Gujarati News

Gujarati News

News of Saturday, 28th December 2019

વડોદરામાં મકાનોની સાઇટ ઉપર પાણી ભરેલા ખાડામાં શ્રમજીવી પરિવારના બાળકનું ડૂબી જવાથી મોત

વડોદરા : વડોદરા શહેરના આજવા રોડ પર આવેલી પંડિત દીનદયાળ ઉપાધ્યાય નગરગૃહ પાસે નુર્મના મકાનોની સાઇટ પર પાણી ભરેલા ખાડામાં શ્રમજીવી પરિવારનું બાળક ડુબી જતા મોત નિપજ્યું હતું. ઘટનાને પગલે અરેરાટી વ્યાપી ગઇ છે. ઘટનાની જાણ થયા બાદ બાપોદ પોલીસ દોડી આવી હતી. આ મુદ્દે વડોદરા પોલીસ દ્વારા અકસ્માતે મોતનો ગુનો નોંધીને તપાસ હાથ ધરવામાં આવી છે. જો કે ઘટના જે સ્થળે બની તે સાઇટ લાંબા સમયથી બંધ પડી હોવાનું જાણવા મળી રહ્યું છે.

વડોદરા શહેરના આજવા રોડ પર આવેલા પંડિત દીનદયાળ ઉપાધ્યાય નગરગૃહની બાજુમાં નૂર્મના મકાનોની સાઇટની બાજુમાં જ ઝુંપડુ બાંધીને શ્રમજીવી પરિવાર રહે છે. જો કે છેલ્લા ઘણા સમયથી નૂર્મની સાઇટ બંધ પડેલી છે. જે સ્થળ પર નૂર્મના મકાનો બની રહ્યા હતા પરંતુ મામલો કોર્ટમાં હોવાના કારણે સાઇટ બંધ કરી દેવામાં આવી હતી. જેના કારણે કોન્ટ્રાક્ટર દ્વારા પોતાનાં તમામ સાધન સામગ્રીઓ લઇને સાઇટ બંધ કરી દેવામાં આવી હતી. જ્યારે કામ ચાલતું હતું ત્યારે અહીં તળાવ જેવડો મોટો ખાડો ખોદવામાં આવ્યો હતો. જેમાં વરસાદી પાણી ભરાયું છે.

આ ખાડા નજીક 10 વર્ષનો બાળક રમતો હતો. રમતા રમતા ખાડામાં પડી ગયો હતો. રાહીલ સાથે રમતા બાળકોએ આ અંગે રાહીલનાં માતા-પિતાને જાણ કરી હતી. ત્યાર બાદ ફાયરબ્રિગેડની જાણ કરવામાં આવી હતી. જો કે રાહીલને બચાવી શકાયો નથી. પોલીસ દ્વારા આ અંગે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આ પ્લોટ સ્કુલ માટે રિઝર્વ હોવાથી સ્થાનિકો કોર્ટમાં ગયા હતા. જ્યાં આ કેસ ચાલી રહ્યો હોવાથી કોન્ટ્રાક્ટર ત્યાંથી નિકળી ગયા હતા. જો કે ત્યાં કેટલાક મજુર પરિવારો ત્યાં રહી રહ્યા હતા.

(5:08 pm IST)