Gujarati News

Gujarati News

News of Monday, 28th December 2020

સુરતમાં 7 દિવસ બાદ કોરોના દર્દીઓના રિક્‍વરી રેટમાં સુધારોઃ એક દિવસમાં 158 પોઝીટીવ કેસ સામે 165 દર્દીઓ સાજા થતા રજા અપાઇ

સુરતઃ સુરતમાં 7 દિવસ બાદ કોરોનાથી રિકવર થવાના રેટમાં સુધારો જોવા મળ્યો છે. રવિવારે નવા નોંધાયેલા કેસની સરખામણીમાં ડિસ્ચાર્જ થનારા દર્દીઓની સંખ્યા ફરીથી વધી ગઈ છે. રવિવારે એક દિવસમાં સામે આવેલા 158 નવા કેસની સામે 165 દર્દીઓ સ્વસ્થ થઈ જતાં તેમને રજા આપવામાં આવી છે. જેના કારણે રિકવરી રેટ પણ સુધરીને 95.40 પર પહોંચી ચૂક્યો છે.

અગાઉ 19 ડિસેમ્બરે કોરોનાના નવા કેસ સામે ડિસ્ચાર્જ થનારા દર્દીઓ વધારે હતા. તે દિવસે 166 નવા સંક્રમિતોની સરખામણીમાં 168 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. જો કે તે પછી 26 ડિસેમ્બર સુધી સતત આ સંખ્યા ઘટતી જઈ રહી હતી.

હવે સુરતમાં કુલ સંક્રમિતોની સંખ્યા 48,829 પર પહોંચી ગઈ છે, જ્યારે અત્યાર સુધીમાં 46,582 લોકો કોરોનાને માત આપવામાં સફળ રહ્યાં છે. જ્યારે રવિવારે વધુ 2 લોકોના મોત સાથે અત્યાર સુધી કુલ 1122 દર્દીઓએ કોરોનાના કારણે પોતાનો જીવ ગુમાવ્યો છે.

જણાવી દઈએ કે, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 850 નવા કેસ સામે આવ્યા છે. જ્યારે આજ સમયગાળા દરમિયાન વધુ 7 લોકોના મરણ નોંધાયા છે. આ સાથે જ રાજ્યમાં કોરોના સંક્રમિતોનો કુલ આંકડો વધીને 2,41,845 પર પહોંચી ચૂક્યો છે. જ્યારે રાજ્યના કુલ 4,282 લોકોને આ જીવલેણ વાઈરસ ભરખી ચૂક્યો છે.

(5:05 pm IST)