Gujarati News

Gujarati News

News of Monday, 28th December 2020

પ્રજાપતિઓની ધાર્મિક આસ્થાના પ્રતિક 'ચાકડા'માં ભાજપનું કમળ મૂકાતા યુ.કે.માં રોષ

ગાંધીનગરમાં રચાયેલ ગુજરાત પ્રજાપતિ ભાજપ વિચારધારા સંગઠનના મોનોગ્રામમાં મૂકાયેલ ચાકડામાં ભાજપનું કમળ જોવા મળતા લેસ્ટરના પ્રજાપતિ સમાજમાં જબ્બર વિરોધ : ધાર્મિક આસ્થાના રાજકીય ઉપયોગની ખેમરાજ ગોહેલ દ્વારા ભારે નિંદા

રાજકોટ તા. ર૮ :. પ્રજાપતિ સમાજની આગવી ઓળખ અને ધાર્મિક આસ્થાનાં પ્રતિક એવા ચાકડામાં ભાજપનાં કમળનું નિશાન ગાંધીનગર ખાતે રચાયેલ. ગુજરાત પ્રજાપતિ ભાજપ વિચારધારા સંગઠનમાં મોનોગ્રામમાં મુકાતાં આ બાબતનો વિરોધ બ્રિટનનાં લેસ્ટરનાં પ્રજાપતિ સમાજમાં જોરદાર વિરોધ થયો છે.

આ અંગે યુ. કે.નાં લેસ્ટર સ્થીત શ્રી સોરઠીયા પ્રજાપતિ  કોમ્પ્યુનીટી સંગઠનનાં પ્રમુખ ખેમરાજ ગોહેલે એક નિવેદનમાં જણાવ્યું છે કે, ગત તા. રર-૧ર-ર૦ર૦ મંગળવારે ગાંધીનગર ખાતે ગુજરાત પ્રજાપતિ ભાજપ વિચારધારા નામથી નવા સંગઠને બેઠક યોજેલ હતી આ બેઠક અને સંગઠનના આયોજકો એ સમસ્ત પ્રજાપતિ સમાજની લાગણી દુભાવી છે કેમ કે સંગઠનના નામ અને બેનરમાં મોનોગ્રામ વાપરવામાં આવ્યો છે એમાં પ્રજાપતિ સમાજની પહેચાન, આસ્થાનું પ્રતિક ધાર્મિક ધરોહર, આન બાન અને શાન એવા ચાકડા પર ભાજપના કમળને દોરેલ છે જે સમસ્ત સમાજનું અપમાન છે. પ્રજાપતિ સમાજની પહેચાન, આસ્થાનું પ્રતિક, આન-બાન અને શાન એવા ચાકડા પર કોઇપણ પક્ષનું નિશાન લગાડવામાં આવે એ અયોગ્ય છે. ખુબ જ નિંદનિય કૃત્ય છે. આ કાર્યની હુ પ્રજાપતિ ખેમરાજ ગોહેલ કઠોર નિંદા કરું છું. આ કાર્ય કરનાર દરેક જવાબદાર લોકોએ સમાજની લાગણી દુભાવવા બદલ જાહેરમાં માફી માંગે એવી અમારી માંગ છે. અને જેટલું બંને એટલું એમના પ્રીન્ટીંગ મટીરીયલ અને બેનરમાંથી એ નિશાન કાયમી માટે કાઢી નાખવામાં આવે અને ટૂંકા સમયમાં આવુ ના કરવામાં આવ તો સમાજની લાગણી દુભાવવા બદલ અમે જવાબદાર દરેક વ્યકિત પર કાયદેસરની કાર્યવાહી પણ કરીશું કેમ કે રાજકિય પક્ષની ભકિતમાં સમાજના માન સન્માનની સમજ ભૂલી ચૂકેલા કહેવાતા આગેવાનોને સમાજની માન મર્યાદાનું ભાન કરાવવામાં આવશે.

આમ આ બાબતથી વિદેશમાં વસતાં પ્રજાપતિઓ ઉપરાંત રાજકોટ સહિતનાં સ્થળોએ વિરોધ દર્શાવાઇ રહ્યાનું જાણવા મળ્યું છે.

(4:02 pm IST)