Gujarati News

Gujarati News

News of Friday, 28th October 2022

ભાજપની સેન્સ પ્રક્રિયામાં સુરત પશ્ચિમ વિધાનસભા માટે 66 વર્ષ જૂના નેતા ફકીરભાઈ ચૌહાણે દાવેદારી નોંધાવી

સીટીંગ ધારાસભ્ય અને હાલ રાજ્ય સરકારના મંત્રી પુણેશ મોદીની બેઠક પર સુરતના પૂર્વ ડેપ્યુટી મેયર નીરવ શાહ, તેમજ 66 વર્ષ જુના નેતા ફકીર ભાઈ ચૌહાણ પણ દાવેદારી કરવા પહોંચ્યા

ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. અને હાલ ભાજપ દ્વારા મૂરતિયાઓ પર મંથન ચાલી રહ્યું છે. ત્યારે ભાજપની આ સેન્સ પ્રક્રિયામાં ટિકિટ વાચ્છુકોનો રાફડો ફાટી નીકળ્યો છે. સુરતમાં ભાજપ કાર્યલય ખાતે યોજાયેલ સેન્સ પ્રક્રિયામાં ગતરોજ બાર બેઠકો પૈકી છ બેઠકો માટે 182 નેતાઓએ દાવેદારી કરી હતી. ત્યારે આજ રોજ ફરી ભાજપના નિરીક્ષકો દ્વારા સેન્સ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. જ્યાં ભાજપના જૂના જોગીઓ ટિકિટ માટે દાવેદારી કરવા કાર્યાલય પહોંચ્યા હતા. સુરત પશ્ચિમ વિધાનસભા માટે 66 વર્ષ જૂના નેતા ફકીર ચૌહાણ પણ દાવેદારી કરવા પહોંચ્યા હતા.

સૂરતમાં ઉમેદવારોની પસંદગી માટે આજ રોજ સવારથી શરૂ થયેલી સેન્સ પ્રક્રિયામાં પશ્ચિમ વિધાનસભાના સીટીંગ ધારાસભ્ય અને હાલ રાજ્ય સરકારના મંત્રી પુણેશ મોદીની બેઠક પર સુરતના પૂર્વ ડેપ્યુટી મેયર નીરવ શાહ, તેમજ 66 વર્ષ જુના નેતા ફકીર ભાઈ ચૌહાણ પણ દાવેદારી કરવા પહોંચ્યા હતા.પ્રામાણિક, ઈમાનદાર, અને નિષ્ઠાવાન નેતાની છાપ ધરાવતા ફકીરભાઈ ચૌહાણ વર્ષ 1995 માં સુરત ભાજપના પ્રથમ મેયર રહી ચૂક્યા છે. સુરતની જનતાને મીઠું પાણી આપવાનો શ્રેય અને સુરતના કોઝવે નું સપનું સાકાર કરનાર ફકીરભાઈ ચૌહાણ એ તેમના કાર્યકાળ દરમિયાન ઘણા સારા અને નોંધનીય કામો કર્યા છે.ફકીર ભાઈ ચૌહાણ સુરત ભાજપ પ્રમુખ,સુરત મનપામાં સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પણ રહી ચૂક્યા છે.

સુરતમાં ભાજપનું સંગઠન ઊભું કરવામાં કાશીરામ રાણા નરોત્તમ પટેલ અને ફકીરભાઈ ચૌહાણનું મહત્વપૂર્ણ યોગદાન રહ્યું છે. જોકે ત્યાર બાદ ભાજપથી નારાજ થયેલા નેતાઓએ મહાગુજરાત જનતા પાર્ટીની સ્થાપના કરી હતી. જેમાં ફકીરભાઈ ચૌહાણ પાર્લામેન્ટ્રી બોર્ડના સભ્ય રહ્યા હતા. અને ત્યારબાદ આ પાર્ટીનું મહાગુજરાત જનતા પાર્ટીમાં વિલીનીકરણ થતાં ફકીરભાઈ ચૌહાણ તેમાં જોડાઈ ગયા હતા. પરંતુ ત્યારબાદ તેઓએ ફરી ભાજપનો હાથ ઝાલ્યો છે. અને હવે આવનારી વિધાનસભા ચૂંટણીમા ટિકિટ માટે દાવેદારી નોંધાવી છે.

ગુજરાત વિધાનસભાની આ વખતની ચૂંટણી ભારે રસાકસી વાળી લાગી રહી છે. ત્યારે આમ આદમી પાર્ટીના પગ પેસારા બાદ ભાજપ પણ તેમના જુના જોગીઓ અને કદાવર નેતાને પક્ષ માં પરત લાવ્યા છે. અને તેઓએ હવે ટિકિટ માટે દાવેદારી કરતા પાર્ટી તેમને ટિકિટ આપશે કે કેમ તે પણ એક સવાલ છે?

(7:02 pm IST)