Gujarati News

Gujarati News

News of Monday, 28th December 2020

દાહોદ જિલ્લાની ઝાલોદ પાલિકાના કોર્પોરેટર હિરેન પટેલ હત્‍યા કેસમાં હરિયાણાથી ઇમરાન ઉર્ફે ઇમુ ડાંડની ધરપકડઃ ગુજરાત એટીએસને મોટી સફળતા

અમદાવાદ: દાહોદ જિલ્લાની ઝાલોદ નગર પાલિકાના કોર્પોરેટર હીરેન પટેલ હત્યા કેસને તપાસ કરી રહેલી ગુજરાત એટીએસે હરિયાણાથી આરોપીઓને દબોચી લીધો છે. ઇમરાન ઉર્ફે ઇમુ ડાંડની હરિયાણાથી ધરપકડ કરવામાં આવી છે. એટીએસની તપાસમાં ઘટસ્ફોટ થયો છે કે, હિરેન પટેલની હત્યા રાજકીય છે. ઝાલોદના કોંગ્રેસી ધારાસભ્ય ભાવેશ કટારાના ભાઈના ઈશારે આ રાજકીય હત્યા કરવામાં આવી છે.

ત્રણ મહિના પહેલા હિરેન પટેલની અકસ્માત સર્જી હત્યા કરી દેવામાં આવી હતી. આ હત્યામાં મોટા માથાંઓની સંડોવણીના આક્ષેપો બાદ ATS સહિતની એજન્સીઓ કામે લાગી છે. હિરેન પટેલ હત્યા કેસમાં એક આરોપી ફરાર  હતા ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા ખુદ એક્શનમાં જોવા મળ્યા હતા.

ત્રણ મહિના પહેલા હિરેન પટેલની હત્યા થઈ હતી

ત્રણ માસ અગાઉ હિરેન પટેલની હત્યા કરવામાં આવી હતી. તેઓ સવારે મોર્નિંગ વોકમાં નીકળ્યા હતા, ત્યારે આ નગર સેવકની અકસ્માત કરીને હત્યા કરવામાં આવી હતી. હત્યાના ષડયંત્રનો પર્દાફાશ દાહોદ પોલીસે કર્યો હતો. આ કેસમાં 6 આરોપીઓ ઝડપાયા હતા, જ્યારે કે અન્ય 1 આરોપી ફરાર થયો છે. સમગ્ર કેસ મામલે અમદાવાદ ATS તેમજ રાજ્યની અન્ય એજન્સીઓ કામે લાગી હતી. ત્યારે આજે ગૃહરાજ્ય મંત્રીએ મૃતક હિરેન પટેલના પરિવારજનોને સાંત્વના પાઠવી હતી. તેઓએ કહ્યું કે, સંડોવાયેલા તમામ આરોપીઓને કડકમાં કડક સજા થશે.

બે વાર ગૃહરાજ્ય મંત્રીએ હિરેન પટેલના પરિવારની લીધી હતી મુલાકાત

ઉલ્લેખનીય છે કે, ઝાલોદના નગરસેવક હિરેન પટેલના હત્યાકાંડ બાદ બીજીવાર ગૃહ રાજ્યમંત્રીએ તેમના પરિવારજનોની મુલાકાત લીધી હતી. હિરેન પટેલ હત્યાકાંડ સહિત અન્ય દાહોદ જિલ્લાના અન્ય સળગતા મુદ્દાઓને લઈ તેઓએ પ્રાંત કચેરી ખાતે અંગત બેઠકનું આયોજન કર્યું હતું. આ મીટિંગમાં અમદાવાદ એટીએસ સહિત તમામ ઉચ્ચ પોલીસ અધિકારીઓ હાજર રહ્યા હતા.

(5:05 pm IST)