Gujarati News

Gujarati News

News of Monday, 21st January 2019

વાયબ્રન્ટની સાથે સાથે......

૨૦ આઈટીઆઈને અપગ્રેડ કરવાની તૈયારી

ગાંધીનગર, તા.૨૦ : ગુજરાત વાયબ્રન્ટ સમિટની પૂર્ણાહુતિ થઈ હતી. વાયબ્રન્ટ સમિટની સાથે સાથે જુદા જુદા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ઘણી મહત્વપૂર્ણ બાબતો પણ રજુ કરવામાં આવી હતી. વાયબ્રન્ટની સાથે સાથે નીચે મુજબ છે.

રાજ્યની ૨૦ આઈટીઆઈને અપગ્રેડ કરાશે

જાપાની હોન્ડા કંપની દ્વારા રૂ.૧.૬૪ કરોડના ખર્ચે ગુજરાતની ૨૦ આઈટીઆઈને ટેકનોલોજીકલી અપગ્રેડ કરવામાં આવશે. રાજ્યના રોજગાર અને તાલીમ વિભાગ સાથે કરવામાં આવેલા એમઓયુથી રાજ્યમાં તાલીમબદ્ધ યુવાનોની માગને પહોંચી વળવામાં આવશે. રાજ્યભરમાં ૨૬૩ સરકારી આઈટીઆઈ, ૪૭૫ ગ્રાન્ટ-ઈન-એઇડ એન્ડ સેલ્ફ ફાયનાન્ય આઈટીસી, ૩૩૫ કૌશલ વર્ધન કેન્દ્ર કાર્યરત છે. આ તાલીમ કેન્દ્રોમાં યુવાનોને ઉદ્યોગોની જરૂરીયાત મુજબ કોર્ષ ચલાવવામાં આવી રહ્યા છે. રાજ્યના યુવાનોને લેટેસ્ટ ટેકનોલોજીની તાલીમ આપવા માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે.

યુવાનોના કૌશલ્યવર્ધન માટેના નવ એમઓયુ સંપન્ન

 ઈન્ડિયન ટેલેન્ટ પુલ ઓન અ ગ્લોબલ ફ્રંટીયર વિષયક સેમિનારમાં વિવિધ ક્ષેત્રોમાં યુવાનોને કૌશલ્યવાન બનાવવા માટે નવ એમ.ઓ.યુ. કરવામાં આવ્યા હતા.         આ એમ.ઓ.યુ. થી રાજ્યનાં યુવાનો કૌશલ્યવાન બનશે તેમજ ઉદ્યોગોની જરૂરીયાત પૂરી કરી શકાશે. જેમાં હેલ્થકેર સેક્ટરમાં ઝાયડસ કેડિલા, અદાણી સ્કીલ ડેવલેપમેન્ટ સેન્ટર, એપોલો મેડસ્કીલ તથા અંબુજા સિમેન્ટ લિમીટેડ સાથે, ઓટોમોબાઈલ સેક્ટર ક્ષેત્રે મારૂતિ સુઝુકી અકાદમી સાથે, જેમ્સ-જ્વેલરી ક્ષેત્રે ટીમલીઝ સર્વિસ લિમીટેડ સાથે, પ્રોડકશન એન્ડ મેન્યુફેક્ચરીંગ ક્ષેત્રે જ્યોતિ સી.એન.સી. તથા કન્સ્ટ્રકશન ક્ષેત્રે સૂર્યા વાયર્સ સાથેનાં એમ.ઓ.યુ.નો સમાવેશ થાય છે.

 કોમનવેલ્થ એન્ટરપ્રાઇઝના ચેરમેન લોર્ડ જોનાથન માર્લેન્ડની મુખ્યમંત્રી સાથે બેઠક

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વાયબ્રન્ટ સમીટ ૨૦૧૯ના ત્રીજા દિવસનો પ્રારંભ કોમન વેલ્થ એન્ટરપ્રાઇઝ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ કાઉન્સિલના ચેરમેન લોર્ડ જોનાથન માર્લેન્ડની આગેવાની હેઠળના પ્રતિનિધિ મંડળ સાથે બેઠક યોજીને કર્યો હતો. મુખ્યમંત્રીએ વાયબ્રન્ટ સમીટમાં કોમનવેલ્થના ૭૫ જેટલા લોકોનું ડેલીગેશન લઇને સહભાગી થવા અંગે લોર્ડ જોનાથન માર્લેન્ડનો આભાર વ્યકત કર્યો હતો. તેમણે ગુજરાતમાં ઉર્જા અને હેલ્થ કેર તેમજ કોમન વેલ્થ રાષ્ટ્રોના બિઝનેસના વ્યાપની ઉજ્જવળ સંભાવનાઓ અંગે પરિણામલક્ષી પરામર્શ કર્યો હતો.

ઇન્વેસ્ટિંગ ઇન સાઇપ્રસ વિષયક કન્ટ્રી સેમિનાર યોજાયો

ભારતના સૌથી વધુ રોકાણ કરનાર વિશ્વના દેશોમાં સાઇપ્રસ ૮મું સ્થાન ધરાવે છે. એપ્રિલ ૨૦૦૦થી ભારત અને સાઇપ્રસ વચ્ચે દ્વિપક્ષીય વેપાર સંબંધો રહ્યા છે. સાયપ્રસમાં સ્ટાર્ટઅપ યુવા એન્ટપ્રિયોર શિક્ષકો ભારતીય-ગુજરાતીઓને ખાસ વિઝા પણ ઈસ્યુ કરવામાં આવશે તેમજ તેમના સ્ટાર્ટઅપના વિકાસ માટે તમામ સહયોગ આપવામાં આવશે તેમ વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-૨૦૧૯ના ત્રીજા અને અંતિમ દિવસે મહાત્મા મંદિર ખાતે આયોજિત ઈન્વેસ્ટિંગ ઇન સાઇપ્રસ વિષયક કન્ટ્રી સેમિનારમાં સાઇબ્રસમાં રોકાણ અંગેની પ્રમોશન કમિટિના પ્રમુખ શ્રીયુત નિકલસ થિયોચારિડેસે જણાવ્યું હતું.

વોટર ટેકનોલોજી સંદર્ભે પરિસંવાદ યોજાયો

 વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-૨૦૧૯માં આજે સમાપનના દિવસે ડેન્માર્ક રાષ્ટ્રની રોયલ ડેનીશ એમ્બેસી, નવી દિલ્હી અને ગુજરાત સરકારના પાણી પુરવઠા વિભાગ સાથે વોટર ટેકનોલોજી સંદર્ભે પરિસંવાદ યોજવામાં આવ્યો હતો.  ડેન્માર્કના મંત્રી અને રોયલ ડેનીશ એમ્બેસીના પ્રતિનિધિ મંડળના સભ્યો પણ પરિસંવાદમાં હાજર રહ્યાં હતા. આ પરિસંવાદમાં ડેન્માર્ક રાષ્ટ્ર સાથે ગુજરાત સરકારના પાણી પુરવઠા વિભાગ સાથે ઈરાદાપત્ર ઉપર હસ્તાક્ષર કરવામાં આવ્યાં હતા. આ પ્રસંગે ગુજરાત સરકારના પાણી પુરવઠા વિભાગના મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયા, પાણી પુરવઠા વિભાગના રાજયમંત્રી શ્રી પ્રભાતભાઈ પટેલ, અગ્રસચિવ શ્રી જે.પી.ગુપ્તા, વાસ્મોના સી.ઈ.ઓ., મેમ્બર સેક્રેટરી, ગુજરાત પાણી પુરવઠા બોર્ડ અને સરકાર તેમજ ખાનગી ક્ષેત્રના વરિષ્ઠ અધિકારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતા.

બેચરાજીમાં સ્ટેટ ઓફ ધ આર્ટે ટ્રેનિંગ ઈન્સ્ટીટ્યુટનો પ્રારંભ થશે

 મુખ્યમંત્રી વિજય રૂપાણીનાં વડપણ હેઠળની રાજ્ય સરકાર યુવાનોને ઉદ્યોગની જરૂરીયાત મુજબની તાલીમ આપવા માટે આઈટીઆઈને અપગ્રેડ કરી રહી છે. આ અપગ્રેડેશન માટે મારૂતિ સુઝુકી કંપની સાથે એમ.ઓ.યુ. કરવામાં આવ્યા છે. જેના ભાગરૂપે મહેસાણાનાં બેચરાજી ખાતે સ્ટેટ ઓફ ધ આર્ટ આઈટીઆઈનો પ્રારંભ કરવામાં આવશે. વાયબ્રન્ટ સમિટનાં ત્રીજા દિવસે  રીપોઝીશનીંગ ઈન્ડીયન ટેલેન્ટ ઓન એ ગ્લોબલ ફ્રંટીયર વિષયક સેમિનારમાં વિવિધ તજજ્ઞો દ્વારા દેશનાં યુવાનોનાં સ્કીલ ડેવલેપમેન્ટ કરવા ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. આ સેમિનારમાં  ઓટોમોબાઈલ જાયન્ટ મારૂતિ સુઝુકી દ્વારા બેચરાજીમાં અત્યાધુનિક આઈટીઆઈનો પ્રારંભ કરવા માટે  રાજ્ય સરકારનાં રોજગાર અને તાલીમ વિભાગ વચ્ચે એમ.ઓ.યુ. કરવામાં આવ્યા હતા.

(9:59 pm IST)