Gujarati News

Gujarati News

News of Thursday, 26th April 2018

મારી પાસે અેફઆઇઆરની નકલ છેઃ જેમાં ક્યાંય નોંધાયુ નથી કે રેપ થયોઃ ગર્લની વર્જીનિટી અકબંધ છેઃ પૂર્વ ડીઆઇજી વણઝારાનો દાવો

અમદાવાદઃ આસારામને જોધપુરની કોર્ટે દોષિત જાહેર કર્યા છે ત્યારે પૂર્વ ડીઆઈજી અને આસારામને પોતાના ગુરુ માનનારા ડીજી વણઝારા આસારામના પક્ષમાં વાત કરી છે. કોર્ટના ચુકાદા બાદ FIRની કોપી લઈને આવેલા વણઝારાએ જણાવ્યું કે આસારામ બાપુ પર જે આરોપો લગાવવામાં આવ્યા છે તે પ્રકારના આરોપોનો ક્યાંય ઉલ્લેખ નથી થયો.

ડીજી વણઝારાએ આસારામનો બચાવ કરીને કહ્યું, “મારી પાસે FIRની નકલ છે, જેમાં ક્યાંય નોંધાયું નથી કે રેપ થયો છે. ગર્લની વર્જિનિટી અકબંધ છે. પીડિતાએ પોલીસ સમક્ષ પણ રેપ થયો હોવાનું જણાવ્યું નથી. તેના પર રેપ થયાની વાત નથી કરી. કોર્ટમાં ટ્રાયલ દરમિયાનન પણ પીડિતાએ તેના પર રેપ થયાની વાત નથી કરી. FIRમાં માત્ર એટલી જ વાત છે કે બદઈરાદાપૂર્ણક તેને સ્પર્શ કરવામાં આવ્યો. જ્યારે આ ચાર્જમાં બાપુજીને દોષિત ઠેરવ્યા છે.

આગળ વણઝારાએ જણાવ્યું કે, “કોઈ પણ કોર્ટનો નિર્ણય અંતિમ નથી હોતો, દેશમાં ઉપરી કોર્ટ પણ છે. જે પણ ફેંસલો આવ્યો છે તેનું સન્માન કરીને અમે અને તેનો ગુણ દોષ જોઈને હાઈકોર્ટમાં જઈશું અને અમને સંપૂર્ણ વિશ્વાસ છે કે સેશન્સ કોર્ટમાં નહીં તો હાઈકોર્ટમાં જરુર નિર્દોષ સાબિત થશે.

જ્યારે વણઝારાને પુછવામાં આવ્યું કે તેઓ આશ્રમ તરફથી આસારામનો કેસ લડશે કે સ્વતંત્ર રીતે તો તેમણે જણાવ્યું કે, “ડીજી વણઝારા આ દેશનો નાગરિક છે, મારો સંબંધ આશ્રમ સાથે રહ્યો છે. મારો તેમની સાથે શિષ્ય અને ગુરુને સંબંધ છે તેને ક્યારેય છુપાવ્યો નથી. આશ્રમના એક જાગૃત શિષ્ય તરીકે મે બધું જણાવ્યું છે.

વણઝારા FIRની કોપી મીડિયા સમક્ષ લઈને આવ્યા અને તેમણે ચાર્જશીટનો પણ અહીં ઉલ્લેખ કરીને જણાવ્યું કે, “ચાર્જશીટની કોપી પણ અમારી પાસે છે તેમાં પણ બળાત્કારની વાત નથી કરાઈ. કાયદાએ જે કહ્યું છે તેનો અમે સ્વિકાર કરીએ છીએ પણ આ રીતે આસારામ જેવા સંતોને દોષિત ઠેરવવાની કોશિષ થઈ રહી છે તે દેશના હિતમાં નથી.

(7:58 pm IST)