Gujarati News

Gujarati News

News of Saturday, 28th September 2019

ઓલપાડમાં ચાર ઇંચ સુધી વર્ષા : મેઘાની સવારી જારી

દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદથી પ્રતિકુળ અસર : ઉધના સ્ટેશન પર વરસાદે પોલ ખોલી : શેડના પતરામાંથી ભારે પાણી ટપકતાં મુસાફરો હેરાન-પરેશાન : અહેવાલ

અમદાવાદ, તા.૨૮ : હવામાન વિભાગની આગાહી પ્રમાણે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ  સાથે મેઘરાજાની અવિરત સવારી જારી રહી છે. દક્ષિણ ગુજરાતમાં છેલ્લા ૨૪ કલાક દરમ્યાન ભારે વરસાદ વરસ્યો હતો. સુરત જિલ્લાના ઓલપાડમાં કુલ ૪ ઈંચ વરસાદ વરસ્યો હતો જેમાં માત્ર રાત્રિના સમયે જ ૩ ઈંચ વરસાદ વરસતાં જળબંબાકાર જેવી સ્થિતિ જોવા મળી હતી. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતાં. તોફાની વરસાદના પગલે નવરાત્રિના આયોજકો ચિંતામાં મુકાયા છે. સુરતના ઉધના રેલવે સ્ટેશન પર રાત્રે વરસાદના કારણે તૂટેલા પતરામાંથી પાણી ટપકતાં કરોડોના ખર્ચે કરાયેલી કામગીરીની પોલ વરસાદે ખોલી નાખી હતી. આવતીકાલથી શક્તિ આરાધનના પર્વ નવલા નોરતાની શરૂઆત થઈ રહી છે ત્યારે નવરાત્રિ અગાઉ જ ભારે વરસાદની આગાહી મુજબ વરસાદ વરસતા ગ્રાઉન્ડમાં પાણી ભરાઈ ગયા છે. વલસાડ,વાપીથી લઈને બારડોલી અને સુરતના ગ્રાઉન્ડમાં નવરાત્રિ યોજનારા આયોજકો ચિંતામાં મુકાયા છે કારણ કે, ગ્રાઉન્ડમાં તૈયાર કરતી વખતે જ પાણી ભરાઈ ગયા છે અને હવામાન વિભાગની આગાહી મુજબ હજુ બે-ચાર દિવસ વરસાદ વરસે તો નવરાત્રિના આયોજનો પર પાણી ફરી વળે તેવી ચિંતા આયોજકોને સતાવી રહી છે.

સુરતના ઉધના રેલવે સ્ટેશન ખાતે આવેલ કરોડો રૂપિયાના કામોનો ખુલી પોલ આજે સવારે ધોધમાર વરસાદ પડવાથી પ્લેટફોર્મની ઉપર આવેલ પતરા ઉપરથી પાણી પડતાં યાત્રીઓ હેરાન-પરેશાન થયાં હતાં. સુરતના ઉધના રેલ્વે સ્ટેશન પર થોડા દિવસ અગાઉ કરોડોના ખર્ચે પ્લેટફોર્મનું કામ કરવામાં આવ્યું હતું ત્યારે પ્લેટફોર્મના ઉપર પતરાથી પાણી પડતા લોકો હેરાન પરેશાન થયા હતા. યાત્રિકોએ રેલ્વે તંત્રની બેદરકારી અને નિષ્કાળજીને લઇ ભારે બળાપો ઠાલવ્યો હતો. સુરતના ઓલપાડ સિવાય બારડોલી, ચોર્યાસી, મહુવા, માંડવી, પલસાણા, સુરત સહિતના પંથકોમાં સારો એવો વરસાદ નોંધાયો હતો.

(9:35 pm IST)