Gujarati News

Gujarati News

News of Saturday, 28th September 2019

જીસીએના ઉપપ્રમુખ તરીકે ધનરાજ નથવાણીની વરણી

જીસીએની એજીએમમાં હોદ્દેદારોની વરણી થઇ : સેક્રેટરી તરીકે અશોક બ્રહ્મભટ અને જોઈન્ટ સેક્રેટરીરૂપે અનિલ પટેલ અને ટ્રેઝરર તરીકે ભરત ઝવેરીની પસંદગી

અમદાવાદ, તા.૨૮ : ક્રિકેટ જગતની પ્રતિષ્ઠિત સંસ્થા જીસીએ(ગુજરાત ક્રિકેટ એસોસીએશન)ની વાર્ષિક સાધારણ સભા એટલે કે એન્યુલ જનરલ મીટીંગ આજે મળી હતી, જેમાં પ્રમુખ, ઉપપ્રમુખ સહિતના હોદ્દેદારોની નિમણૂંકની પ્રક્રિયા હાથ ધરાઇ હતી. મીટીંગના પ્રાથમિક તબક્કે જ જીસીએના ઉપપ્રમુખ તરીકે ધનરાજ નથવાણીની નિયુકિત કરવામાં આવી હતી. જો કે, મોડી સાંજ સુધી જીસીએના પ્રમુખની વરણી થઇ શકી ન હતી, જેને લઇ ભારે અટકળો અને તર્ક-વિતર્ક વહેતા થયા હતા. બીજીબાજુ, ગુજરાત ક્રિકેટ એસોસીએશન(જીસીએ)ના સેક્રેટરી તરીકે અશોક બ્રહ્મભટ, જોઈન્ટ સેક્રેટરી તરીકે અનિલ પટેલ અને ટ્રેઝરર તરીકે ભરત ઝવેરીની પસંદગી કરવામાં આવી હતી.

                   જીસીએમાં જૂની ટર્મના ઉપ-પ્રમુખ પરિમલ નથવાણીએ થોડા સમય અગાઉ ટ્વીટ કરીને જાણ કરી હતી કે, તેઓ લોઢા કમિટીના નિયમ અનુસાર વાઇસ પ્રેસિડેન્ટ પદને છોડી રહ્યા છે. પરિમલ નથવાણી બાદ હવે તેમના પુત્ર ધનરાજ નથવાણીના શિરે જ જીસીએના ઉપપ્રમુખની જવાબદારી આવી હતી. જીસીએના હોદ્દેદારોની નિયુકિત બાદ તેમના સમર્થકો અને પરિચિતોમાં ખુશીની લાગણી ફેલાઇ ગઇ હતી. જો કે, મોડી સાંજ સુધી પ્રમુખનું નામ જાહેર થઇ શકયુ ન હતુ, જેને લઇ ભારે ચર્ચા ચાલી હતી.

(9:46 pm IST)