Gujarati News

Gujarati News

News of Tuesday, 28th December 2021

સુરતમાં આગામી ૧૫ દિવસ મહત્ત્વપૂર્ણઃટૂંક સમયમાં કોરોનાનો રાફડો ફાટશે : આંક ૪ ડિજીટમાં જશે

સુરતીઓ સાવધાન રહેજોઃ પ્રખ્યાત તબીબ ડો. સમીર ગામીએ ચેતવણી આપી

સુરત,તા. ૨૮:  સુરતમાં વધતાં કોરોના સંક્રમણથી તંત્ર એલર્ટ થયુ છે. જેમાં સિવિલ હોસ્પિટલમાં ૧૦૦૦ બેડની તૈયારી કરવામાં આવી છે. તથા ૧૨૦ બેડનો આઇસીયુ વોર્ડ પણ તૈયાર કરાયો છે. તેમજ સિટીમાં છેલ્લા છ દિવસમાં કોરોનાના ૧૦૩ દર્દી ઝપેટમાં આવ્યા છે કોરોનાને લઈ સુરતના પ્રખ્યાત તબીબ સમીર ગામીએ ચેતવણી આપી છે.

કોરોનાને લઈ સુરતના પ્રખ્યાત તબીબ સમીર ગામીએ ચેતવણી આપતા જણાવ્યું છે કે આગામી મહિનામાં સુરત શહેરમાં કોરોનાનો રાફડો ફાટશે. જેના કારણે કેસના આંકડા ૪ ડિજિટમાં જશે. જેથી તેમણે સિનિયર સિટીઝનોને બુસ્ટર ડોઝ લેવા અપીલ કરી છે. એટલું જ નહીં લોકોને પણ વેકસીનના બન્ને ડોઝ લઈ સુરક્ષિત રહેવા અપીલ કરાઈ છે. હાલ થર્ટી ફર્સ્ટ આવી રહી છે, જેના કારણે તેમણે લોકોને કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરવા અનુરોધ કર્યો છે. ક્રિસમસની ભીડની અસર ૧૫ દિવસ બાદ કોરોના કેસમાં દેખાશે. જેથી સુરતમાં આગામી ૧૫ દિવસ ખુબ જ મહત્ત્વપૂર્ણ બની રહેવાના છે, કારણ કે જો લોકો ન સમજયા અને નિયમોનું પાલન ન કર્યું તો આવનારા ૧૫ દિવસમાં શહેરમાં કોરોના કેસમાં ધરખમ વધારો નોંધાયો છે.

કોરોના વધતા સિવિલ તંત્ર એલર્ટ છે. જેમાં સિવિલમાં ૧૦૦૦ બેડની તૈયારી સાથે ૧૨૦ બેડનો આઇસીયુ વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે. તથા સિવિલની સ્ટેમસેલ બિલ્ડીંગમાં દસ માળ પર બેડ અને સાધનસામગ્રીની તમામ વ્યવસ્થા ગોઠવાઇ ગઈ છે. તથા ગંભીર હાલતમાં દર્દીઓ માટે બિલ્ડિંગના પાંચમા અને છઠ્ઠા માળે ૧૨૦ બેડ આઈસીયુ સાથે તૈયાર છે. તેમજ વેન્ટિલેટર અને જરૂરી વસ્તુઓ સાથે સિવિલ તંત્ર તૈયાર છે.

આ ઉપરાંત ઓમિક્રોના દર્દીઓ માટે સ્ટેમ સેલ બિલ્ડિંગમાં પાંચમા માળે આઈસીયુમાં ૫૦ વેન્ટિલેટર અને ત્રીજા માળે શંકાસ્પદ દર્દીઓ માટે ૮૩ જયારે પાંચમા માળે પોઝિટિવ દર્દીઓ માટે ૧૦૦ બેડ છે. સાતમાં માળે બાળકો માટે ૧૨૬ બેડની વ્યવસ્થા કરવામાં આવી છે. ત્રીજી વેવની પહોંચી વળવા સુરત સિવિલ તંત્ર તૈયાર છે.

(3:05 pm IST)