Gujarati News

Gujarati News

News of Friday, 28th October 2022

કેજરીવાલની મુલાકાત પહેલા ધોરાજીમાં આપ'નાં ઉમેદવાર વિપુલ સખીયા વિરુદ્ધ પોસ્ટરો લાગતા રાજકારણમાં ગરમાવો

'આયાતી ઉમેદવારને દૂર કરો', 'આમ આદમી પાર્ટી કો બચાવો પાર્ટી કે દલાલો કો ભગાવો'ના લાગ્યા પોસ્ટરો

અમદાવાદ :આમ આદમી પાર્ટીના સુપ્રીમો અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ તેમજ પંજાબના સીએમ ભગવંત માન ગુજરાત પ્રવાસે આવવના છે. ધોરાજીમાં આગામી તારીખ 30 ઓક્ટોબરે તેમની સભાનું આયોજન કરાયું છે જેના માટે ધોરાજી ખાતે આ કાર્યક્રમને લઈને તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ધોરાજીના ઇતિહાસની અંદર કદાચ પ્રથમ વખત ઘટના બનશે કે જેમાં બે રાજ્યના મુખ્યમંત્રીઓ એક જ શહેરની મુલાકાતે આવતા હોય અને સભા સંબોધશે. લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.બીજીતરફ 'આપ'નાં ઉમેદવાર વિપુલ સખીયા વિરુદ્ધ પોસ્ટરો લાગતા રાજકારણમાં ગરમાવો આવ્યો છે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે ત્યારે દિલ્હીમાં અને તાજેતરમાં જ પંજાબની અંદર સરકાર બનાવનાર આમ આદમી પાર્ટીના સુપ્રીમો અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ છેલ્લા ઘણા સમયથી ગુજરાત પ્રવાસે અને ખાસ કરીને સૌરાષ્ટ્રના પ્રવાસે આવી રહ્યા છે ત્યારે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને મુખ્યમંત્રી ભગવંત માન તા. 28 થી લઈને 30 સુધી ગુજરાતની છ અલગ-અલગ જગ્યાઓ પર સભાઓ સંબોધવાના છે જેમાં પંચમહાલ, પાટણ, નવસારી, નર્મદા, અમરેલી અને રાજકોટ જિલ્લા વિસ્તારની અંદર સભા સંબોધવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. ધોરાજીમાં આવેલ જનાના હોસ્પિટલના ગ્રાઉન્ડ ખાતે આ જાહેરસભા યોજાનાર છે.

 

આ મામલે ધોરાજી ઉપલેટા વિધાનસભાના આમ આદમી પાર્ટીના ઉમેદવાર વિપુલ સખિયાએ જણાવ્યું હતું કે આગામી કાર્યક્રમને લઈને તડામાર તૈયારીઓ શરૂ છે અને આ કાર્યક્રમની અંદર બહોળી સંખ્યામાં લોકો પણ ઉમટી પડશે. જે રીતે આમ આદમી પાર્ટીના સુપ્રીમો અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ગેરંટીઓ આપી રહ્યા છે તેમની ઉપર કામ કરી રહ્યા છે ત્યારે આગામી દિવસોમાં જ્યારે ધોરાજી ખાતે સભા સંબોધ છે ક્યારે પણ કાંઈક નવી જાહેરાત કરે તેવી શક્યતા હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.

 

બીજીતરફ ધોરાજી મા લાગ્યા આમ આદમી પાર્ટીના વિધાન સભા 75 બેઠકના ઉમેદવાર વિપુલ સખીયા વિરુદ્ધ પોસ્ટરો લાગ્યા છે. જેમાં 'કેજરીવાલ સાહેબ જીંદાબાદ ઉમેદવાર વિપુલ સખીયા મુર્દાબાદ' તેમજ 'આયાતી ઉમેદવારને દૂર કરો', 'આમ આદમી પાર્ટી કો બચાવો પાર્ટી કે દલાલો કો ભગાવો' તેમજ 'આમ આદમી પાર્ટી માટે સંદેશ જે ઉમેદવાર આમ આદમી પાર્ટીના હોદ્દેદારો તથા કાર્યકર્તાઓનો વિશ્ર્વાસ પણ ન જીતી શકે તે પબ્લિકનું ભલુ ન કરી શકે' તેવા લખાણ લખેલા પોસ્ટર ઠેર ઠેર લાગ્યા છે. અને ચુંટણી આવે તે પહેલા જ ઉમેદવારનો વિરોધ થતા રાજકારણ ગરમાયુ છે.

(10:43 pm IST)