Gujarati News

Gujarati News

News of Tuesday, 28th September 2021

ગુરૂવારથી ૨૫ ગાડીઓના કાફલા સાથે નવા પ્રધાનોની જનઆશીર્વાદ યાત્રા

ભૂપેન્દ્ર પટેલના મંત્રી મંડળને જનજન સુધી પહોંચાડવા પ્રયાસ : ચૂંટણીલક્ષી એજન્ડા : રૂટ નક્કી કરવામાં સામાજિક - રાજકીય દ્રષ્ટિકોણ : આજે સંગઠન પ્રભારીઓ વિગતવાર યોજના બનાવશે : ઠેર-ઠેર સ્વાગત - સંમેલન

રાજકોટ તા. ૨૮ : પ્રદેશ ભાજપ દ્વારા નવા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નવા મંત્રી મંડળના મંત્રીઓની જન આશીર્વાદ યાત્રાનું તા. ૩૦ સપ્ટેમ્બરથી ૧,૨,૩ સપ્ટેમ્બર અને ૮ ઓકટોબરે આયોજન કરાયેલ છે.

મંત્રીઓ અલગ-અલગ વિસ્તારની પરિસ્થિતિથી વાકેફ થાય અને જનજન સુધી પહોંચે તે હેતુ છે. તમામ મંત્રીઓને રાજ્યવ્યાપી અલગ-અલગ જિલ્લા ફાળવી દેવામાં આવેલ છે. વિગતવાર રૂટ અને કાર્યક્રમો જે તે શહેર - જિલ્લા ભાજપ દ્વારા નક્કી કરવામાં આવશે નવી સરકાર પછીનો સંગઠનનો આ પ્રથમ રાજ્યવ્યાપી કાર્યક્રમ છે.

સૌરાષ્ટ્રમાં રાઘવજીભાઇ પટેલ, જીતુ વાઘાણી, કિરીટસિંહ રાણા, બ્રિજેશ મેરજા, અરવિંદ રૈયાણી, આર.સી.મકવાણા, દેવાભાઇ માલમ વગેરે મંત્રીઓ જનઆશીર્વાદ યાત્રા લઇને નીકળશે. પ્રદેશની સૂચિમાં મુખ્યમંત્રીનું નામ નથી પરંતુ તેઓ કોઇ જગ્યાએ ઉપસ્થિત રહે તેવી શકયતા છે.

ગયા મહિને કેન્દ્રના મંત્રીઓ જનઆશીર્વાદ યાત્રા લઇને નીકળેલા. ત્યારબાદ ગુજરાત સરકારમાં નેતૃત્વ પીરવર્તન થતા હવે રાજ્યના નવા મંત્રીઓ જનઆશીર્વાદ યાત્રા લઇને નીકળશે. વિધાનસભાની ચૂંટણીને ધ્યાને રાખીને આ યાત્રાનું આયોજન છે. જે તે જિલ્લા અને મહાનગરના પ્રભારી આજે પોતાને સોંપાયેલ વિસ્તારમાં સ્થાનિક આગેવાનોની બેઠક યોજી રૂટ, સ્વાગત, સંમેલન વિગેરે આયોજન ઘડશે.

પ્રદેશ ભાજપ તરફથી શહેર, જિલ્લા એકમોને જણાવાયું છે કે, યાત્રા માટે સવારથી સાંજ સુધીનો રૂટ બનાવવો. મંત્રીની મુખ્ય ગાડી ઇનોવાને સ્ટીકરથી શણગારવી તથા અન્ય ૧૦ ગાડીઓને પણ શણગારવી, અંદાજે ૨૫ ગાડીઓનો કોન્વે પ્રભાવી રીતે પસાર થાય તેવું આયોજન કરવું. યાત્રા અંગેની ગ્રાફિક ડીઝાઇન પ્રદેશ ભાજપ તરફથી અપાશે. યાત્રાના ઇન્ચાર્જ - સહાયક ઇન્ચાર્જ નક્કી કરવા. યાત્રાનો રૂટ સ્થાનિક રાજકીય - સામાજિક ઉપયોગીતાના આધારે નક્કી કરવો.

સૌરાષ્ટ્રમાં કયા દિવસે કયા જિલ્લામાં કયા મંત્રીની યાત્રા ?

તારીખ

જિલ્લો

મંત્રી

તા. ૩૦

જૂનાગઢ

આર.સી.મકવાણા

તા. ૩૦

ભાવનગર

વિનુભાઇ મોરડિયા

તા. ૦૧

ગિર સોમનાથ

આર.સી.મકવાણા

તા. ૦૧

ભાવનગર

દેવાભાઇ માલમ

તા. ૦૨

સુરેન્દ્રનગર

દેવાભાઇ માલમ

તા. ૦૩

અમરેલી

આર.સી.મકવાણા

તા. ૦૩

મોરબી

બ્રિજેશ મેરજા

તા. ૦૩

ભાવનગર શહેર

જીતુ વાઘાણી

તા. ૦૩

સુરેન્દ્રનગર (લીંબડી)

કિરીટસિંહ રાણા

તા. ૦૩

રાજકોટ (જિલ્લો)

જીતુભાઇ વાઘાણી

તા. ૦૩

મોરબી

અરવિંદ રૈયાણી

તા. ૦૩

પોરબંદર

બ્રિજેશ મેરજા

તા. ૦૩

રાજકોટ શહેર

અરવિંદ રૈયાણી

તા. ૦૮

જૂનાગઢ શહેર

રાઘવજી પટેલ

તા. ૦૮

બોટાદ

અરવિંદ રૈયાણી

તા. ૦૮

સુરેન્દ્રનગર

બ્રિજેશ મેરજા

(11:59 am IST)