Gujarati News

Gujarati News

News of Wednesday, 24th April 2024

ગુજરાતના ઉમેદવારોમાં ૧૦ ટકાથી વધુ ગુનાઇત ઇતિહાસ ધરાવે છે

કુલ ૨૬૬ ઉમેદવારોમાં ૩૨ ઉમેદવારો સામે જુદી જુદી કોર્ટમાં કેસ પડતર : સૌથી વધુ ૧૫ અપક્ષ ઉમેદવાર

નવી દિલ્‍હી તા. ૨૪ : લોકસભાની ચૂંટણી માટે ગુજરાતના ઉમેદવારોનું ચિત્ર ફાઇનલ થઇ ગયું છે ત્‍યારે ગુજરાતની ૨૬ બેઠકોના કુલ ૨૬૬ ઉમેદવારોમાંથી ૩૨ ઉમેદવારો સામે જુદા જુદા ગુના નોંધાયેલા છે અને જુદી જુદી કોર્ટમાં કેસ પડતર છે. આમ આ વખતની ચૂંટણીમાં ગુજરાતના કુલ ઉમેદવારોમાં ૧૦ ટકાથી વધુ ઉમેદવારો ગુનાઇત ઇતિહાસ ધરાવે છે. જેમાં સૌથી વધુ ૧૫ અપક્ષ ઉમેદવારો છે અને રાજકીય પાર્ટીમાં સૌથી વધુ ૬ ઉમેદવાર કોંગ્રેસના છે.

ગુજરાતમાં ૭મીએ લોકસભાની ચૂંટણી માટે મતદાન થનાર છે અને ઉમેદવારો પણ ફાઇનલ થઇ ગયા છે અને જોરશોરથી પ્રચાર પણ શરૂ થઇ ગયો છે ત્‍યારે ઇલેકશન કમિશન ઓફ ઇન્‍ડિયાની વેબએપની વિગતો મુજબ ગુજરાતમાં કુલ ૨૬૬ ઉમેદવારોમાંથી ૩૨ ઉમેદવારો ગુનાઇત ઇતિહાસ ધરાવે છે. જેમાં અપક્ષ ઉમેદવારો સૌથી વધુ છે. ૧૫ અપક્ષ ઉમેદવારો એવા છે કે જેઓની સામે પોલીસ ફરિયાદો થયેલી છે. ગુનાઇત ઇતિહાસ ધરાવતા કુલ ઉમેદવારોમાં ભાજપના ૩ ઉમેદવારો છે. જ્‍યારે આપ પાર્ટીના એક ઉમેદવાર છે તેમજ અન્‍ય નોંધાયેલી પાર્ટીઓના ૭ ઉમેદવારો છે.

આ વખતની ચૂંટણીમાં ૨૦૦૪ પછીના સૌથી ઓછા ૨૬૬ ઉમેદવારો છે ત્‍યારે કુલ ઉમેદવારોમાં ગુનાઇત ઇતિહાસ ધરાવતા ૧૦ ટકાથી વધુ ઉમેદવારો છે. ચૂંટણીપંચ દ્વાર જાહેર કરાયેલી વિગતો અને એફિડેવિટની વિગતો મુજબ ૩૨ જેટલા ઉમેદવારો સામે જુદા જુદા ગુનામાં કેસ નોંધાયા છે અને હાલ જુદી જુદી કોર્ટોમાં કેસ પડતર છે. જેમાં ભાજપ, કોંગ્રેસ અને આપના મળીને મોટા નેતાઓ પાસેથી છ જેટલા છે. જ્‍યારે ગુનાઇત ઇતિહાસ ધરાવતા ૧૫ અપક્ષ ઉમેદવારોમાં સૌથી વધુ ૩ સુરેન્‍દ્રનગર બેઠકમાં, સાબરકાંઠામાં બે, ગાંધીનગરમાં બે, ભરૂચમાં બે, ભાવનગર, વડોદરા, ખેડા, જામનગર, પોરબંદર અને આણંદના એક-એક ઉમેદવાર છે.

નામ          બેઠક       પક્ષ

જશુભાઇ રાઠવા           છોટા ઉદેપુર   ભાજપ

રાજેશ ચુડાસમા          જુનાગઢ       ભાજપ

અમિત શાહ  ગાંધીનગર ભાજપ

અનંતકુમાર પટેલ        વલસાડ       કોંગ્રેસ

ચંદનજી ઠાકોર            પાટણ કોંગ્રેસ

ગેનીબેન ઠાકોર           બનાસકાંઠા    કોંગ્રેસ

હીરાભાઇ જોટવા          જુનાગઢ       કોંગ્રેસ

હિંંમતસિંહ પટેલ        અમદાવાદ પૂર્વ        કોંગ્રેસ

સુખરામ રાઠવા           છોટા ઉદેપુર   કોંગ્રેસ

ચૈતર વસાવા   ભરૂચ   આપ

(10:25 am IST)