Gujarati News

Gujarati News

News of Saturday, 28th December 2019

મહેમદાવાદના પંથકમાં રાજનીતિક ગરમાવો: તાલુકા પંચાયતના 3 અને એક અપક્ષનો સભ્ય કોંગ્રેસમાં જોડાયો

મહેમદાવાદ:  તાલુકા પંચાયતના ૩ સભ્યો કોગ્રેસમાં જોડાતા સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. તાજેતરમાં જ બે સીટ પરની પેટા ચૂંટણી પર કોર્ટે મનાઇ હુકમ આપ્યો હતો. હવે ૨ સભ્યો કોગ્રેસમાં જોડાતા ભાજપ-કોગ્રેસ વચ્ચે રાજકારણ ગરમાયુ છે. મહેમદાવાદ તાલુકા પંચાયતમાં અગાઉ ભાજપના ચૂંટાયેલા બે પ્રતિનિધીઓએ કોગ્રેસમાં ભળી જઇ સત્તા આંચકી લીધી હતી. જે બાદ ભાજપ દ્વારા બંને સભ્યોને પક્ષમાંથી સસ્પેન્ડ કરી દેવાતા ચૂંંટણી પંચ દ્વારા તાજેતરમાં જ બે સીટો માટે પેટા ચૂંટણી પણ જાહેર કરાઇ હતી. જોકે આ સભ્યો દ્વારા હાઇકોર્ટમાં ઘા નાખી ચૂંટણી પર રોક લાવ્યા હતા. દરમ્યાન ભાજપના વધુ બે અને એક અપક્ષ મળીને કુલ ૩ તાલુકા પંચાયત સભ્યો પાછા કોગ્રેસમાં જોડાઇ ગયા છે. કરોલી સીટ પરથી મંજુલાબેન ભરતભાઇ ચૌહાણ તેમજ વરસોલા સીટ પરથી સરફુદીન મહંમદભાઇ મલેક બંને ભાજપને રામ રામ કરી કોગ્રેસનો હાથ થામી લીધો છે. ઉપરાંત નેનપુર સીટના સભ્ય ખુશાલભાઇ ખોડાભાઇ હરિજન પણ કોગ્રેસ સાથે થઇ જતા તાલુકા પંચાયતમાં કોગ્રેસની સ્થિતિ મજબૂત બની છે. આજે વહેલી સવારે આ ત્રણે સભ્યો જિલ્લા કોગ્રેસ પ્રમુખ રાજેશ ઝાલા, પુર્વ ધારાસભ્ય ગૌતમભાઇ ચૌહાણ સાથે ગાંધીનગર પહોચ્યા હતા. જ્યા પ્રદેશ કોગ્રેસ પ્રમુખ અમિતભાઇ ચાવડાના હસ્તે તેઓએ ખેસ ધારણ કરી કોગ્રેસમાં પ્રવેશ મેળવ્યો હતો. જોકે મહત્વની વાત તો એ છેકે ત્રણમાંથી બે સભ્યોએ પોતે તાલુકા પંચાયતના સભ્ય હોવા છતા તેમના કામો નહી થતા હોવાથી પક્ષ છોડ્યો હોવાની વાત કરી હતી.

(6:16 pm IST)