Gujarati News

Gujarati News

News of Wednesday, 18th July 2018

દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદ : વાંસદામાં ૧૦ ઇંચ

વધઇમાં આઠ અને ગણદેવીમાં છ ઇંચ વરસાદ : અંબિકા નદીમાં પુરની સ્થિતી : રાજ્યના અનેક ભાગોમાં હાલત કફોડી : નીચાણવાળા વિસ્તારો જળબંબાકાર થયા

અમદાવાદ,તા. ૧૮ : ગુજરાતના જુદા જુદા ભાગોમાં ભારે વરસાદ જારી રહ્યો છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં મેઘ તાંડવની સ્થિતી જોવા મળી રહી છે. વરસાદ સંબંધિત બનાવોમાં હજુ ુસધી મોતનો આંકડો વધીને ૩૦થી ઉપર પહોંચી ગયો છે. છેલ્લા ૨૪ કલાકના ગાળામાં દક્ષિણ ગુજરાતમાં સૌથી વધારે વરસાદ થયો છે. વાંસદામાં ૧૦થી વધારે વરસાદ પડતા ચારેબાજુ બંબાકારની સ્થિતી સર્જાઇ ગઇ છે. ગણદેવીમાં આઠ ઇંચથી વધારે વરસાદ ખાબક્યો છે. ગણદેવી, વઇ અને વાંસદામાં લોકોની હાલત કફોડી બનેલી છે. અંબિકા નદીમાં પુરની સ્થિતી પ્રવર્તી રહી છે. કેટલાક રસ્તાઓને બંધ કરી દેવામાં આવ્યા છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પડી રહેલા ભારે વરસાદના કારણે લોકોની હાલત કફોડી બનેલી છે ત્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ અસરગ્રસ્ત વિસ્તારોની માહિતી મેળવવા માટે પહોંચી ગયા છે. પુરની સ્થિતીને ધ્યાનમાં લઇને બુધવારની કેબિનેટની બેઠક મોકુફ કરવામાં આવી છે.દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પડી રહેલા ભારે વરસાદના કારણે લોકોની હાલત કફોડી બનેલી છે ત્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ અસરગ્રસ્ત વિસ્તારોની માહિતી મેળવવા માટે પહોંચી ગયા છે. સૌરાષ્ટ્ર-કચ્છ પર મોનસુન જોરદારરીતે સક્રિય થયેલું છે જેના પરિણામ સ્વરુપે અતિભારે વરસાદ સૌરાષ્ટ્રના જુદા જુદા વિસ્તારમાં થઇ રહ્યો છે. ભારેથી અતિભારે વરસાદની ચેતવણી આગામી પાંચ દિવસ માટે અકબંધ રાખવામાં આવી છે. ભારે વરસાદની સ્થિતિ વચ્ચે એનડીઆરએફની ૨૦ ટીમો સક્રિય છે અને બીજી પાંચ ટીમો મંગાવવામાં આવી રહી છે. ઉભી થયેલી સ્થિતિ વચ્ચે તંત્ર હાઈએલર્ટ ઉપર છે. સાવચેતીના તમામ પગલાં લેવામાં આવી રહ્યા છે. હવામાન ખાતાએ આગામી ૨૪ કલાકમાં આ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરતાં સ્થાનિક પ્રજાજનો ચિંતામાં મૂકાયા છે ત્યારે બીજીબાજુ, તંત્રને એકદમ હાઇએલર્ટ પર રખાયું છે. હવામાન ખાતા દ્વારા ગુજરાત રાજ્યમાં આવતા ૨૪ કલાકમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન ખાતાની આગાહી મુજબ, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના પંથકો ઉપરાંત દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, મહેસાણા, અરવલ્લી, અમદાવાદ, ખેડા, વડોદરા, આણંદ, ડાંગ, તાપી, ભરુચ, નર્મદા તેમજ દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ, અને સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની પૂરી શકયતા છે. રાજયમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહીને પગલે તંત્રને હાઇએલર્ટ કરી દેવાયું છે. રાજ્યમાં વધુ વરસાદની શક્યતાને જોતા રાહત અને બચાવ કામગીરી માટે હાલ એનડીઆરએફની પાંચ ટીમ સહિતની રાહત-બચાવ ટીમો અસરગ્રસ્ત વિસ્તારોમાં તૈનાત કરી દેવામાં આવી છે. આ ઉપરાંત, વધુ પાંચ ટીમો પણ ગુજરાતમાં આવી રહી છે. એનડીઆરએફની ટીમો રાજ્યભરમાં મદદ માટે તૈયાર રાખવામાં આવી છે. પુણેથી વધારાની ટીમ પણ મંગાવવામાં આવી છે.રાજયમાં ભારે વરસાદ અને ઉપરવાસના સારા વરસાદના કારણે નર્મદા ડેમમાં જળસપાટી આજે ૧૧૧.૧૧ મીટરે પહોંચી ગઇ હતી. જેને પગલે આઇબીપીટી ટનલ બંધ કરાઇ હતી. ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી અતિભારે વરસાદ જારી રહ્યો છે. ગુજરાતભરમાં ચાલુ મોસમનો કુલ વરસાદ ૪૦-૭૩ ટકા રહ્યો છે. દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ ૫૭.૨૭ ટકા વરસાદ થયો છે. સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતમાં વરસાદી અતિવૃષ્ટિને પગલે નદી-નાળા અને ડેમોમાં નવા નીરની આવક થઇ છે અને તેમાંના ઘણા છલકાતાં રાજકોટ જેતપુરના ભાદર-૧ ડેમ, ભાદર-૨ ડેમ, અમરેલીમાં કુકાવાવનો સોનલ ડેમ, જામગનરના નિકોવા ખાતેનો ઉંડ-૪, જૂનાગઢના કોસાવાનો સાબરી ડેમ સહિતના ડેમોના દરવાજા ખોલવાની ફરજ પડી હતી, તો કેટલીયે નદીઓમાં ઘોડાપૂર આવતાં સર્વત્ર જળબંબાકારની સ્થિતિ સર્જાઇ છે. ગીર-સોમનાથ, ઉના, રાજકોટ, અમરેલી, જૂનાગઢ, જામનગર સહિતના પંથકોની કેટલીક નદીઓમાં ઘોડાપૂર આવતાં આસપાસના ગામો અને વિસ્તારોમાંથી અસરગ્રસ્ત લોકોને સલામત સ્થળે સ્થળાંતર કરાવવાની ફરજ પડી હતી.

(12:23 pm IST)