Gujarati News

Gujarati News

News of Tuesday, 28th December 2021

૧૫ વર્ષ જૂના ચેકથી ખાતામાંથી ૫૦ હજાર ઊપાડી લેવાયા

ચેક લખાયો તેના ત્રણમાસ સુધી અવધી રહે છે : હવે આ રૂપિયા કોણ લઈ ગયું, બેંકે શું ભૂલ કરી વગેરે તપાસ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે

અમદાવાદ, તા.૨૮ : શહેરના લૉ ગાર્ડન વિસ્તારમાં બનેલી ઘટનામાં વેપારીના બેંક ખાતામાંથી ૫૦ હજાર રૂપિયા ઉપાડી લેવામાં આવ્યા છે. આ અંગે રવિવારે એલિસબ્રિજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવી છે. બેંકમાંથી ડેબિટ થયેલા રૂપિયા ૧૫ વર્ષ જૂના ચેકના આધારે ઉપાડવામાં આવ્યા છે. હવે આ રૂપિયા કોણ લઈ ગયું બેંકે શું ભૂલ કરી વગેરે તપાસ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે.

૧૫ વર્ષ જૂનો ચેક અને તેના આધારે રૂપિયા ૫૦ હજાર ઉપાડવામાં આવ્યા છે, આ કેસ રહસ્યમય બની રહ્યોછે અને રાષ્ટ્રીય બેંકની બેદરકારી પણ છતી થઈ રહી છે, જે ચેકમાં વર્ષ ૨૦૦૬માં રૂપિયા ઉપાડવા માટે મંજૂરી અપાઈ હતી. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ)ની ગાઈડલાઈન્સ પ્રમાણે ચેક જે તારીખે લખાયો હોય તે બાદ તેની સમય અવધી ૩ મહિના સુધી રહે છે. લૉ ગાર્ડન વિસ્તારમાં આવેલા ઠાકોરભાઈ ટાવરમાં રહેતા મયૂર વૈદ્ય જણાવે છે કે તેઓ નહેરુનગરમાં આવેલી તેમની બેંકની બ્રાન્ચમાંથી લગભગ ૪૦,૦૦૦ જેટલા રૂપિયા ઉપાડવા માગતા હતા. જ્યારે બેંકના કર્મચારીએ તેમનું અકાઉન્ટ ચેક કર્યું ત્યારે મયૂર વૈદ્યને જણાવ્યું કે તેમના અકાઉનમાં પૂરતું બેલેન્સ નથી.

જ્યારે વેપારી મયૂરે પોતાના ખાતાનું સ્ટેટમેન્ટ લઈને તપાસ કરી તો તેમાં કંઈક લોચો હોવાનું જણાવ્યું હતું. બેંક સ્ટેટમેન્ટ તપાસતા માલુમ પડ્યું કે તેમના ખાતામાંથી ચેકથી ૫૦,૦૦૦ રૂપિયા પાનકિલ એન દવેના ખાતામાં ૨૧ ડિસેમ્બરના રોજ ટ્રાન્સફર થયા છે. વેપારીએ જણાવ્યું કે તેઓ આ પાનકિલ એન દવે નામના વ્યક્તિને ક્યારેય મળ્યા જ નથી અને આવું નામ પણ તેમણે સાંભળ્યું નથી.

આ કેસમાં વધારે તપાસ કરતાઈ તો વેપારીને માલુમ પડ્યું કે તેમણે જે ચેક વર્ષ ૨૦૦૬માં આપ્યો હતો જેના આધારે ખાતામાંથી રૂપિયા ઉપાડવામાં આવ્યા છે. જોકે, આ આરબીઆઈની ગાઈડલાઈન્સની વિરુદ્ધમાં થયું છે. એલિવેટરના ધંધા સાથે સંકળાયેલા મયૂર વૈદ્યએ વાતચીતમાં જણાવ્યું કે, બેંકવાળાએ અન્ય ખાતામાં રૂપિયા ટ્રાન્સફર કરતા પહેલા બરાબર વિગતો ચકાસવી જોઈએ.

તેઓ કોઈને કઈ રીતે ૧૫ વર્ષ જૂના ચેક પર રૂપિયા ટ્રાન્ફર કરી શકે છે. આ આરબીઆઈની ગાઈડલાઈન્સની વિરુદ્ધમાં થયું છે. વેપારી મયૂરે જણાવ્યું કે બેંકવાળાએ તેમની ભૂલ સ્વીકારી છે અને તેઓએ જણાવ્યું કે રૂપિયા તેમના ખાતામાં પરત લાવી આપશે. એલિસબ્રિજ પોલીસ આ કેસમાં એ તપાસ કરશે કે કોણે મયૂર વૈદ્યના ખાતામાંથી ૧૫ વર્ષ જૂના ચેકનો ઉપયોગ કરીને રૂપિયા પોતાના ખાતામાં ટ્રાન્સફર કરાવી લીધા છે કે પછી આમાં કોઈ બેંક ઓફિસની મિલીભગત હતી.

(8:53 pm IST)