Gujarati News

Gujarati News

News of Thursday, 28th December 2017

આવાસ યોજના મામલે ઉગ્ર વિરોધ સાથે હવે આવેદનપત્ર

રામાપીરના ટેકરાના રહીશો દ્વારા દેખાવો કરાયાઃ ઝૂંપડાની તુલનામાં બનનાર મકાનની સંખ્યા ઓછી હોવાનો વિરોધ : ભવિષ્યમાં ઉગ્ર આંદોલન કરવાની પણ ચિમકી

અમદાવાદ, તા.૨૮, અમદાવાદ શહેરના જુના વાડજ વિસ્તારમાં આવેલા રામાપીરના ટેકરાને સ્માર્ટ સીટી ડેવલપમેન્ટ પ્રોજેકટ હેઠળ આવરી લઈ આ સ્થળે પાકા આવાસો બનાવવા મામલે ટેન્ડરો બહાર પડાઈ ગયા છે આ પરિસ્થિતિમાં આજે રામાપીરના ટેકરા ખાતે વસવાટ કરી રહેલા સ્થાનિક રહીશો મોટી સંખ્યામાં આવાસ યોજના મામલે ચાલી રહેલી પ્રક્રીયાનો વિરોધ કરવા મ્યુનિસિપલ કમિશનર સમક્ષ પહોંચી ગયા હતા જ્યાં તેમને આવેદનપત્ર આપી જો તેમને ન્યાય આપવામાં નહી આવે તો ભવિષ્યમાં આ મામલે ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી.આ અંગે મળતી માહિતી અનુસાર,અમદાવાદ શહેરને સ્માર્ટ સીટી જાહેર કરવામાં આવ્યા બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સ્માર્ટ સીટી પ્રોજેકટ હેઠળ રૃપિયા ૮૦૦ કરોડથી પણ વધુ કિંમતનો રિ-ડેવલપમેન્ટ પ્લાન મંજુર કરીને હયાત રામાપીરના ટેકરા પરની ઝૂંપડપટ્ટી દુર કરી આ સ્થળે પાકા આવાસો બનાવવા માટે ટેન્ડર પ્રક્રીયા કરી કોન્ટ્રાકટરોને આ સ્થળે આવાસો બનાવવાની કામગીરી પણ સોંપી દેવામાં આવી છે.બીજી તરફ આજે રામાપીરના ટેકરા ખાતે વસવાટ કરી રહેલા સ્થાનિક રહીશો મોટી સંખ્યામાં મ્યુનિસિપલ કમિશનર સમક્ષ રજુઆત કરવા પહોંચ્યા હતા.જ્યાં તેમણે એક આવેદનપત્ર આપી એવી રજુઆત કરી હતી કે,રામાપીરના ટેકરા ખાતે જેટલા ઝૂંપડા આવેલા છે એની સરખામણીમાં જેટલા આવાસો બનાવવામાં આવનાર છે એની સંખ્યા ઘણી જ ઓછી છે.જો આ મામલે કમિશનર કે તંત્ર દ્વારા કોઈ વિચારણા કરવામાં નહીં આવે તો આ મામલે આગામી સમયમાં ઉગ્ર આંદોલન પણ કરવામાં આવશે.અત્રે નોંધનીય છે કે,જે સમયે આ સ્થળે પાકા આવાસો બનાવવાનો નિર્ણય કરવામાચઆવ્યો હતો એ સમયે વિપક્ષ કોંગ્રેસ દ્વારા સ્થાનિક રહીશોને વિશ્વાસમાં ન લેવામાં આવ્યા હોવાના મામલે વિરોધ પણ કરવામાં આવ્યો હતો.

(10:13 pm IST)