Gujarati News

Gujarati News

News of Wednesday, 28th October 2020

વડોદરામાં હિસ્‍ટ્રીશીટર અને ભેજાબાજ હર્ષિલ લિંબાચિયાની વાતોમાં આવીને સરકારી નોકરી મેળવવા માટે 45 લાખ આપી દીધાઃ પોલીસ ફરિયાદ

વડોદરા: સરકારી નોકરી કરવી કોને ગમે? આવી ઈચ્છાનો લાભ કેટલાક લેભાગુ તત્વો લઈ રહ્યાં છે. સરકારી નોકરીના બહાને છેતરપિંડીના કિસ્સા પણ હવે સામાન્ય થઈ ગયા છે. ગાંધીનગરના સાત લોકો સાથે પણ આવી છેતરપિંડી થઈ અને તે પણ MGVCLમાં નોકરી અપાવવાના બહાને. પારિવારિક સાતેય લોકો વડોદરાના હિસ્ટ્રી શીટર અને ભેજાબાજ એવા હર્ષિલ લિંબાચિયાની વાતોમાં આવી ગયા અને પોતાની MGVCLમાં નોકરી કરવાની ઈચ્છાને સાર્થક કરવા માટે 45 લાખ રૂપિયા આપી દીધા.

સમય જતાં હર્ષિલે  વાતોમાં ભેળવી નોકરીના કોલ લેટર પણ વોટ્સઅપથી તમામ વ્યક્તિને મોકલી દીધા હતાં. પણ સમય વીતતા નોકરીમાં જોડાવવા અંગેનો ઓર્ડર આવ્યો નહી. તમામે ફરીથી હર્ષિલ બાચિયાનો સંપર્ક કર્યો અને  નોકરીનો ઓર્ડર જો આવે તો, રૂપિયા પરત આપવાની વાત કહેતા હર્ષિલે તમામને વડોદરાના માંજલપુર  બોલાવ્યા હતાં. તમામને એમ કે કંઈક નિરાકરણ આવશે તેમ સમજી વડોદરાના માંજલપુર આવ્યા કે હર્ષિલે તૈયાર રાખેલા તેના સાગરીતો લોકોની કાર પર તૂટી પડ્યા હતાં.

ગાંધીનગરના ફરિયાદીઓની કારને પણ નુક્સાન થયું અને અંતે તમામે રોષે ભરાઈ માંજલપુર પોલીસ સ્ટેશનના દ્વાર ખખડાવ્યા. ફરિયાદીના જણાવ્યા અનુસાર આરોપી હર્ષિલને જ્યારે પોલીસ સ્ટેશન બોલાવ્યો ત્યારે તે  બિન્દાસ્ત હતો જાણે પોલીસનો કોઈ ડર ના હોય. ફરિયાદીએ પોલીસની કામગીરી પર પણ સવાલ  ઉઠાવ્યા હતા. બાદમાં મામલો વધુ ઉગ્ર બનતા પોલીસે હર્ષિલ લિંબાચિયા સાથે તેના અન્ય એક સાગરીત  રાહુલ સિન્હાને ઝડપી પાડ્યો. પોલીસ તપાસમાં પણ સામે આવ્યું છે કે હર્ષિલ અગાઉ પણ MS યુનિવિર્સિટીના બોગસ માર્કશીટ કૌભાંડમાં ઝડપાઈ ચૂક્યો છે અને તેના વિરૂદ્ધ સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં ડુપ્લિકેટ માર્કશીટ બનાવવા માટે પોલીસ ફરિયાદ પણ નોંધાઈ છે.

વડોદરાના વરણામા પોલીસ સ્ટેશનમાં પણ આર્મ્સ એક્ટ અને રાયોટિંગનો ગુનો નોંધાઈ ચૂક્યો છે. ઉપરાંત દસ્તાવેજથી છેતરપિંડીના અનેક ગુના પણ નોંધાઈ ચૂક્યા છે. હાલ તો પોલીસે હર્ષિલ લિંબાચિયા સામે ગુનો નોંધી કેસ ગાંધીનગર પોલીસને રિફર કર્યો છે. હર્ષિલ લિંબાચિયા રીઢો ગુનેગાર હોવાથી તે અન્ય કયા કયા ગુનામાં સંડોવાયેલો છે અને કેટલા લોકોને આવી રીતે કેટલા છેતરી ચૂક્યો છે તે દિશામાં પણ પોલીસે તપાસ હાથ ધરી છે.

(4:39 pm IST)