Gujarati News

Gujarati News

News of Monday, 28th December 2020

સુરતના ડિંડોલી વિસ્તારમાં શાકભાજી માર્કેટ નજીક ઘરના રસોડામાં જમીનની અંદર ભોંયરું બનાવી છુપાવેલ દારૂનો 98 હજારનો જથ્થો પોલીસે ઝડપી કાર્યવાહી હાથ ધરી

સુરત: શહેરમાં ડીંડોલી શાકભાજી માર્કેટ નજીક ગણેશ નગરમાં ઘરના રસોડામાં જમીનની અંદર ભોંયરૂ બનાવી છુપાવેલો વિદેશી બનાવટનો 98 હજારનો દારૂ પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. દારૂનો જથ્થો બિનવારસી હોવાથી પોલીસે રૂમમાંથી મળી આવેલા લાઇટ બિલના આધારે એક ને વોન્ટેડ જાહેર કર્યો હતો.
શહેર પોલીસ કંટ્રોલ રૂમમાં ગત રાત્રે નનામો ફોન આવ્યો હતો. ફોન કરનારે ડીંડોલી મણીનગર પાછળ શાકભાજી માર્કેટ નજીક ગણેશ નગર રૂમ નં. 12 માં દારૂ છુપાવેલો છે. જેને પગલે ડીંડોલી પોલીસે ગણેશનગરના રૂમ નં. 12 માં દરોડા પાડયા હતા. રૂમનો દરવાજો ખુલ્લો હોવાથી અંદર પ્રવેશી સર્ચ કર્યુ હતું. જે અંતર્ગત રસોડાના પ્લેટફોર્મ પર રણધીરકુમાર સહદેવ પાઠક (રહે. 12, ગણેશનગર, મણીનગર નજીક, ડીંડોલી) ના નામ વાળું લાઇટ બિલ મળી આવ્યું હતું. ઉપરાંત રૂમમાં એક ટાઇલ્સનો ટુક્ડો પડેલો હતો. આ ટુકડો ઉંચકતા વેંત જમીનમાં નાનકડું એક ભોંયરૂ મળી આવ્યું હતું. ભોંયરામાં પ્લાસ્ટિકના કોથળો હતો અને તેમાં વિદેશી બનાવટની અલગ-અલગ બ્રાન્ડની 1067 નંગ બોટલ કિંમત 98 હજારનો જથ્થો મળી આવ્યો હતો. ડીંડોલી પોલીસે દારૂનો જથ્થો કબ્જો લઇ રણધીરકુમાર પાઠક વિરૂધ્ધ પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવાની સાથે રણધીરને વોન્ટેડ જાહેર કર્યો હતો.

(5:21 pm IST)