Gujarati News

Gujarati News

News of Thursday, 26th April 2018

ધર્મજ-તારાપુર સ્ટેટ હાઇવે પર પુરપાટ ઝડપે જતી બસની ટક્કરે કારમાં સવાર ડ્રાઈવર સહીત બે એ ઘટનાસ્થળેજ દમ તોડ્યા

ધર્મજ:ધર્મજ-તારાપુર સ્ટેટ હાઈવે પર આવેલા માણેજ ગામના પાટીયા પાસે ગઈકાલે રાત્રીના સુમારે પુરપાટ ઝડપે જતી એક એસટી બસે ઈકો કારને ટક્કર મારતાં ડ્રાયવર સહિત બેના ઘટનાસ્થળે જ કરૂણ મોત થયા હતા જ્યારે ત્રણને ગંભીર ઈજાઓ થતાં તેઓને સારવાર માટે કરમસદની શ્રીકૃષ્ણ હોસ્પીટલમાં લઈ જવામાં આવ્યા હતા. આ અંગે ટક્કર મારીને ફરાર થઈ ગયેલા એસટી બસના ચાલક વિરૂધ્ધ પેટલાદ રૂરલ પોલીસે ગુનો દાખલ કરીને તપાસ હાથ ઘરી છે.
અકસ્માતની મળતી વિગતો અનુસાર અમદાવાદના નરોડા રોડ કૃષ્ણનગર ખાતે રહેતા ફરિયાદી સૌરીનભાઈ અરવિંદભાઈ શાહ તથા પરિવારના સભ્યો ગઈકાલે ઈકો કાર નંબર જીજે-૦૧, એચવી-૫૧૮૭ની લઈને મંદિરોએ દર્શનાર્થે નીકળ્યા હતા. રાત્રીના સુમારે બોરસદ ખાતે રહેતા સંબંધીને ત્યાં જઈને મંદિરે દર્શન કર્યા બાદ તેઓ પેટલાદ તાલુકાના માણેજ ગયા હતા અને ત્યાં પણ આવેલા મણીલ-મી તીર્થધામ ખાતે દર્શન કર્યા બાદ પરત અમદાવાદ તરફ જતા હતા ત્યારે રાત્રીના દશેક વાગ્યાના સુમારે પુરપાટ ઝડપે આવી ચઢેલી એક એસટી બસ નંબર ૯૮૭૬એ ટક્કર મારતાં ડ્રાયવર સાઈડનું એક તરફનં પડખુ જ ચીરાઈ ગયું હતુ જેમાં ડ્રાયવર મુકેશસિંહ વાઘેલા તથા જ્યોતિબેન શાહને માથામાં અને શરીરના ભાગે ગંભીર ઈજાઓ થતાં ઘટનાસ્થળે જ મોત થયું હતુ.
જ્યારે રાજેશભાઈ, સુનયભાઈ તથા ક્રિશ્નાબેનને વત્તા ઓછા પ્રમાણમાં ઈજાઓ થવા પામી હતી. ઘટનાની જાણ પેટલાદ રૂરલ અને ૧૦૮ મોબાઈલ વાનને કરવામાં આવતાં તેઓ આવી ચઢ્યા હતા અને ઘવાયેલા ત્રણેયને સારવાર માટે કરમસદની શ્રીકૃષ્ણ હોસ્પીટલમાં મોકલી આપવામાં આવ્યા હતા. ટક્કર માર્યા બાદ એસટીનો ચાલક ત્યાંથી ફરાર થઈ ગયો હતો. અકસ્માતને પગલે-પગલે સ્ટેટ હાઈવે પર ટ્રાફિક જામ થઈ જવા પામ્યો હતો. પોલીસે અકસ્માતગ્રસ્ત ઈકો કારને રોડની સાઈડ પર લઈને ટ્રાફિક ક્લીયર કર્યો હતો.

(5:45 pm IST)