Gujarati News

Gujarati News

News of Saturday, 28th September 2019

અરવલ્લી, પાટણ સહિતના પંથકોમાં જોરદાર મેઘમહેર

ઈડરમાં સાંબેલાધાર વરસાદ : કોઝવે પાણીમાં : અરવલ્લી પંથકની હાથમતી-ઇન્દ્રાશી નદીઓમાં ઘોડાપૂર શામળાજીમાં પણ ધોધમાર વરસાદ : મેશ્વો ડેમ છલકાયો

અમદાવાદ, તા.૨૮ : મેઘરાજાએ આજે ઉત્તર ગુજરાતના પંથકોમાં જબરદસ્ત જમાવટ કરી હતી. ખાસ કરીને સાબરકાંઠા, અરવલ્લી, પાટણ સહિતના પંથકોમાં આજે જોરદાર મેઘમહેર વરસી હતી, જેના કારણે અહીંના પંથકો અને વિસ્તારોમાં ભારે પાણી ભરાઇ ગયા હતા. ખાસ કરીને  સાબરકાંઠાના વિજયનગર, ચિઠોડા, પાલ, અભાપુર, ઇડર સહિતના પંથકોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઇ ગઇ હતી. તો,  અરવલ્લીના ભીલોડા સહિતના પંથકોમાં પણ ધોધમાર વરસાદના કારણે સ્થાનિક હાથમતી અને ઇન્દ્રાશી નદીમાં ઘોડાપૂર આવ્યા હતા. સાબરકાંઠા, અરવલ્લીના જળાશયોમાં ભારે વરસાદને લઇ પાણીની ભરપૂર આવક થઇ હતી.  બીજીબાજુ, મહેસાણાના ધરોઇ ડેમમાં જળસપાટી ૧૧૮ ફુટ પર પહોંચી હતી. ડેમમાં નવ હજાર કયુસેક પાણીની આવક થઇ રહી છે. બે દિવસમાં જળસપાટી વધશે તો, ડેમના દરવાજા ખોલવાની ફરજ પડશે. હવામાન વિભાગની આગાહીને પગલે ગુજરાતભરમાં હાલ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે.

               ત્યારે સાબરકાંઠા જિલ્લામાં બે દિવસથી ધોધમાર વરસાદ પડી રહ્યો છે. ઇડરમાં વહેલી સવારથી સાંબેલાધાર વરસાદ વરસ્યો હતો. ધોધમાર વરસાદના કારણે ઠેર-ઠેર પાણી ભરાઈ ગયા હતા. ઇડરના મૂટેડીથી ઢીંચણિયા ગામને જોડતો કૉઝવે પર નદીના પાણી ફરી વળ્યા હતા. બે ગામોને જોડતો કોઝ વે પાણીમાં ગરકાવ થતા સ્કૂલ જતા વિદ્યાર્થીઓ અને રોજબરોજ કામ પર જતા લોકો કોઝ વે પર અટવાયા હતા. છેલ્લા કેટલાય સમયથી આ કોઝ વે પર પુલ બનાવવાની માંગ થઇ રહી છે પરંતુ હજુ સુધી સત્તાવાળાઓએ તે માંગણી ગણકારી નથી. દરમ્યાન પ્રાંતિજના ઘડી પંથકમાં પણ અતિ ભારે વરસાદ ખાબકતાં જળબંબાકારની સ્થિતિ સર્જાઇ હતી. જેને લઇ સ્થાનિક નવરાત્રિના આયોજનોમાં ભારે મુશ્કેલી સર્જાઇ છે.  સાબરકાંઠામાં ગઇ મોડી રાત્રે ઇડર અને વડાલીને બાદ કરતાં અડધા ઇંચથી વધુ વરસાદ વરસ્યા બાદ શુક્રવારે પોશીના ૧૦ મીમી અને ઇડર, પ્રાંતિજ વિજયનગરમાં ઝાપટાં વરસ્યા હતા. વિજયનગરના ચિઠોડા, પાલ, અભાપુર સહિતના પંથકોમાં પણ ભારે વરસાદ જોવા મળ્યો હતો. શામળાજી પંથકમાં ભારે વરસાદના કારણે ઠેર-ઠેર પાણી ભરાયેલા જોવા મળ્યા હતા. ભારે વરસાદના કારણે મેશ્વો ડેમ ઓવરફલો  થયો હતો તો, શામળાજી ચેકડેમ છલકાતાં શામળાજી હોસ્પિટલનો રસ્તો બંધ કરવાની ફરજ પડી હતી. 

            તો, પાટણ જિલ્લામાં સરસ્વતી અન ચાણસ્મા પંથકમાં ચાર કલાકમાં બેથી ત્રણ ઇંચ વરસાદ ખાબકતાં સર્વત્ર પાણી જ પાણી ફરી વળ્યા હતા. સ્થાનિક સોસાયટીઓમાં વરસાદી પાણી ઘૂસી ગયા હતા, જેને લઇ નાગરિકો ભારે હાલાકીનો ભોગ બન્યા હતા. હવામાન વિભાગની આગાહી અનુસાર તા.૨ ઓક્ટોબર સુધી વરસાદની સંભાવના છે અને તા.૩ ઓક્ટોબરથી વરસાદ વિરામ લે તેવો વર્તારો છે પરંતુ હવામાન વિભાગે ચોમાસાની વિદાયની હજુ જાહેરાત કરી નથી. હવામાન વિભાગની આગાહીને પગલે નવરાત્રીના પ્રથમ ત્રણ દિવસ વરસાદનું સંકટ તોળાઇ રહ્યું છે. દીવમાં પણ ઘોઘલા બંદર ચોક, છાંપા બજાર , રાજકોટમાં સતત વરસાદના કારણે ખેડૂતોના ખેતરોમાં પાણી ભરાઇ ગયા હતા., જેના કારણે ખેડૂતોના કપાસ, મગફળી સહિતના પાકનું મોટુ નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે.

(9:37 pm IST)