Gujarati News

Gujarati News

News of Friday, 28th October 2022

સીઆર પાટીલે ટિકિટ મેળવવા ઝપાઝપી કરી રહેલા ઉમેદવારોની સીધી ટકોર

કોઇ એકને ટિકિટ મળશે તો પણ બીજા નારાજ નહી થાય. બધા સાથે મળીને કામ કરશે, આ કાંગ્રેસ નથીઃ પાટીલ પાર આકરા પ્રહારો

અમદાવાદ :ભાજપના પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ આજે પાટણના સિદ્ધપુરમાં પ્રચાર કરી રહ્યાં છે. તેમણે વિશાળ રોડ શો કરીને શહેસા ગામમાં જાહેર સભા સંબોધી હતી. જાહેર સભામાં ઠાકોર સેના જિલ્લા પ્રમુખ જિબાજી ઠાકોરને કેસરિયા કરાવ્યા હતા. હાલ ભાજપમાં જ્યાં ઉમેદવારોની સેન્સની પ્રક્રિયા ચાલી રહી છે, તેમાં સીઆર પાટીલે ટિકિટ મેળવવા ઝપાઝપી કરી રહેલા ઉમેદવારોની સીધી ટકોર કરી હતી. 

ભાજપની વિધાનસભા બેઠકો પર ચાલી રહેલી સેન્સની પ્રક્રિયા અને પ્રત્યેક બેઠક પર અનેક દાવેદારો અંગે સીઆર પાટીલે કહ્યું કે, ભાજપાની જીતની શક્યતા હોવાથી દાવેદારો વધારે છે. વધારે દાવોદારો એ અમારી માટે પોઝીટીવ બાબત છે. કોઇ એકને ટિકિટ મળશે તો પણ બીજા નારાજ નહી થાય. બધા સાથે મળીને કામ કરશે, આ કાંગ્રેસ નથી. 

તેમણે કહ્યું હતું કે, સત્તાવીષ વર્ષ બાદ પણ વિકાસના મંત્ર સાથે ભાજપ આગળ વધી રહી છે. ભાજપ રેકોર્ડ સ્થાપવા માટે ચૂંટણી લડી રહી છે. આ વિસ્તારની પાણીની સમસ્યા પણ દૂર થશે. તમે સરકાર બનાવો અહી પાણી પણ આવી જશે. તમારા જિલ્લામાં દરેક યોજનાનો લાભ મળે તે માટે કલેક્ટરને સૂચના આપી છે. ભાજપની ભરોસાની સરકાર સફળતાપૂર્વક આગળ વધી રહી છે. પ્રધાનમંત્રી બન્યા બાદ ૩૦ વર્ષમાં ન થયેલ કામ નરેન્દ્ર મોદીએ કર્યા છે. 

તો ચલણી નોટ પર લક્ષ્મીજી અને ગણેશજીની છબી રાખવાના કેજરીવાલના નિવેદન પર સીઆર પાટીલની પ્રતિક્રિયા આપતા કહ્યું કે, પંજાબમા કેજરીવાલની આપ સરકારે સરકારી ઓફિસમાંથી ગાંધીજીનો ફોટો હટાવ્યો છે. હવે કેજરીવાલ ચલણી નોટો પર ગાંધીજીના ફોટાને હટાવવા માંગે છે. તો કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કે, કોંગ્રેસનુ કામ બોલે છે, તેવુ પેઇન્ટરથી લખવામાં ભુલ થઇ ગઇ છે. કોગ્રેસના કારનામા લખતાં લખતાં કામ લખાઇ ગયુ. 
પાટણ જિલ્લા ક્ષત્રિય ઠાકોર સેનાના પ્રમુખ જીબાજી ઠાકોર ભાજપમાં જોડાયા છે. પાટણના સિદ્ધપુર ખાતે ઠાકોર સમાજનો સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો હતો. ઠાકોર સમાજના સ્નેહ મિલન કાર્યક્રમમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ હાજર રહ્યા હતા. સીઆર પાટીલના હસ્તે સભામાં ઠાકોર સેના જિલ્લા પ્રમુખ જિબાજી ઠાકોર અને સેનાના કાર્યકરો કેસરિયો ધારણ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, જીબાજી ઠાકોર 2017 વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસના મજબૂત દાવેદાર હતા. જિબાજી અને તેમની ટીમ કેસરિયો ધારણ કરતા કોંગ્રેસને મોટો ફટકો પડી શકે છે. સિદ્ધપુર વિધાનસભામાં સૌથી મોટી વોટબેન્ક ઠાકોર સમાજની છે.

(3:35 pm IST)