત નદીઓ અને ઝરણાઓ તેમાં સાબરમતી, નર્મદા અને મહી જેવી નદીઓ પણ શામેલ

નવી દિલ્હી તા. ૨૯ : જો ભારતના સૌથી વધારે પ્રદુષિત નદીઓ ધરાવતા રાજયોની વાત કરવામાં આવે તો ગુજરાતનો તેમાં પાંચમો ક્રમાંક છે. પર્યાવરણ મંત્રાલય, વન અને આબોહવા પરિવર્તન (MoEF)ના રિપોર્ટ પ્રમાણે ગુજરાતમાં ૨૦ પ્રદુષિત નદીઓ અને ઝરણાઓ છે. તેમાં સાબરમતી, નર્મદા અને મહી જેવી મોટી નદીઓ પણ શામેલ છે.

આ લિસ્ટમાં પહેલા ક્રમાંકે મહારાષ્ટ્રનું નામ આવે છે, જયાં ૪૯ નદીઓ પ્રદુષિત છે. બીજા ક્રમાંકે અસમ છે, જયાં ૨૮ નદીઓ પ્રદુષિત છે અને ત્રીજા ક્રમાંકે ૨૧ નદીઓ સાથે મધ્યપ્રદેશ આવે છે.

MoEFના ડેટા પ્રમાણે, સાબરમતી અને મિંઢોળા નદીનું પ્રદુષણ દૂર કરવા માટે કેન્દ્ર સરકારે ૨૦૦ કરોડ રુપિયાની ફાળવણી કરી હતી. ઉલ્લેખનીય છે કે મિંઢોળા નદી તાપી જિલ્લાના સોનગઢ તાલુકાથી શરુ થાય છે. ગંગા નદી પછી સૌથી વધારે કોઈ નદી પાછળ બજેટ ફાળવવામાં આવ્યું હોય તો આ છે. ઉલ્લેખનીય છે કે ગંગા નદી માટે ઉત્ત્।રપ્રદેશમાં ૯૧૭.૨૪ કરોડ, પશ્ચિમ બંગાળમાં ૪૧૧.૨૬ કરોડ અને બિહારમાં ૨૧૬.૪૬ કરોડ રુપિયા ખર્ચાયા હતા.

નિષ્ણાંતોનું માનવું છે ગુજરાતની નદીઓમાં ઈન્ડસ્ટ્રીમાંથી નીકળતા પાણીને કારણે પ્રદુષણનું પ્રમાણ વધ્યું છે. વડોદરાના પર્યાવરણ એકિટવિસ્ટ રોહિત પ્રજાપતિ જણાવે છે કે, સાબરમતી, મહી અને નર્મદા જેવી મોટી નદીઓમાં ફેકટરીઓનું દુષિત પાણી છોડવામાં આવે છે.

રોહિત આગળ જણાવે છે કે, આ સિવાય મોદી નદીઓ પર ડેમ બાંધી દેવાના કારણે નદીઓ સુકાઈ રહી છે અને લુપ્ત થઈ રહી છે. ગુજરાતમાં નદીઓની સ્થિતિ બદ્દથી બદ્દતર થતી જાય છે.(૨૧.૨૫)

(10:05 am IST)