Gujarati News

Gujarati News

News of Monday, 29th January 2018

૭૫ નગરપાલિકાની ચૂંટણીનુ કાલે જાહેરનામુ જારી થશે

ભાજપ અને કોંગ્રેસે તમામ તૈયારીઓ હાથ ધરી : ઉમેદવારીપત્રો ભરવા માટે પ્રક્રિયા કાલથી શરૂ થઇ જશે ૧૭મી ફેબ્રુઆરીના દિને ચૂંટણી માટે સુરક્ષા વચ્ચે મતદાન

અમદાવાદ, તા.૨૮ : ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે રોમાંચક સ્પર્ધા થયા બાદ હવે સ્થાનિક ચૂંટણીમાં પણ ભાજપ અને કોંગ્રેસ વચ્ચે પ્રતિષ્ઠાનો જંગ ખેલાય તેવી શક્યતા છે. ૭૫ નગરપાલિકાઓની ચૂંટણી માટે આવતીકાલે જાહેરનામુ જારી કરવામાં આવશે. આની સાથે જ ચૂંટણી પ્રક્રિયા વધુ ઝડપી બની જશે. ભાજપ અને કોંગ્રેસે એકબીજાને પછડાટ આપવા માટે તમામ તૈયારીઓ કરી છે. આ વખતે વિધાનસભાની ચૂંટણીમાં ઓછા અંતરથી જીત થયા બાદ ભાજપે પણ તમામ તાકાત લગાવી છે. કોંગ્રેસ પાર્ટીએ આ વખતે પરેશ ધાનાણીના નેતૃત્વમાં વધુ સફળતા મેળવવા કમરકસી છે. અગાઉ ગુજરાત રાજય ચૂંટણી પંચ દ્વારા ૨૩ જાન્યુઆરીના દિવસે રાજયની સ્થાનિક સ્વરાજયની ચૂંટણીઓની તારીખ જાહેર કરવામાં આવી હતી, જે મુજબ આગામી તા.૧૭મી ફેબ્રુઆરીના રોજ રાજયની ૭૫ નગરપાલિકાઓની ચૂંટણી માટે મતદાન યોજાશે. ચૂંટણીની તારીખો જાહેર થતાં જ રાજયની ૭૫ નગરપાલિકાઓ અને સંબંધિત મતક્ષેત્રો માટે આજથી જ આચારસંહિતા લાગુ થઇ ગઇ હતી. સ્થાનિક સ્વરાજયની આ ચૂંટણીમાં પણ મતદાન ઇવીએમ દ્વારા થશે. આ સાથે જ સરકારી અધિકારીઓ અને કર્મચારીઓની બદલી તેમજ રજા પર પ્રતિબંધ લાગી ગયો હતો. સ્થાનિક સ્વરાજયની ચૂંટણીમાં પણ નોટાનો ઉપયોગ થઇ શકશે. આ અંગે રાજયના ચૂંટણી આયોગ સચિવ મહેશ જોષીએ અગાઉ જ તમામ વિગતો પુરી પાડી દીધી છે. રાજયની ૭૫ નગરપાલિકાઓ સાથે પ્રસંગોપાત ખાલી પડેલી જે તે બેઠકોની પેટા ચૂંટણી પણ યોજાશે. ચૂંટણી ઉમેદવારે પોતાના ઉમેદવારી પત્ર સાથે પોતાના ગુનાહિત ઇતિહાસ, શૈક્ષણિક લાયકાત, મિલકત અને દેવા સહિતની વિગતો સાથેનું સોગંદગનામું ચૂંટણી અધિકારી સમક્ષ રજૂ કરવાનું રહેશે. રાજય ચૂંટણી આયોગ દ્વારા મતદાનનો સમય સવારે આઠથી સાંજ પાંચ વાગ્યા સુધીનો નક્કી કરવામાં આવ્યો છે. આ ચૂંટણી અંગેની નોટિસ અને જાહેરનામું આવતીકાલે૨૯મી જાન્યુઆરીએ પ્રસિધ્ધ કરવામાં આવશે. રાજ્યમાં ૭૫ નગરપાલિકાની ચૂંટણી માટે ઉમેદવારોના ઉમેદવારીપત્રો સ્વીકારવાની છેલ્લી તારીખ તા.૩-૨-૨૦૧૮ જાહેર કરાઇ છે, ઉમેદવારીપત્રો ચકાસણીની તારીખ તા.૫-૨—૨૦૧૮ નિયત કરાઇ છે. ઉમેદવારોએ પોતાની ઉમેદવારી પાછી ખેંચવી હોય તો ઉમેદવારી પરત ખેચંવાની છેલ્લી તારીખ તા.૬-૨-૨૦૧૮ નક્કી કરવામાં આવી છે. તા.૧૭મી ફેબ્રુઆરીએ સવારે ૮-૦૦થી સાંજે ૫-૦૦ વાગ્યા સુધી ચૂંટણી(મતદાન), જો પુનઃ મતદાન યોજવાની પરિસ્થિતિ સર્જાય તો તેની તા.૧૮-૨-૨૦૧૮ અને છેલ્લે તા.૧૯-૨-૨૦૧૮ના રોજ મતગણતરી હાથ ધરવામાં આવશે. આ સિવાય છ નગરપાલિકાઓની પેટા ચૂંટણી અને રાજકોટ મહાનગરપાલિકાના એક વોર્ડની પેટાચૂંટણી પણ યોજાશે.

નપા ચૂંટણી ચિત્ર........

કુલ વોર્ડની સંખ્યા......................................... ૫૨૯

કુલ બેઠકો.................................................. ૨૧૧૬

કુલ મતદારોની સંખ્યા....................... ૧૯,૭૬.૩૮૧

પુરુષ મતદારો.................................. ૧૦,૩૦,૩૩૪

સ્ત્રી મતદારો........................................ ૯,૪૬,૦૪૭

કુલ મતદાનમથકો...................................... ૨૭૬૩

સંવેદનશીલ મતદાનમથકો............................ ૫૩૦

અંતિસંવેદનશીલ મતદાન મથકો...................... ૯૫

ચૂંટણી અધિકારીઓની સંખ્યા............................ ૮૦

મદદનીશ ચૂંટણી અધિકારીઓની સંખ્યા............ ૮૦

પોલીંગ સ્ટાફની સંખ્યા............................ ૧૫,૬૧૬

(9:04 am IST)