Gujarati News

Gujarati News

News of Monday, 29th January 2018

ગુજરાત કચેરીએ ૫.૪૫ લાખ પાસપોર્ટ ઇશ્યુ કર્યાઃ વિદ્યાર્થીઓને અગ્રતા

ખોટી પરેશાની દૂર કરવા પાસપોર્ટ ઓફિસ દ્વારા ખાસ પ્રયાસો કરાયા, રાજ્યમાં પાસપોર્ટ માટેના કેન્દ્રો પણ કાર્યરત થયાઃ પોલીસ કે અન્ય કોઇ ઓથોરીટી જાણ કરે તો જ પાસપોર્ટ અટકાવાય

અમદાવાદ તા. ૨૯ : સરકાર દેશના તમામ વ્યકિતને આધાર કાર્ડ કઢાવવા માટે દબાણ કરી રહી છે. જેને લઇને દેશના દરેક વ્યકિતનો એેક ઓળખ નંબર( આધાર નંબર) જનરેટ થઇ જાય. આખા દેશમાં આધાર કાર્ડ માન્ય છે. તેવી જ રીતે પાસપોર્ટ એ વ્યકિત માટે વિશ્વભરમાં માન્ય ઓળખનો પુરાવો છે. લોકોમાં પાસપોર્ટ અંગેની જાગૃતિ આવતાં અને ખાસ કરીને વિદેશ ભણવા ઇચ્છતા વિદ્યાર્થીઓ છેલ્લી ઘડીએ પાસપોર્ટ માટે દોડધામ ન કરવી પડે તેના માટે પોતાનો પાસોપર્ટ તૈયાર કરવા માટે ખુબ જ જાગૃત છે. જેને લઇને વર્ષ ૨૦૧૭માં ગુજરાત પાસપોર્ટ ઓફીસે કૂલ ૫.૪૫ લાખ પાસપોર્ટ ઇશ્યુ કર્યા હોવાનું પાસપોર્ટ ઓફિસર નિલમ રાણી જણાવી રહ્યા છે.

દર વર્ષે વિદેશ ભણવા જતાં વિદ્યાર્થીઓની સંખ્યામાં ખાસ્સો વધારો થઇ રહ્યો છે. સાથે સાથે વિદેશની ટુર કરનારની સંખ્યા પણ વધી રહી છે. ગુજરાતના નાગરિકોને પાસપોર્ટ વહેલો ઇશ્યુ થાય અને તેની કામગીરી ફાસ્ટ બને તેના માટે અમદાવાદમાં બે પાસપોર્ટ સહાયતા કેન્દ્રો કાર્યરત કરાયા છે. આ ઉપરાંત ઉત્ત્।ર ગુજરાત અને કચ્છમાં પાસપોર્ટ માટેના કેન્દ્રો શરૂ કરાતાં ચાલુ વર્ષે ગુજરાતમાં પાસપોર્ટ ઓફિસે કૂલ ૫.૪૭ હજાર અરજીઓ પૈકી ૫.૪૫ લાખ પાસપોર્ટ ઇશ્યુ કરી દીધા છે. કોઇનું પોલીસ વેરીફિકેશન કે ફોર્મ ભરવામાં રહી ગયેલી ભૂલ કે પછી કોઇ નામના સ્પેલિંગમાં તફાવત જેવા કારણોસર પાસપોર્ટ ઇસ્યુ ન થયા હોઇ શકે. આ ઉપરાંત ઘણા કિસ્સાઓમાં કોઇ વ્યકિત કોઇ ગુનાખોરી કે અન્ય બાબતોમાં સંડોવાયેલો હોય અને પોલીસ અથવા કોઇ સરકારી ઓથોરીટી પાસપોર્ટ ઓફિસને જે તે વ્યકિતનો પાસપોર્ટ ઇશ્યુ ન કરવા ભલામણ કરે તો જે તેનો પાસપોર્ટ ઇશ્યુ થતાં અટકાવવામાં આવે છે. પાસપોર્ટ માટેની ખોટી પેરશાનીઓ ડિપાર્ટમેન્ટ દ્વારા દુર કરવામાં આવી છે.

વિદ્યાર્થીઓને એપોઇન્ટમેન્ટની પણ જરૂર નથી

પાસપોર્ટ ઓફિસ દ્વારા વિદ્યાર્થીઓને તકલીફ ન પડે અને તેમને એક પ્રિવિલેજ આપવા માટે ખાસ સ્ટુડન્ટ કનેકટ પ્રોગ્રામ શરૂ કરવામાં આવ્યો છે. જેમાં કોઇ પણ અભ્યાસ કરતા વિદ્યાર્થીને પાસપોર્ટ માટે ઓન લાઇન એપોઇન્ટમેન્ટ લેવાની જરૂર નથી. વિદ્યર્થી સીધો પાસપોર્ટ સહાયતા કેન્દ્ર પર જઇ પોતાનું વિદ્યાર્થી તરીકેનું આઇડેન્ટીટી કાર્ડ બતાવી પોતાની પોતાના ડોકયુમેન્ટસ સબમીટ કરી શકે છે. આઇ કાર્ડ બતાવતાં સહાયતા કેન્દ્ર પર વિદ્યાર્થીના પાસપોર્ટની કામગીરી ચાલુ કરી દેવાશે.

(9:42 am IST)