Gujarati News

Gujarati News

News of Monday, 29th January 2018

હાઇફાઇ દુલ્હો ન શોધનાર પોર્ટલને ૫૧ હજારનો ચાલ્લો

લગ્નવાંચ્છુક યુવતીની ઉચ્ચ વર્ગના દુલ્હનની પ્રોફાઇલની માગ સંતોષવામાં મેટ્રિમોની સાઇટ નિષ્ફળઃ મેટ્રિમોની ડોટ કોમ લિ. ઔદ્યોગિક - વાણિજ્ય એકમ સાથે સંકળાયેલ લાઇફ પાર્ટનર જ ના શોધી શકી

અમદાવાદ તા. ૨૯ : અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાના પોશ વિસ્તાર શેલા ખાતે રહેતી એક યુવતીએ ઔદ્યોગિક, ધંધાકીય કે વાણિજય એકમ સાથે સંકળાયેલ હોય તેવો એલિટ કલાસનો પસંદગીનો દુલ્હો શોધવા માટે મેટ્રીમોની ડોટ કોમ લિ.ની સેવા લીધી હતી. અલબત્ત્।, મેટ્રીમોની કંપનીએ એક પણ એલિટ (ઉચ્ચ) કલાસના લાઈફ પાર્ટનરનો પ્રોફાઈલ બતાવ્યો ન હતો, જેના કારણે યુવતીએ લાગણી સાથે ખિલવાડ થયાનો આક્ષેપ કરી કંપની પાસેથી ૩૮ હજારની ફી પરત લેવા તેમજ માનસિક ત્રાસ બદલ વળતરનો દાવો કર્યો હતો. આ કેસમાં અમદાવાદની ગ્રાહક કોર્ટે મેટ્રીમોની ડોટ કોમ એ સેવામાં ખામી રાખી હોવાનું માની કંપનીને દંડ ફટકાર્યો છે.

ગ્રાહક કોર્ટે ૩૮ હજારની રકમ ૯ ટકા વ્યાજ સાથે ફરિયાદીને ચૂકવી આપવા કંપનીને હુકમ કર્યો છે. જયારે માનસિક ત્રાસ બદલ અને ખર્ચ પેટે કુલ ૮ હજાર ચૂકવી આપવા નિર્દેશ કર્યો છે. આમ કુલ ૫૧ હજાર જેટલી રકમનો કંપનીને ચાંલ્લો કરવો પડશે. દંડની રકમ મેટ્રીમોનીના ડે.મેનેજર પૂજા દદલાની, કસ્ટમર સર્વિસ મેનેજર અંતરા ભટ્ટ (બંને અમદાવાદ), કુમાર મોહન (મુંબઈ) અને સુભાશ્રી જે. (તામિલનાડુ)એ ચૂકતે કરવાની રહેશે.

રસપ્રદ કેસમાં યુવતી તરફથી દલીલ થઈ કે, ભારત મેટ્રીમોનીમાં જનરલ કેટેગરીમાં તેમણે રજિસ્ટ્રેશન કરાવ્યું હતું પરંતુ કંપની તરફથી એલિટ કેટેગરીમાં રજિસ્ટ્રેશન માટે આગ્રહ કરાયો એટલે ૩૮ હજારની ફી ચૂકવી હતી. એલિટ કેટેગરીમાં ૧૩ પ્રોફાઈલ્સ અથવા તેથી વધુ બતાવવા માટે કંપનીએ કહેલું અલબત્ત્।, પહેલી મિટિંગમાં જ પસંદગી મુજબની એક પણ પ્રોફાઈલ એલિટ કેટેગરીમાં નહતી. એ પછી છ સપ્તાહ સુધી રાહ જોઈ ત્યાર બાદ નાણાં પરત માગ્યા હતા. કંપની તરફથી દલીલ થઈ કે, અમે મેચિંગ પ્રોફાઈલ મળ્યા બાદ ગ્રાહકની માહિતીની જે તે કુટુંબ સાથે આપલે કરીએ છીએ. જો તેઓ સંમત થાય તો જન્માક્ષર, ફોટોગ્રાફ અને પક્ષકારોની મુલાકાત ગોઠવી આપીએ છીએ. અમે એલિટ કેટેગરીમાં સામેલ થવા આગ્રહ કર્યો નથી. ફરિયાદીને નવેમ્બર ૨૦૧૫થી જાન્યુઆરી ૨૦૧૬ સુધીમાં ૮ પ્રોફાઈલ બતાવ્યા, જેમાંથી ૬ સ્વીકારવામાં આવેલા. એ પછી પણ ૧૩ પ્રોફાઈલ બતાવ્યા હતા. આમ આ ફરિયાદ ખોટી હોવાથી રદ્ કરવી જોઈએ. ફરિયાદી વતી ફરી દલીલ કરાઈ કે, એક પણ એલિટ કલાસનો દુલ્હો બતાવ્યો નથી, તે કંપનીની સર્વિસથી નિરાશ છે. અંતે કોર્ટે ઉપરોકત હુકમ કર્યો હતો.(૨૧.૨૪)

(10:05 am IST)