Gujarati News

Gujarati News

News of Monday, 28th December 2020

હિંમતનગર જિલ્લાના હાજીપુર ગામે 10 લાખ દોઢ ટકાએ લીધા બાદ મુદ્દત ચુકી જતા 3 દિવસનો સમય માંગતા વ્‍યાજખોરોએ દરરોજના રૂા.20 હજાર માંગ્‍યાઃ ધાકધમકીઓ આપીને કોરા ચેકમાં સહી કરાવી લીધી

હિંમતનગર: હાજીપુર ગામના યુવકે વ્યાજખોરના ત્રાસને લઈ પોલીસ ફરિયાદ નોંધાવી છે. મૂડીની સામે બમણું વ્યાજ વસુલાત સાથે પેનલ્ટી પણ લેવાની વાત સાથે પઠાણી ઉઘરાણી કરતા હોવાને લઇ બે વ્યાજખોરો સામે હિંમતનગર એ ડિવિઝન પોલોસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે. સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યા બાદ પોલીસ વડા પોતે પણ આ સમગ્ર કિસ્સામાં અંગત ધ્યાન આપી રહ્યા છે.

સાબરકાંઠા જિલ્લામાં અનેક વાર વ્યાજખોરોના ત્રાસને લઈ સામાન્ય લોકો આત્મહત્યા કરી લેતા હોવાના કિસ્સા સામે આવ્યા બાદ ફરી એક વાર વ્યાજખોરનો આંતક સામે આવ્યો છે. હિંમતનગરના હાજીપુર ગામમાં રહેતા સંકેત પટેલએ ગામમાં જ રહેતા હરસિદ્ધ પટેલ પાસેથી માસિક ૧૦ લાખ રૂ દોઢ ટકાના વ્યાજે નાણા લીધા હતા. જો કે નાણા પરત આપવામાં વિલંબ થતા હરસિદ્ધ પટેલએ સંકેત પટેલને ઊંચા વ્યાજ સહિત પેનલ્ટી સાથે પૈસા પરત આપવા માટે વારંવાર દબાણ કરવામાં આવતું હતું.

ત્રણ દિવસની મુદત માંગતા એક દિવસના રૂ. ૨૦  હજાર લેખે રૂ. ૬૦  હજાર વસૂલી પ્રતિદિન રૂ.૨૦ હજાર વ્યાજ અને રૂ. ૨૦  હજાર પેનલ્ટી મળી રોજના રૂ. ૪૦ હજારની માંગણી કરીને સાથે જ સંકેતને એક ફાર્મ હાઉસમાં લઈ જઇ પૈસા પરત આપવા દબાણ કરી ધાક ધમકીઓ આપી હતી. કોરો ચેક લેવામાં આવ્યા હતા. જેને લઈ આખરે સંકેત પટેલએ હરસિદ્ધ પટેલ અને દિસુ દેસાઈ સામે ફરિયાદ નોંધાવી છે. એ ડીવીઝન પોલીસે ફરિયાદ આધારે મની લોન્ડરિંગનો ગુનો દર્જ કરી પોલીસે તપાસ હાથ ધરી છે. અત્રે નોંધનીય છે કે, ખેડૂત જગતનો પાલનહાર કહેવાય છે. તેવામાં જેનું અનાજ થાય તેને પણ આ વ્યાજખોરો છોડતા નથી અને તેનું શોષણ કરવામાં પણ બેશરમ બની જાય છે.

(5:07 pm IST)