Gujarati News

Gujarati News

News of Thursday, 26th April 2018

અમદાવાદમાં પોલીસ જાપ્તામાંથી પોસ્કોનો આરોપી ફરારઃ લઘુશંકા કરવાના બહાને ચકમો આપી નાસી છૂટતા નાકાબંધી

અમદાવાદઃ અમદાવાદમાં પોલીસ જાપ્તામાંથી પોસ્કોનો આરોપી ફરાર થઇ જતા દોડધામ મચી ગઇ છે. અમદાવાદમાં આવેલ ગોમતીપુર વિસ્તારના પોસીસ સ્ટેશનનો આરોપી ફરાર થઈ ગયાની ઘટના સામે આવી છે. ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં પોક્સોના ગુનાનો આરોપી ફરાર થઈ જતાં પોલીસ હવે દોડતી થઈ ગઈ છે.

અમદાવાદ પોલીસ સ્ટેશનમાં એક બળાત્કારની ફરીયાદના આધારે પોલીસે આરોપીને પકડ્યો હતો, જેના પર પોક્સોની કલમ લગાવવામાં આવી હતી, ત્યારબાદ આજે પોલીસ આરોપીને કોર્ટમાં લઈ ગઈ હતી, તે સમયે આરોપી પોલીસને ચકમો આપી જાપ્તામાંથી ફરાર થઈ ગયો છે. આ ઘટના બાદ ગોમતીપુર પોલીસ દોડતી થઈ ગઈ હતી. અને શહેરમાં નાકાબંધી ગોઠવી ફરાર આરોપીને પકડવા તજવીજ હાથ ધરી છે.

ઉલ્લેખનીય છે કે, હમણાં જ એક પાકા કામનો કેદી ગુરુવારે અમદાવાદ સિવિલ હોસ્પિટલ કેમ્પસમાંથી ભાગી ગયો હતો. સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં આવેલી યુએન મહેતા હોસ્પિટલમાં સારવાર માટે લવાયેલો કેદી પોલીસને ચકમો આપીને ફરાર થઇ ગયો હતો. આજ રીતે ગત મહિને કલોલમાં પણ આવી ઘટના બની હતી, અહીં એક આરોપી લઘુશંકા જવાનું કહી પોલીસને ચકમો આપી કોર્ટની દિવાલ કુદી ભાગી ગયો હતો.

મહત્વની વાત એ છે કે, પોલીસની બેદરકારીના કારણે વારંવાર પાકા-કાચા કામના કેદી કોર્ટમાં કે હોસ્પિટલમાંથી પોલીસને ચકમો આપી ભાગી જવાની ઘટના સામે આવતી હોય છે. આ ઘટનામાં પણ પોલીસની નજર સમક્ષથી કેદી ભાગી ગયો છે. હવે જોવાનું એ રહેશે કે, બેજવાબદાર પોલીસ કર્મચારી સામે કેવા પગલા ભરવામાં આવે છે.

પોલીસ જાપ્તામાંથી ગુનેગાર બાથરૂમ જવાના બહાને કે પછી અન્ય કોઇ બહાનું કાઢીને ફરાર થઇ ગયા હોવાના અનેક કિસ્સા બન્યા છે, જેના કારણે પોલીસની કામગીરી પર અનેક વખત શંકા ઊભી થતી હોય છે. પોલીસ જાપ્તામાંથી ગુનેગાર ફરાર ના થઇ જાય તે માટે ક્રાઇમ બ્રાંચ એટેચ્ડ ટોઈલેટ સાથેની અત્યાધુનિક પ્રિઝનર વાન તૈયાર કરાવી રહી છે. અકિલા કેદીને ટોઈલેટ-બાથરૂમ માટે નીચે ઉતારવા ના પડે તે માટે રૂ.૨૫ થી ૩૦ લાખના ખર્ચે આ પ્રિઝનર વાન તૈયાર કરાઈ રહી છે.

(7:58 pm IST)