Gujarati News

Gujarati News

News of Saturday, 28th December 2019

સામાન્ય સભામાં જોરદાર હોબાળા બાદ 19 ગામો અને 2 નગરપાલિકાને સુરતમાં સમાવવા મંજૂરી

સુરતની આસપાસ રહેલા કેટલાક ગામડાઓને સુરત મહાનગરપાલિકાની હદમાં સમાવવાની વાતને લઇને છેલ્લા કેટલાક સમયથી રાજકીય માહોલ ગરમાયો હતો. સુરત મહાનગરપાલિકાની આ વર્ષની છેલ્લી સામાન્ય સભામાં હદ વિસ્તરણને લઇને કોંગ્રેસ અને ભાજપના કોર્પોરેટરો વચ્ચે ગરમાગરમીનો માહોલ જોવા મળ્યો હતો પરંતુ સામાન્ય સભાના અંતે 19 ગામો સહિત 2 નગરપાલિકાઓને સુરતમાં સમાવી લેવાના ઠરાવને મતદાન પછી મંજૂરી મળી હતી.

 આ 19 ગામો અને 2 નગરપાલિકાઓમાં સુરતની આસપાસ આવેલા સેગવા-સ્યાદલા, વસવારી, ગોથાણ, ઉમરા, ભરથાણા-કોસાડ, પારડી-કણદે, સચીન, તલંગપુર નગરપાલિકા, પાલી, કનસાડ, ઉંબેર, કાંદી ફળિયા, ભાઠા, ભાટપોર, ઈચ્છાપોર, અસારમા, ભેંસાણ, ઓખા, વણકલા, વિહેલ અને ચીચી ગામનો સમાવેશ થાય છે.

સુરત મહાનગરપાલિકાના હદ વિસ્તારમાં સમાવિષ્ટ કરવામાં આવેલા 19 ગામો અને 2 નગરપાલિકાઓમાંથી 3 ગામડાઓની ઝીરો વસ્તી છે અને 18 ગામડાઓની 1,22,112 વસ્તી છે.

 

  સુરતના હદ વિસ્તરણને લઇને સામાન્યસભામાં પસાર કરવામાં આવેલા ઠરાવને મંજૂર કરવામાં આવતા ઠરાવને હવે શહેરી વિકાસ ગૃહ નિર્માણ વિભાગમાં મોકલવામાં આવશે અને ત્યા કેટલાક સુધારા વધારા કરીને અંતિમ મંજૂરી આપવામાં આવશે. મંજૂરી મળ્યા પછી આ બાબતે નોટીફીકેશન બહાર પડીને જાણકારી આપવામાં આવશે.

 અત્રે ઉલ્લેખનીય છે કે, મૂળ દરખાસ્તમાંથી કામરેજ અને તેની આસપાસના કેટલાક ગામડાઓને બાકાત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત સ્થાયી સમિતિના ચેરમેન અનીલ ગોપલાણીએ જણાવ્યું હતું કે, વિપક્ષે પુણા-કુંભારિયા, સારોલી અને કામરેજમાં આવેલી 40 જેટલી સોસાયટીઓને સુરતના સમાવવા માટે સંમતિ પત્ર સામાન્ય સભામાં રજૂ કર્યા હતા

 

(12:53 pm IST)