Gujarati News

Gujarati News

News of Friday, 28th October 2022

ગુજરાત ચૂંટણી માટે કોંગ્રેસના ઉમેદવારોના નામની પ્રથમ યાદીને હાઇકમાન્ડની મંજૂરી

આગામી બે દિવસમાં થઇ શકે નામની જાહેરાત: કોંગ્રેસના નવનિયુક્ત પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેની ઉપસ્થિતમાં દિલ્હીમાં કોંગ્રેસની સીઈસી બેઠક યોજાઈ :ઉમેદવારોની પસંદગી અંગે ચર્ચાઓ થઈ

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પડધમ વાગી રહ્યાં છે, ગમે ત્યારે ચૂંટણીની તારીખની જાહેરાત થઇ શકે છે ત્યારે કોંગ્રેસના ઉમેદવારના પ્રથમ લીસ્ટને લીલીઝંડી મળી ગઇ છે.  ગુજરાત કોંગ્રેસમાંથી કોણ કઈ બેઠક પર ઉમેદવારી કરશે તેની યાદી જોવા માટે લગભગ કોંગ્રેસ સહિત અન્ય પક્ષના નેતાઓ પણ રાહ જોઈ રહ્યા છે.

તાજેતરમાં જ આમ આદમી પાર્ટીએ તો ઉમેદવારોની સાતમી યાદી પણ જાહેર કરી દીધી છે અને તે ઉમેદવારોએ તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે. આ તરફ ભાજપ દ્વારા પણ સેન્સ પ્રક્રિયા લગભગ પુરી થવાને આરે છે. હવે જાણકારી મળી રહી છે કે કોંગ્રેસની સીઈસીની જે દિલ્હીમાં બેઠક થઈ હતી તે પુર્ણ થતાની સાથે નેતાઓ દિલ્હીથી ગુજરાત આવ્યા છે અને 2 દિવસમાં કોંગ્રેસના ઉમેદવારોની યાદીને જાહેર કરશે.

કોંગ્રેસના નવનિયુક્ત પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેની ઉપસ્થિતમાં દિલ્હીમાં કોંગ્રેસની સીઈસી બેઠક યોજાઈ હતી જેમાં ઉમેદવારોની પસંદગી અંગે ચર્ચાઓ થઈ હતી. પ્રાપ્ત વિગતો અનુસાર લગભગ 60 આસપાસના ઉમેદવારોના નામ એવા છે કે જેના પર આ બેઠકમાં મંજુરીની મહોર લાગી ગઈ છે.

હવે કોંગ્રેસ લગભગ નજીકના જ સમયમાં આ નામ જાહેર કરી દેશે. કોંગ્રેસમાંથી હાલ આ બેઠક દરમિયાન જે ઉમેદવારો અગાઉ જીત્યા અને ઓછા માર્જીનથી હાર્યા તે તમામ બાબતો પર ચર્ચાઓ થઈ હતી. વર્તમાન ધારાસભ્યો સિવાયના લગભગ 35 જેટલા ઉમેદવારોના નામો કમિટિએ નક્કી કર્યા છે.

(10:22 pm IST)