Gujarati News

Gujarati News

News of Wednesday, 24th April 2024

રવિવારે ચૂંટણી પંચ ઘરે - ઘરે જઇ મતદાનનું આમંત્રણ આપશે : ૨૨૭૦૧ મતદારો ઘરેથી મતદાન કરવા ઇચ્‍છુક

ગુજરાતમાં ૨૫ લોકસભા મતક્ષેત્રમાં ૪૯૧૪૦ મતદાન મથકો

(અશ્વિન વ્‍યાસ દ્વારા) ગાંધીનગર તા. ૨૪ : ગુજરાતમાં લોકસભાની સામાન્‍ય ચૂંટણી-૨૦૨૪ તથા વિધાનસભાની ૦૫ બેઠકોની પેટાચૂંટણી માટે મતદાન તા.૦૭ મે, ૨૦૨૪ ના રોજ યોજાનાર છે. જેમાં રાજયના ૪,૯૭,૬૮,૬૭૭ મતદારો મતદાન કરી શકશે. આખરી મતદાર યાદીમાં ૧૮ થી ૧૯ વર્ષની ધરાવતા ૧૨,૨૦,૪૩૮ મતદારો પ્રથમ વખત મતદાન કરી શકશે. તેમ મુખ્‍ય નિર્વાચન અધિકારી પી. ભારતીએ જણાવ્‍યું છે.

મુખ્‍ય નિર્વાચન અધિકારીની કચેરી દ્વારા હાથ ધરવામાં આવેલા મતદાર યાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા-૨૦૨૪ અંતર્ગત તા.૦૫ જાન્‍યુઆરી, ૨૦૨૪ ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવેલી મતદાર યાદી મુજબ રાજયમાં કુલ ૪,૯૪,૪૯,૪૬૯ મતદારો નોંધાયેલા હતા. ત્‍યાર બાદ તા.૦૯ એપ્રિલ, ૨૦૨૪ સુધી મતદાર તરીકે નોંધણી માટે મળેલી અરજીઓ પૈકી ૩,૧૯,૨૦૯ મતદારોનો પુરવણી મતદાર યાદીમાં સમાવેશ કરવામાં આવ્‍યો છે. આખરી મતદાર યાદી મુજબ રાજયમાં ૨,૫૬,૧૬,૫૪૦ પુરૂષ, ,૪૧,૫૦,૬૦૩ સ્ત્રી અને ત્રીજી જાતિના ૧,૫૩૪ મળી કુલ ૪,૯૭,૬૮,૬૭૭ મતદારોનો સમાવેશ થાય છે. રવિવારે ચૂંટણી પંચ દ્વારા તમામ મતદાન મથકને ઓળખો તે અભિયાન ચલાવશે.

લોકસભા સામાન્‍ય ચૂંટણી માટે કુલ ૪૩૩ ઉમેદવારોએ નામાંકનપત્રો ભર્યા હતાં. તા.૨૦ એપ્રિલના રોજ ચકાસણી દરમ્‍યાન કુલ નામાંકનપત્રો પૈકી કુલ ૧૦૫ નામાંકનપત્રો રદ્દ કરવામાં આવ્‍યા હતા. ઉમેદવારી પરત ખેંચવાની આખરી તા. ૨૨ એપ્રિલ સુધીમાં કુલ ૬૨ ઉમેદવારો દ્વારા ઉમેદવારી પરત ખેંચવામાં આવી હતી. આમ, હવે લોકસભા સામાન્‍ય ચૂંટણી, ૨૦૨૪ માં હરીફ ઉમેદવારની કુલ સંખ્‍યા ૨૬૬ થઈ છે. જે પૈકી ૨૪૭ પુરુષ ઉમેદવારો, ૧૯ સ્ત્રી ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે. ઉક્‍ત પૈકી ૨૪-સુરત લોકસભા મતવિભાગના ઉમેદવાર બિન હરીફ જાહેર થયા છે.

જયારે પાંચ વિધાનસભા મતવિભાગની પેટા ચૂંટણીઓ-૨૦૨૪ માટે કુલ ૩૭ ઉમેદવારોએ નામાંકનપત્રો ભર્યા હતાં. જે પૈકી ચકાસણી દરમિયાન કુલ ૧૦ નામાંકનપત્રો રદ્દ કરવામાં આવ્‍યા હતા. તેમજ ૩ ઉમેદવારો દ્વારા ઉમેદવારી પરત ખેંચવામાં આવી હતી. આમ, હવે વિધાનસભા પેટા ચૂંટણી માટે હરીફ ઉમેદવારની કુલ સંખ્‍યા ૨૪ થઈ છે.

કુલ ૨૫ સંસદીય મતવિભાગો(PC)માં કુલ ૪૯,૧૪૦ મતદાન મથકો ખાતે મતદાન થનાર છે. આ પૈકી ૭-અમદાવાદ પૂર્વ સંસદીય મતવિભાગ(PC)ના ૧,૮૨૦ મતદાન મથકોમાં ૨ BUનો વપરાશ થશે. આમ કુલ ૫૦,૯૬૦-BU, ૪૯,૧૪૦-CU અને ૪૯,૧૪૦-VVPATનો ઉપયોગ થશે. તે ઉપરાંત પાંચ વિધાનસભા મતવિભાગોની પેટા ચૂંટણીઓમાં ૧,૨૮૨ મતદાન મથકોમાં મતદાન થશે, જેમાં કુલ ૧,૨૮૨- BU, ,૨૮૨-CU અને ૧,૨૮૨-VVPATનો ઉપયોગ થશે.

નો યોર પોલીંગ

સ્‍ટેશન અભિયાન

મતદાન મથકનું સ્‍થળ ખબર ન હોવાના કારણે, મતદાન માટેના આવશ્‍યક દસ્‍તાવેજો   વિષે જાણ ન હોવાના કારણે અથવા તો એક કરતા વધુ પોલિંગ સ્‍ટેશન ધરાવતા પોલિંગ સ્‍ટેશન લોકેશન પર ક્‍યાં મતદાન મથકમાં મતદાન માટે જવાનું છે તે અંગે મતદારો મુંઝવણ અનુભવતા હોય છે. આથી તા.૨૮ એપ્રિલ, ૨૦૨૪ ના રોજ સમગ્ર રાજયમાં Know Your Polling Station અભિયાનનું આયોજન કરવામાં આવશે. જેમાં બૂથ લેવલ ઓફિસર સવારે ૯ થી ૧૨.૩૦ સુધી મતદાર યાદી સાથે મતદાન મથક પર હાજર રહેશે અને મતદારોને મતદાન મથકે પ્રાપ્‍ય સુવિધા અને વ્‍યવસ્‍થા વિષે માહિતગાર કરશે. આ અભિયાનની સાથોસાથ ચુનાવ પાઠશાલાનું પણ આયોજન કરવામાં આવશે; જેમાં તમામ ગ્રાસ રૂટ લેવલના કર્મચારીઓ ઘરે ઘરે જઈને લોકોને સહપરિવાર મતદાન માટે આમંત્રણ આપશે.

 

 

(2:27 pm IST)