Gujarati News

Gujarati News

News of Saturday, 28th December 2019

સુરત પાલિકાની સામાન્યસભા તોફાની :વેરાબિલ ,પાણીના મીટર અને હોલભાડા સહિતના મુદ્દે કોંગ્રેસે હંગામો મચાવ્યો

અપશબ્દો બોલાતા ભાજપ અને કોંગ્રેસનાં કોર્પોરેટરો સામસામે :છુટ્ટાહાથની મારામારી

સુરત : પાલિકાની સામાન્ય સભા ચાલુ થાય તે અગાઉ સભામાં કોંગ્રેસના કોર્પોરેટર દ્વારા હોબાળો મચાવાયો હતો વેરાબીલ, પાણીના મીટર અને પ્રસંગોમાં ભાડે આપવામાં આવતા હોલના ભાડા વધારા સહિતનાં મુદ્દે કોંગ્રેસી કોર્પોરેટર્સ દ્વારા સામાન્ય સભા અગાઉ હોબાળો મચાવવામાં આવ્યો હતો. જો કે પોલીસ મંજુરી નહી હોવાથી પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી હતી. આ સાથે જ પાણીના મીટર અને ગટર સહિતનાં પ્રશ્ને કોંગ્રેસ દ્વારા હલ્લાબોલ કરવામાં આવ્યું હતું. 

 

   મહાનગર પાલિકાની સામાન્ય સભા અગાઉ તોફાન મચાવ્યા બાદ સભાગૃહમાં પણ કોંગ્રેસનાં કોર્પોરેટર દ્વારા પુણા સહિતનાં વિસ્તારમાં 24 બાય 7 પાણીના મીટર યોજના બાબતે વિરોધ પ્રદર્શન કર્યું હતું. કોંગ્રેસનાં કોર્પોરેટર હાથમાં પોસ્ટર લઇને સામાન્ય સભા પહેલા વિરોધ દર્શાવ્યો હતો. પાણી સમિતીનાં ચેરમેન હિંમત બેલડીયાને પડકાર ફેંક્યો હતો. પાણીના મીટર બાબતે પણ ચર્ચા કરવા માટે કોંગ્રેસી કોર્પોરેટર દ્વારા જણાવવામાં આવ્યું હતું. કોંગ્રેસ દ્વારા આરોપ લગાવવામાં આવ્યો કે ભાજપ દ્વારા નગરજનોને લૂંટવામાં આવી રહ્યા છે. 
   કોંગ્રેસનાં કોર્પોરેટર મનોજ ચોવટીયા દ્વારા સામાન્ય સભામાં અપશબ્દો બોલાયા હોય તેની માફી માંગવા મેયરે જણાવ્યું હતું. જેના મુદ્દે ફરીથી સામાન્ય સભામાં હોબાળો મચી ગયો હતો. એકવાર હોબાળો શાંત થયા બાદ ફરી સભા ચાલુ થતા હોબાળો મચ્યો હતો. આ ઉપરાંત બીઆરટીએસ બસમાં ભાજપના કોર્પોરેટરની મિલીભગત હોવાનો આરોપ લગાવતા ભાજપ અને કોંગ્રેસનાં કોર્પોરેટરો સામસામે આવી ગયા હતા. છુટ્ટાહાથની મારામારી થવા લાગી હતી.

 

(8:55 am IST)